ગઢશીશા, તા. 19 : આજે સમગ્ર કચ્છની દૂધ ઉત્પાદન ક્ષેત્રે અવ્વલ સરહદ ડેરી તથા અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ ઉત્પાદન કરી ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપી આર્થિક પગભર બને, મહિલાઓને બિરદાવવા સાથે મહિલાઓની જનભાગીદારીની સરાહનીય કામગીરીનાં ઓવારણાં લેવા અમૂલ ડેરીના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના અધ્યક્ષસ્થાને ગઢશીશા જૈન મહાજનવાડી ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વલમજીભાઈ હુંબલે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપી કચ્છની મહિલાઓ આર્થિક પગભર થતાં તેમની પ્રશંશા કરી હતી. તો વિવિધ ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણમાં અગ્રહરોળમાં હોવાની વાત પણ કરી હતી. મહિલાઓ આ ક્ષેત્રમાં અલ્પ શિક્ષિત હોવા છતાં પણ ખૂબ જ સારી આવક કરતી હોવાનું જણણાવ્યું હતું. તો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મહિલાઓ હવે સામાજિક-રાજકીય-શૈક્ષણિક- સહકારી ક્ષેત્રમાં મોખરે હોવાનું ગૌરવ અનુભવ્યું હતું અને સરકાર દ્વારા મહિલા ઉત્થાન માટે કરાતી કામગીરી-પ્રોત્સાહનથી વાકેફ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારથી મહિલાઓ હવે શહેરી વિસ્તારની મહિલાઓથી આગળ નીકળી તમામ ક્ષેત્રમાં મોખખરે હોવાનું ગૌરવ અનુભવી હંમેશાં સક્રિય બનવા જણાવાયું હતું. અંબાજી મંદિરના પૂ. ચંદુમા દ્વારા પણ આશીર્વચન પાઠવાયા હતા. ગઢશીશાના સરપંચ કોમલબેન ગોસ્વામી, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ગીતાબા જાડેજા તથા પૂર્વ બી. આર. સી. ડો. મમતાબેન ભટ્ટ દ્વારા પણ મહિલા જાગૃતિ પર વિચારો વ્યક્ત કરાયા હતા.પ્રગતિશીલ દૂધ ઉત્પાદક મહિલાઓ ગઢવી ક્રિષ્નાબેન પ્રદ્યુમન (વિંગણિયા), શિરૂ મરજીનાબેન ગુલામ હુશેન (લાયજા), દમયંતીબેન પ્રેમજી સંગારને બોનસ એક સાથે શ્રેષ્ઠ મહિલા પશુપાલક એવોર્ડ અપાયા હતા. અમૂલ ફેડરેશનના એચ. આર. એચ. પી. રાઠોડએ પણ મહિલાઓએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે કરેલ કામગીરીને બિરદાવી હતી. સરહદ ડેરીના વાઈસ ચેરમેન વિશ્રામભાઈ રાબડિયા, સરહદ ડેરીના ડાયરેકટર મયૂરભાઈ મોતા, તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી, જિ.પં. ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઈ રોશિયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર, એ.પી.એમ.સી. ચેરમેન કેસુભાઈ પારસિયા, તા.પં. કારોબારી ચેરમેન હરેશભાઈ રંગાણી, સત્તાપક્ષના દેવાંગભાઈ ગઢવી, તાલુકા પં. ન્યાય સમિતિ ચેરમેન ઝવેરબેન ચાવડા, પ્રેમબાઈ વેકરિયા, તાલુકા ભાજપ મહામંત્રીઓ મહેન્દ્રભાઈ રામાણી, સામતભાઈ ગઢવી, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજેન્દ્રગિરિ ગોસ્વામી, તા.પં. સદસ્યા દેવુભા જાડેજા, કલ્પનાબેન વાસાણી, મમાયમોરા સરપંચ સરોજબેન સેંઘાણી, મમાયમોરા દૂધ ઉત્પાદકના જલીબેન રબારી વિ. મંચસ્થ રહ્યા હતા. સંચાલન આશાભાઈ રબારી તથા કિંજલબેન સોનીએ, આભારવિધિ મયૂરભાઈ મોતાએ કરી હતી.