• શનિવાર, 20 જૂન, 2026

પાટીદાર વડીલનાં અંગદાનથી અન્ય પરિવારોનાં જીવનમાં ઉજાસ પથરાયો

ભુજ, તા. 19 : કચ્છમાં અંગદાન પ્રત્યે જાગૃતિનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે વધુ એક પાટીદાર પરિવાર દ્વારા લેવાયેલા પ્રેરણાદાયી નિર્ણયથી અન્ય પરિવારોનાં જીવનમાં ઉજાસ પથરાયો છે. ગયા અઠવાડિયે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 62 વર્ષીય અરવિંદભાઈ દાનાભાઈ પટેલને મગજમાં હેમરેજ થતાં ગંભીર હાલતમાં ભુજની એમ.એમ.પી.જે. લેવા પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમના તબીબો દ્વારા તેઓને બચાવવાના તમામ ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ અંતે તેઓને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. આઘાતજનક અને કપરી ઘડીમાં અરવિંદભાઈના પત્ની જયાબેન, પુત્ર દિલીપભાઈ અને અરુણભાઈ તથા અન્ય પરિવારજનો અલ્પેશભાઈ, વિજયભાઈ, આરતીબેન, શ્રદ્ધાબેન, વિરાલીબેન અને જિજ્ઞેશભાઈએ મક્કમતાપૂર્વક પોતાના પિતાના અંગોનું દાન કરવાનો માનવતાપૂર્ણ નિર્ણય લીધો હતો. સદ્ગતે કિડની અને આંખનું દાન આપ્યું હતું. અરવિંદભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેઓ એમ.એમ.પી.જે. હોસ્પિટલની ટીમના તબીબો ન્યૂરોસર્જન ડો. તારેક ખત્રી, ક્રિટિકલ કેર ટીમના ડો. પાર્થ રાઠોડ, ડો. કેવલ લીંબાણી, ડો. કરણસિંહ સોઢાની સઘન સારવાર હેઠળ રહ્યા, ત્યાર બાદ પરિવારની સહમતી સાથે ડોક્ટરની ટીમે આ સમગ્ર અંગદાન અને ઓર્ગન રિટ્રીવલ (અંગો મેળવવાની) પ્રક્રિયા ભારત સરકારની સંસ્થા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને નોટોની સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર પારદર્શક અને કાયદાકીય રીતે પૂર્ણ કરી હતી. આ ગાઇડલાઇન હેઠળ અમદાવાદની એપોલો હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. મયૂર પટેલ અને તેમની નિષ્ણાત ટીમ ખાસ ઓર્ગન રિટ્રીવલની પ્રક્રિયા માટે ભુજ ખાતે આવી પહોંચી હતી અને સફળતાપૂર્વક અંગો મેળવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ કાર્યમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પરિવારજનોને મળી કપરી ઘડીમાં આશ્વાસન તથા હિંમત આપી હતી. અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ તથા `અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ'ના અગ્રણી કાર્યકર્તાઓ સંદીપ આહીર, જય લાલન, નિલય ત્રિવેદી, તાપસ શાહ અને વિપુલ મહેતાનું યોગદાન સાંપડયું હતું. હોસ્પિટલ ખાતે સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેશન પ્રક્રિયામાં ડો. પ્રભવ અંતાણીની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ક્રિટિકલ કેર મેડિકલ ઓફિસર્સની ટીમ તથા હેડ ડો. હર્ષ ધલ, ડો. ઉઝમા ખત્રી, ડો. વૈશાખી પરમાર, ડો. ધર્મેન્દ્ર આહીર, ક્રિટિકલ કેર તથા ઈમર્જન્સીના નર્સિંગ સ્ટાફ તેમજ ઓપરેશન થિયેટરની ટીમ દ્વારા સરાહનીય કામગીરી સંભાળવામાં આવી હતી. અરાવિંદભાઈનું ચક્ષુદાન અદાણી ગેમ્સ હોસ્પિટલની ટીમના ડોક્ટર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. દુ:ખની આ પરાકાષ્ઠા વચ્ચે પણ પરોપકારની ભાવના જગાડનારા આ પ્રેરણારૂપ નિર્ણયને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, સમાજના ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા, ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયા, ઉપાધ્યક્ષ ધનસુખભાઈ સિયાણી અને ગોપાલભાઈ વેકરિયાએ બિરદાવ્યો હતો. અંગોને અમદાવાદ લઇ જતી વખતે ગ્રીન કોરિડોર માટે પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાનાં માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ આર.વી. જોશીએ વ્યવસ્થા સાંભળી હતી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં હોસ્પિટલ પ્રશાસન તથા સમગ્ર સ્ટાફ દ્વારા અંગદાન કરનારા વીર આત્માને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. 

Panchang

dd