• મંગળવાર, 28 એપ્રિલ, 2026

કચ્છમાં અગનવર્ષા યથાવત્ ભુજ 43.8, કંડલા (એ.) 43.5

ભુજ, તા. 27 : કચ્છમાં ત્રણેક દિવસથી શરૂ થયેલો અગનવર્ષાનો દોર યથાવત્ રહ્યો છે. ભુજમાં મહત્તમ પારો ગઇકાલના આંકે સ્થિર રહ્યો તો અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.)માં પારો દોઢ ડિગ્રી જેટલો ઘટવા છતાં ગરમીમાં કોઇ રાહત મળી નહોતી. હવામાન વિભાગે વધુ બે દિવસ ગરમીના આકરાં મોજાંની ચેતવણી જારી કરી છે. ભુજમાં સતત બીજા દિવસે 43.8 ડિગ્રીના આંકે મહત્તમ પારો સ્થિર રહ્યો હતો. રાજ્યમાં અમદાવાદ પછી ભુજ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. જિલ્લામથકે 12થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા લૂ ઓકતા ઊની વાયરાએ લોકોની અગનકસોટી કરી હતી. મધ્યાહ્નકાળે લોકોએ કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળતાં માર્ગો પર સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારે સિઝનના સર્વાધિક એવા 45.2 ડિગ્રી મહત્તમ તાપમાને ધગધગેલા કંડલા (એ.)માં પારો નીચો ઊતરીને 43.5 ડિગ્રીએ પહોંચવા છતાં તાપ અને લૂવર્ષામાંથી નામ માત્રની રાહત મળી નહોતી. જિલ્લામાં લઘુતમ પારો પણ 24થી 26 ડિગ્રી જેટલો ઊંચો નોંધાતાં રાત્રે પણ વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો. હવામાન વિભાગે બે દિવસ માટે ગરમીનું આકરું મોજું કચ્છને દઝાડશે તેવી આગાહી કરી યેલો એલર્ટ જારી કર્યું છે. હવામાન નિષ્ણાતોના મતે હજુ આ માસના અંત સુધી ગરમીનો આકરો ડોઝ જારી રહેશે. તે બાદ મહત્તમ પારો ઘટતાં મામૂલી રાહત મળશે. તાપનું જોર વધતાં જાણકારો તેને આગામી ચોમાસું ભરપૂર રહેવાના સંકેત સમાન ગણાવી રહ્યા છે.

Panchang

dd