• બુધવાર, 22 મે, 2024

કચ્છમિત્ર હંમેશાં અબડાસાની પડખે રહ્યું છે અને રહેશે

હેમાંગ પટ્ટણી દ્વારા

નલિયા, તા. 18 : માત્ર કચ્છ જ નહિ, રાજમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા અબડાસા વિસ્તારના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં કચ્છમિત્ર સદાય પડખે રહ્યું છે અને આગામી સમયમાં પણ પડખે જ રહેશે એમ કહેતાં નલિયા ખાતે કચ્છમિત્રના ન્યૂઝ બ્યૂરોનાં ઉદ્ઘાટન પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ અબડાસા સહિત કચ્છના વિકાસ માટે કચ્છમિત્રે આપેલાં યોગદાનની વાત કરી આ અખબાર સાચા અર્થમાં કચ્છનું મિત્ર બન્યાની લાગણી દર્શાવી હતી. નલિયાની મુખ્ય બજારમાં આવેલાં જલારામ કોમ્પ્લેક્ષ ખાતે કચ્છમિત્રના નવા ન્યૂઝ બ્યૂરોનું ઉદ્ઘાટન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધાર્મિક તથા સામાજિક વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું. લોહાણા મહાજન વાડી ખાતે આયોજીત કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધનમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિધાનસભાનો નંબર પહેલો છે તે રીતે આ તાલુકો અને તેમાં સમાવિષ્ટ લખપત અને નખત્રાણા તાલુકો વિકાસમાં પણ મોખરે રહે તે માટે થઈ રહેલાં કાર્યોમાં કચ્છમિત્રે પાયાની ભુમિકા ભજવી હોવાનું કહ્યું હતું.  શ્રી જાડેજાએ આ તકે સદ્ગત સતીષભાઈ ઠકકરને યાદ કરતાં જણાવ્યું કે, તેઓએ સતત જાગૃત રહી અબડાસાના પ્રાણપ્રશ્નો અંગે પ્રજાકિય પ્રતિનિધિઓ અને તંત્રને ઢંઢોળતા રહેવાનું કાર્ય કર્યું છે. નર્મદાનું પાણી કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાના કાર્યમાં કચ્છમિત્રે મહત્વની ભુમિકા ભજવી હોવાનું કહી આગામી સમયમાં અબડાસા વિસ્તાર વિકાસની હરણફાળ ભરશે એમાં પણ કચ્છમિત્રનો સિંહફાળો રહેશે એવા વિશ્વાસ સાથે નવા બ્યૂરોને પુરતો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. કચ્છમિત્રના કાર્યક્રમે નલિયા નગરમાં ઉત્સાહ ભરી દીધો હતો. દિવંગત તાલુકા પ્રતિનિધિ સતીષભાઇ ઠક્કરનાં યોગદાનને યાદ કરીને તેમને કાર્યક્રમના પ્રારંભ પૂર્વે મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રામવાડાના મહંત જનકદાસજી બાપુએ આશિર્વચન પાઠવતાં કચ્છમિત્રને કચ્છના જાગૃત પ્રહરીની ઉપમા આપી કચ્છમિત્ર ઉતરોતર પ્રગતિ કરતું રહે તેવી શુભકામના પાઠવી પ્રસંગમાં ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે અબડાસા - લખપત જેવા દુર્ગમ વિસ્તાર વિકાસમાં ઘણા પાછળ હોવાનું કહી આગામી સમયમાં બ્રોડગેજ નલિયા સુધી પહોંચ્યા બાદ અબડાસાનો વિકાસ સોળેકળાએ ખીલશે તેવો સબળ આશાવાદ વ્યકત કર્યો હતો. અબડાસા પાસે ખનિજ સમૃધ્ધિ છે. વ્યાપક પ્રમાણમાં ખેતીલાયક જમીનો છે. આમ છતાં અહીંથી થતું હિજરતનું પ્રમાણ ચિંતાજનક હોવાનું કહેતાં દીપકભાઈએ ઉમેર્યું કે, ઉચ્ચ શિક્ષણ અને અદ્યતન આરોગ્ય સુવિધા આજની પાયાની જરૂરિયાત છે. ગામડાં ભાંગતાં અટકશે તો સાચા અર્થમાં આ વિસ્તાર વિકાસનાં ફળ ચાખશે. છેલ્લાં એક વર્ષથી યુવા ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાનાં માર્ગદર્શનમાં કચ્છમિત્રે 360 ડિગ્રીનો કોન્સેપ્ટ અમલી બનાવી જિલ્લાના વિકાસની નવી કેડી કંડારી છે તેમ કહી અબડાસાના પ્રાણપ્રશ્નોને ઉઠાવતા રહીને ઉકેલ સુધી લઇ જવામાં કચ્છમિત્ર અગ્રેસર ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય પીર તકીશાબાવાએ કચ્છમિત્ર કચ્છનાં દુર્ગમ ગામડાં સુધી પહોંચી સુખદુ:ખનું સાથી બન્યું છે. ત્યારે નલિયા ન્યૂઝ બ્યૂરોના પ્રારંભ પ્રસંગે કચ્છમિત્ર પરિવારને શુભેચ્છા પાઠવવા સાથે મદદ માટેની તત્પરતા દેખાડી હતી. નલિયા વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ જાડેજાએ અબડાસાના વેપારીઓના પ્રશ્નો હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય તમામના ઉકેલમાં કચ્છમિત્રે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. તેમણે આ અખબારની પ્રગતિ માટેની શુભકામના પાઠવી હતી. તો તાલુકા પંચાયતના નવનિયુકત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ અબડાસાના પ્રાણપ્રશ્નોના નિકાલ માટેની તત્પરતા દેખાડી કચ્છમિત્ર પરિવારને અભિનંદન પાઠવ્યાં હતાં. કચ્છમિત્રના મેનેજર શૈલેષ કંસારાએ વાચકો સુધી છાપું વહેલું કેમ પહોંચે તેનો ખાસ ખ્યાલ રખાતો હોવાનું કહી અબડાસા વિસ્તારમાં હજુ પણ કચ્છમિત્રની કોપીનો આંક વધે તે માટે સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. નવનિયુકત બ્યૂરો ચીફ જગદીશ ઠકકરે તેમને સોંપાયેલી ફરજ તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવી ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં સરપંચ રામજી કોલી, ન્યાય સમિતિના ચેરમેન શિવજી મહેશ્વરી, જિ. પંચાયત સદસ્ય પુરુષોત્તમ મારવાડા મંચસ્થ રહ્યા હતા. સન્માનવિધિમાં કચ્છમિત્ર પરિવારના પ્રફુલ્લ ગજરા, અદ્વૈત અંજારિયા, ગિરીશ જોષી, રામભાઈ અંતાણી, તુષાર આઈયા સહિત જોડાયા હતા. સંચાલન હરેશ ચાવડા અને આભારવિધિ ગિરીશ જોશીએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang