ભુજ, તા. 27 : કચ્છમાં શહેરી અને ગ્રામ્ય પ્રતિનિધિ તરીકે કોણ
ચૂંટાશે તેની અટકળોનો અંત મંગળવારે મત ગણતરી સાથે આવી જશે. જિલ્લામાં 422 બેઠક
માટે સરેરાશ 56 ટકા
જેટલું મતદાન આકરા તાપ વચ્ચે થયા બાદ ઈવીએમમાં સીલ થયેલું 1065 ઉમેદવારોનું
ભાવિ મતગણતરી સમયે બહાર આવશે. બપોર સુધી સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન
તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે પણ શહેરી કરતાં ગ્રામ્ય મતદારોએ મતદાન કરવામાં
વધુ ઉત્સાહ દેખાડયો છે. ખાસ કરીને પ્રથમવાર જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ એ
ગાંધીધામ ઉપરાંત જિલ્લા મથક ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં થયેલા ઓછા અને નીરસ મતદાને
રાજકીય પક્ષો તેમજ વિશ્લેષકો માટે ઉચાટની સ્થિતિ સર્જી છે.
પ્રમુખપદના
નવા રોટેશનને લઈ ઉત્સુકતા
રાજ્ય
ચૂંટણીપંચ દ્વારા જિલ્લા અને તા. પંચાયત ઉપરાંત નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં
પ્રમુખપદ માટેના જારી કરેલા રોટેશનને લઈ રાજકીય પક્ષમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
જે પક્ષ સત્તામાં આવશે તે રોટેશનના આધારે કોને પ્રમુખ બનાવશે તેને લઈ નામોની અટકળો
અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તાર માટે મિની સંસદ સમાન જિ.પંચાયતમાં
પ્રમુખપદ અનુસૂચિત આદિજાતિ મહિલાને ફાળવાયું છે. કચ્છમાં એકમાત્ર ભીમાસર (ચ.) બેઠક
આદિજાતિ મહિલાને ફાળવાતાં આ બેઠક પર ચૂંટાશે તે પ્રમુખ બનશે એ નિશ્ચિત છે. તો
ગાંધીધામ મનપામાં પ્રથમ મેયર મહિલા બનશે. રોટેશનમાં પ્રમુખપદ સામાન્ય મહિલાને
ફાળવાયું છે, તો જિલ્લા મથક ભુજની નગરપાલિકામાં પ્રમુખપદ
સામાન્યને ફાળવાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરાયેલા જીતના દાવા વચ્ચે
પ્રમુખપદે કોણ આરૂઢ થશે તેના નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
શહેરી
કરતાં ગ્રામીણ મતદારો વધુ જાગૃત
કચ્છમાં
15.49 લાખ
મતદારોમાંથી 8.68 લાખ
મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગાંધીધામ મનપામાં સૌથી ઓછું 46.1, જિ.પંચાયતની
37 બેઠક
માટે 66.80, 9 તાલુકા
પંચાયતમાં 67.13 અને
પાંચ નગરપાલિકામાં 60.84 ટકા મતદાન નોંધાયું છે. આમ શહેરી કરતાં ગ્રામીણ
મતદારો મતદાનને લઈ વધુ જાગૃત જોવા મળ્યા છે.
14 સ્થળે
મતગણતરી
ઈવીએમમાં
કેદ થયેલું 1065 ઉમેદવારોનું
ભાવિ મતગણતરી દરમ્યાન બહાર આવવાનું છે. 14 સ્થળે સવારે 9 વાગ્યાથી
મતગણતરીની કામગીરી શરૂ થશે. નિર્ધારિત કરાયેલાં 14 સ્થળે વિશાળ હોલમાં
ક્રમશ: ઇવીએમની ગણતરી હાથ પર લેવામાં
આવશે. ઈવીએમ મારફત મતદાન થયું હોવાથી બપોર સુધી પરિણામોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ
જશે.
કોણ
જીતશે- કોણ હારશે, અટકળો તેજ
સ્થાનિક
સ્વરાજ્ય ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે, સત્તાનું
પુનરાવર્તન થશે કે પરિવર્તન તે અંગે જોવા મળતી અટકળો-અનુમાનો પર પૂર્ણવિરામ મુકાઈ
જશે. રાજકીય પક્ષો અને વિશ્લેષકો દ્વારા કરાતા દાવા-પ્રતિવાદાઓ વચ્ચે અંતિમ ચિત્ર
સ્પષ્ટ થઈ જવાનું છે.