વિથોણ
(તા. નખત્રાણા), તા. 27 : મંદિરો
દ્વારા ભારતમાં પાંચ કરોડ લોકોને રોજગાર મળે છે. મંદિરોનાં અન્નક્ષેત્ર દ્વારા
પચીસ કરોડ લોકોનો જઠરાગ્નિ ઠરે છે તેવું સ્વામી જ્ઞાનવત્સલદાસજીએ જણાવ્યું હતું.
સંસ્કારધામ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવના બીજા દિવસે
બી.એ.પી.એસ.ના સંતોએ સમાજને વ્યસનમુક્ત રહેવા ભાર મૂક્યો હતો. વ્યસન પાછળ ખર્ચાતું
નાણું આર્થિક, શારીરિક અને માનસિક રીતે નુકસાનકારક છે.
તેમણે યુવાનોને જણાવ્યું કે, ઈશ્વર માટે સમય ફાળવો. મંદિરે
જવાની ટેવ પાડો અને ઈશ્વર સાથે સંવાદ કરો તો ભક્તિ ઉજાગર થશે. સ્વામી
જ્ઞાનવત્સલદાસજીની આ ધર્મસભામાં 15 હજારથી વધુ ભક્તો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીના જણાવ્યા મુજબ મંદિરો બનાવવા ખૂબ જરૂરી
છે. હવે તો વિદેશોમાં પણ મંદિરો બની રહ્યાં છે. ભગવાનની મૂર્તિ સામે આસ્થાથી માથું
નમાવવું જોઈએ. શ્રદ્ધા સાચી હશે તો પરમાત્માની પ્રાપ્તિ સરળ બની રહેશે. બપોર બાદ
પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ કચ્છની ભાવિ પેઢી માટે જળક્રાંતિ લાવવી જરૂરી છે તેવું
જણાવ્યું હતું અને લોકભાગીદારીથી દરેક ગામોમાં ડેમ, તળાવો
બનાવવા ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, વરસાદનું વહી જતું
પાણી રોકવા સ્થાનિક ખેડૂતોએ પણ પ્રયાસ કરવા જરૂરી છે. કચ્છની ધરતી ઉપર જેટલું વધુ
પાણી સંગ્રહાશે તે તમારા ગામની નર્મદા યોજના જેવી સાબિત થશે. સવજીભાઈએ જણાવ્યું કે
કચ્છની ફળદ્રુપ જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા પાણી જરૂરી છે. કચ્છમાં હરિયાળી
ક્રાંતિ લાવવા વધુમાં વધુ ડેમ તળાવો બને અને પાણીની ચિંતા દરેકે કરવી જરૂરી છે
તેવું જણાવ્યું હતું. સવારના સત્રમાં ત્રિદશાબ્દી મહોત્સવના દાતાઓ તેમજ યજમાનોનું
સંસ્થાએ પ્રતીક ભેટ આપીને સન્માન કર્યું હતું અને સંકુલમાં ચાલતા લક્ષ્મીનારાયણ
વિદ્યાપ્રતિષ્ઠાનની નોંધ સાથે પ્રો. ડે. કે. વી. પાટીદારની સેવા બિરદાવવામાં આવી
હતી. આ પ્રસંગે સંસ્કારધામના પ્રમુખ, કેન્દ્રીય સમાજના
પ્રમુખ, ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ, મહિલા સંઘ અને યુવા સંઘના હોદ્દેદારો વિગેરેની ઉપસ્થિતિની નોંધ લેવાઈ હતી.
સંચાલન બિહારીલાલ, રમણભાઈ અને ઈશ્વરભાઈએ કર્યું હતું.