• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છ પર ભાદરવે વરસ્યા માગ્યા મેહ

ભુજ, તા. 18 : બિપોરજોય વાવાઝોડાની અસર તળે જૂન-જુલાઇમાં આગોતરી મેઘમહેર વરસ્યા બાદ દોઢ માસ કરતાં વધુ સમયથી મેઘસવારીએ વિરામ લીધો હતો. લાંબા સમયથી કાગડોળે રાહ જોતા કચ્છી માડુઓના હૈયે ટાઢક થાય તેવો વરસાદ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસ્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અડધોથી લઇ ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ તોફાની અંદાજમાં પડતાં ખેતી માટે કાચા સોના સમી મહેર વરસી હતી. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ રાપરમાં તો ભુજના રણકાંધીના બન્ની-પચ્છમ વિસ્તારમાં દોઢથી અઢી ઇંચ, ભુજમાં પવનના સુસવાટા સાથે દોઢ ઇંચ, ગાંધીધામમાં પોણો, અંજારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રે તીર્થધામ માતાના મઢમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે અડધો કલાક કરતાં વધુ સમય સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. આ તરફ બંદરીય શહેર માંડવી ઉપરાંત દયાપર-દોલતપર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. હવામાન વિભાગે મંગળવારે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે તો બુધવારે ભારે વરસાદની આગાહી કરવા સાથે મંગળવારે ઓરેન્જ અને બુધવારે યલો એલર્ટ જારી કર્યું છે. જિલ્લા મથક ભુજમાં સવારથી ધૂપ-છાંવનો માહોલ છવાયા બાદ સાંજે આકાશ કેશરી રંગથી રંગાઇ ગયું હતું. સાંજે સાતેક વાગ્યાના અરસામાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે તોફાની અંદાજમાં વરસાદ વરસવો શરૂ થયો હતો. પોણો કલાકમાં 36 મિ.મી. એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ સત્તાવાર રીતે કન્ટ્રોલ રૂમમાં નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસેલા આ વરસાદની તીવ્રતા એટલી તો જોરદાર હતી કે જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ, વોકળા ફળિયા, વી.ડી. હાઇસ્કૂલ રોડ સહિતના વિસ્તારોમાં મોટાપાયે જળભરાવ થયો હતો. મંગળવારે ગણેશ ચતુર્થીનો મહોત્સવ છે તેની ઉજવણીનો ઉમંગ પરાકાષ્ટાએ પહોંચ્યો ત્યાંજ તોફાની વરસાદ વરસતાં ઉજવણીની તૈયારીમાં થોડો વિક્ષેપ પડયો હતો. આમ છતાં લોકોએ મેઘસવારીને માણવા સાથે ગણેશોત્સવની ઉજવણીનો આગોતરો આનંદ પણ માણ્યો હતો. તાલુકાના માધાપર, કુકમા, ભુજોડી સહિતના ગામોમાં પણ આ જ સમયે તોફાની પવન અને વીજ ચમકારા સાથે ધોધમાર વરસાદી ઝડી વરસી હતી. રાપરમાં ધોધમાર અઢી ઇંચ `વરસે તો વાગડ ભલો'ની ઉક્તિને સાર્થક કરી મેઘરાજાએ સાંજે ચારેક વાગ્યે રાપર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ દોઢેક કલાક સુધી જોરદાર ઝડી વરસતાં 63 મિ.મી. એટલે કે અઢી ઇંચ જેટલું પાણી પાડી દીધું હતું. બે દિવસમાં 93 મિ.મી. વરસાદ નોંધાયો હોવાનું નાયબ મામલતદાર જીવાભાઇએ જણાવ્યું હતું. દોઢ કલાક અવિરત વરસેલા અઢી ઇંચ વરસાદથી રાપરના નીચાણવાળા વિસ્તારોમાં અને બજારમાં પાણી ભરાયા હતા. માલી ચોક બેટમાં ફેરવાયો હતો તો ભુતિયા કોઠાથી દરજી બજારમાં અનેક દુકાનોમાં પાણી ભરાયા હતા. આ વરસાદથી ખેડૂતો આનંદમાં આવી ગયા હતા તો ગણેશ ચતુર્થી હોવાથી ગણેશ સ્થાપના માટે પંડાલમાં પાણી ભરાતાં આયોજકો ચિંતિત બન્યા હતા. તાલુકાના લગભગ ગામોમાં દોઢથી ચાર ઇંચ વરસાદના સમાચાર સાંપડયા છે. સચરાચર વરસાદથી ઊભા પાકને જીવતદાન મળ્યું છે, જેની અસર આગામી રવેચી અને રામદેવ પીરના મેળામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આગામી આઠમના દિવસે વાગડના મોટા મેળા પૈકી રવેચીનો અને અગિયારસના દિવસે રામદેવ પીરનો મેળો ભરાવાનો છે. તાલુકાના રામવાવ, ગાગોદર, ભીમાસર, ખીરઇ, ગેડી સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ વરસવાના અહેવાલ સાંપડયા છે. અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ અબડાસાના મુખ્ય મથક નલિયા, કોઠારા અને આજુબાજુના ગામડામાં આજે વહેલી સવારે અડધો ઇંચ જેવો વરસાદ થયો હતો. આ વરસાદથી ખેતીમાં ક્યાંક નુકસાન તો ક્યાંક ફાયદો થશે એવું ખેડૂતોએ જણાવ્યું હતું. જેમણે પાછળથી વાવેતર કરેલ છે એમના માટે આ વરસાદ ફાયદાકારક છે. ઊભેલા તલ, મગફળી માટે નુકસાન થાય એવું પણ ધરતીપુત્રોએ જણાવ્યું હતું. ગરડા પંથકના વાયોર, રામવાડા, અકરી, બેર સહિતના ગામોમાં પણ વરસાદના વાવડ મળ્યા છે. નખત્રાણા તાલુકામાં ઝાપટાં મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું કે, ગઇ મોડીસાંજે હાજીપીર વિસ્તારમાં અડધો કલાક વરસાદી હેત વરસતાં પાણી વહ્યાનું મુજાવર ઇસ્માઇલભાઇએ કહ્યું હતું. નેત્રામાં વીજળીના કડાકા-ભડાકા સાથે આવેલ વરસાદી હેલી પોણો કલાક ચાલી હતી તેવું વિજય સિજુએ કહ્યું હતું. કોટડા, જડોદર, ઉખેડા વિસ્તારમાં પણ પાણી વહ્યાના વાવડ ઉખેડાના સરપંચ તુષારભાઇએ આપ્યા હતા. મુંદરા વિસ્તારમાં પણ વરસાદના ઝાપટા પડયા હતા. મૈત્રી કોમ્પ્લેક્સ, જવાહર ચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. હજુ પણ ગરમી થતી હોઇ વધુ વરસાદની સંભાવના સેવાઇ રહી છે. ભુજ તાલુકાના પદ્ધર, મમુઆરા, ધ્રંગ, લોડાઇ, સુમરાસર સહિત વિસ્તારમાં બપોરે વરસાદે હાજરી પૂરાવી હતી. ભારે ઝાપટાં બાદ ઘણા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. ગાંધીધામમાં હળવાં ઝાપટાંનો દોર ગાંધીધામ સંકુલ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બફારા અને ઉકળાટમાં લોકો સેકાઇ રહ્યા હતા તેવામાં ગઇકાલે રાત્રે અને આજે બપોરે આવેલા ઝરમર વરસાદથી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. ગઇકાલે સાંજે જ આ સંકુલ ઉપર કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયાં હતાં અને રાત્રિના સમયે ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે સવારે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઝરમર વરસાદથી માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. આજે બપોરે પણ મેઘરાજાની અમીદ્રષ્ટિને લીધે સંકુલમાં આવતીકાલે ગણેશ ચતુર્થી નિમિત્તે દુંદાળા દેવને ઢોલ-નગારા સાથે લેવા આવેલા હરિભક્તો ભીંજાતા ભીંજાતા એક દંતાયને પંડાલ સુધી લઇ ગયા હતા. બપોરે આવેલા વરસાદનાં પગલે પણ માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. આ શહેરમાં આજે પોણો ઇંચ વરસાદ નોંધાયાનું મામલતદાર કચેરીએ જણાવ્યું હતું. અંજારમાં અડધો ઇંચ અંજાર વિસ્તારમાં સમગ્ર દિવસ દરમ્યાન 12 મિ.મી. વરસાદ વરસ્યા બાદ બપોર બાદથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. 14 મિ.મી. વરસાદ પડયો હતો. જેના કારણે શહેરીજનોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી હતી. બીજી બાજુ અંજાર વિસ્તારના અનેક ગામડાંઓમાં પણ સચરાચર વરસાદ પડતાં ખેડૂતો માટે જાણે કાચું સોનું વરસ્યુ હતું. યોગેશ્વર ચોકડી વિસ્તારમાં એક વીજપોલમાં કરંટ લાગતાં એક આખલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અંજાર મધ્યે ચાલુ સિઝનનો સત્તાવાર વરસાદ 1109 મિ.મી. (44 ઇંચ) પર પહોંચ્યો હતો. બન્ની વિસ્તારમાં તોફાની બેથી અઢી ઇંચ બન્ની પંથકના ભીરંડિયારા, રેલડી, મદન, વેકરિયા રણ, હોડકો, વાગુરા, નાની મોટી દદ્ધર, દેઢિયા તેમજ આજુબાજુના વિસ્તારમા સાંજે 6-40 મિનિટે સુસવાટા મારતા પવન સાથે વરસાદ પડતાં બિહામણા દૃશ્યો સર્જાયાં હતાં. બિપોરજોય વાવાઝોડાં બાદ આજે ફરી ધોધમાર વરસાદ પડતાં બન્નીના માલધારી લોકોની ખુશીમાં વધારો જોવા મળ્યો છે. તેજ પવન તેમજ વીજળીના ચમકારા વચ્ચે એક કલાકમાં 2થી 2ાા ઇંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયાં હતાં. રવાપર વિસ્તારમાં સાંજે સાત વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. પચ્છમ વિસ્તારમાં એકથી બે ઇંચ ખાવડા સહિત સમગ્ર પચ્છમ બન્ની પંથકમાં વરસાદી માહોલ સાથે સાંજે પાંચ પછી અંધારપટ છવાઇ ગયો હતો અને ધોળા દિવસે રાત્રિ જેવા અંધારા અને વીજળીના ચમકારા સાથે ગાજના કડાકા-ભડાકા વચ્ચે સાંજે મુખ્ય મથક ખાવડા ખાતે સાડા પાંચથી એક કલાક સુધી બે ઇંચ વરસ્યાનું હીરાલાલ રાજદેએ જણાવ્યું હતું.  વરસાદના પગલે વિદ્યુત પુરવઠો ખોરવાઇ ગયો હતો. સુમરાપોરના પ્રતિનિધિ મુસા સુમરાના હેવાલ મુજબ ખાવડાથી ઉત્તર તરફના ગામડાંઓ કુરન, ધ્રોબાણા, કોટડા, મોટા વિ. ગામોમાં ડરામણા ભારે પવન સાથે દોઢેક ઇંચ વરસાદ થયો છે. ખારીથી અગ્રણી ખીમાભાઇ આહીરએ પણ પાસી તરીકે ઓળખાતા ગામડાંઓ ખારી, ગોળપર, અંધૌ, દદ્ધર વિ.માં એકાદ ઇંચના વાવડ આપ્યા તો પૂર્વ તરફના ગામડાંઓ ધોરાવાર, જામકુનરીઆ, જુણા, દેઢિયા, કાઢવાંઢમાં પણ એકાદ ઇંચના સમાચાર મળ્યા છે. એકંદરે આખા પંથકમાં સરેરાશ એકથી બે ઇંચ પાણી પડતાં વરસાદની ખેંચથી ચિંતાતુર માલધારીઓ અને ખેડૂતોના ચહેરા પર નૂર આવી ગયું છે. મોલને જીવતદાન મળતાં ખુશખુશાલ થઇ ગયા છે અને કુદરતનો આભાર માની રહ્યા છે. તેવું ફઝલ સમાએ આપેલી વિગતમાં જણાવ્યું હતું. અબડાસા તાલુકાના ગરડા પંથકના વાયોર, ઉકીર, વાગોઠ, જેઠમલપર, ફુલાય, વાગાપદ્ધર, ભોઆ, સારગવાડા, વલસરા, ઐડા, જગડિયા, ગોયલા, મોખરા, વડસર, છસરા, લૈયારી, ચરોપડી મોટી-નાની સહિતનાં ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. કોઠારા, ખીરસરા (કો.), લાલા, જખૌ, જસાપર, વરાડિયા, વિંઝાણ, ડુમરા, નારાણપર, સાંધવ, ભાચુંડા સહિતનાં ગામોમાં રાત્રે આઠ વાગ્યા બાદ ગાજવીજ સાથે એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં સાડા આઠ પછી ફરી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. માંડવીમાં ધોધમાર ઝડીરૂપે 18 મિ.મી. એટલે કે પોણો ઇંચ વરસાદ પડયાનું નગરપાલિકા કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે વિગતો આપતાં કહ્યું હતું. નખત્રાણા તાલુકામાં સાંજે આઠેક વાગ્યાના અરસામાં અડધાથી પોણો ઇંચ વરસેલા વરસાદથી કાચું સોનું વરસ્યું હતું. ગત 14 તારીખે આરંભ થયેલ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ત્રીજા અને ચોથો બે દિવસ નખત્રાણા પંથકમાં ક્રમશ અડધાથી પોણો ઇંચ જેટલા વરસેલા વરસાદથી ખેતી-પશુપાલનને ફાયદો થયો છે. દયાપર વિસ્તારમાં એકાદ ઇંચ સરહદી લખપત તાલુકાના મુખ્યમથક દયાપર અને તેની આસપાસના વિસ્તારમાં રાત્રિના સાડા આઠ વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. એકાદ ઇંચ પાણી પડી ગયા બાદ પણ વરસાદ વરસવાનો ક્રમ જારી રહ્યો હતો. પાવરપટ્ટીમાં દોઢથી બે ઇંચ પાવરપટ્ટીના સીમાડામાં થયેલી આગોતરી વાવણી બાદ ફાલ્યાવસ્થાએ રામમોલ પહોંચ્યા પછી વધુ વરસાદની જરૂરિયાત ઊભી થઇ હતી. ભાદરવાની રહીસહી આશા વચ્ચે સાંજના સમગ્ર પાવરપટ્ટી પંથકમાં દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડતાં ખાસ કરીને એરંડાના પાકને જીવતદાન મળ્યું છે. સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે થાન જાગીર સુધીનો સીમાડો લોકાએ મુખ્યત્વે એરંડાના પાકનું વાવેતર કર્યું હતું. ક્યાંક-ક્યાંક મગ અને તલ પણ વાવવામાં આવ્યા હતા. વાવણી બાદ આ રામમોલ ફાલ્યાવસ્થાએ પહોંચતાં વધુ વરસાદની જરૂરિયાત ઊભી થઇ હતી. ભાદરવાના ભુસાકાની આશા વચ્ચે આજે સાંજે ઉત્તર-પૂર્વે આકાશ કાળા ભમ્મર વાદળાઓથી ઘેરાયા પછી ભારે કડાકા-ભડાકા અને વેગીલા વાયરા સાથે સમગ્ર પાવરપટ્ટીમાં દોઢથી બે ઇંચ `સોના' સરખો વરસાદ થતાં લોકોમા આનંદની લાગણી પ્રસરી હતી. સુમરાસર (શેખ)ના સરપંચ રણછોડભાઇ આહીરે વરસાદના વાવડ આપતાં જણાવ્યું હતું કે, સુમરાસર અને આસપાસના વિસ્તારમાં અડધાથી પોણા કલાકમાં બે ઇંચ જેવો વરસાદ પડયો હતો, જે ખાસ કરીને એરંડાના પાક માટે ખૂબ જ ઉપયોગરૂપ બની રહેશે. વંગના સરપંચ રણછોડભાઇ આહીરે પણ દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું. નિરોણા અને આસપાસના વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં એરંડાના પાકથી છવાયેલા ખેતરોમાં પાલર પાણી ભરાઇ ગયાં હતાં. નખત્રાણા તાલુકાનાં કોટડા (જ.)માં સાંજે સાડા સાત વાગ્યાથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang