મુંદરા, 27 : મુંદરા
સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ (એપીએસ)એ 25 વર્ષ પૂર્ણ કર્યાના રજત જયંતી
ઉત્સવની કરેલી ઉજવણીમાં વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને ગૌરવ અને ચિંતનની આ સહિયારી ક્ષણમાં સામેલ કરવામાં
આવ્યા હતા. આ પ્રસંગે શાળાના સર્વાંગી વિકાસ માટે
કચ્છમાં બેડમિન્ટન, પિકબોલ અને ટેબલ ટેનિસ માટે
સુવિધાઓ ધરાવતા એક ઇન્ડોર રમતગમત સંકુલ અને 558 બેઠકની
ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ઓડિટોરિયમ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચ્છમાં આ
પ્રકારનું સંકુલ સૌથી મોટું છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બાળકોના શૈક્ષિણક અને
શારીરિક ગણતર અને ઘડતર માટે એક ગુણવત્તાસભર આધુનિક સાધન સગવડથી સજ્જ શાળાના
નિર્માણની 2001માં
પરિકલ્પના કરનાર અદાણી સમૂહના અદાણી ફાઉન્ડેશનની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખના
અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણીના વડપણ હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. અલબત્ત, આ પ્રકલ્પ અગાઉથી કાર્યરત હતો, પરંતુ ગુજરાત અને ખાસ
કરીને કચ્છના ભૂકંપ બાદ તેને ટોચની પ્રાથમિકતા માનીને તેના અમલીકરણને વેગ આપ્યો
હતો. આજે આ પ્રકલ્પ શિક્ષણ સમુદાય માટે સ્થિરતા અને આશાના સ્ત્રોત તરીકે ઊભરી
આવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ સીમાચિહ્નરૂપ પ્રસંગને ચિહ્નિત
કરી જણાવ્યું હતું કે, અદાણી પબ્લિક સ્કૂલ 25 વર્ષ પૂર્ણ કરે છે, આ ક્ષણ ફક્ત એક સંસ્થાથી વિશેષ અનેક સંવેદનાસભર ક્ષણોની ઉજવણી કરે છે.
આસપાસના બાળકોના સુષુપ્ત સપના અને ઘડાયેલા ભવિષ્યનું અહીં સન્માન થઇ રહ્યું છે. આ
સફર પર નજર કરતાં ડો. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે, 25 વર્ષ
અગાઉ કચ્છના તોફાની દરિયાકાંઠે એક સરળ વિચાર આવેલો કે દુનિયા માટે બારી ખોલવાની
ક્ષમતા ધરાવતું પ્રત્યેક બાળક એવું શિક્ષણ મેળવવાને પાત્ર છે. આશાના નાના કિરણ
તરીકે જે પ્રકટયું તે આજે એક દેદીપ્યમાન દીવો બની પ્રજ્વલિત થયો છે, જેણે સમાજ જીવન અને સમુદાયોને તેજોમય કર્યો છે. ડો. અદાણીએ આ સફર દરેક
શિક્ષકની છે. તેમનો ભારપૂર્વક ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ
શિક્ષકો જેમણે વિશ્વાસ કર્યો, દરેક માતા-પિતા જેણે ભરોસો
કર્યો અને દરેક બાળક જેણે સ્વપ્ન જોવાની હિંમત કરી તે આ સફરના યશાધિકારી છે. આ
પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનીયારિંગ અને ગણિત અને રોબોટિક્સ પ્રદર્શનો, ક્યુરેટેડ
આર્ટ વર્કસ્ટેશન દ્વારા નવીનતા અને સર્જનાત્મકતા જીવંત થઈ હતી. આ પ્રસંગે
મુંદરામાં આ શાળાના પ્રારંભિક વર્ષોથી લઈને પ્રદેશમાં એક અગ્રણી સંસ્થા તરીકે ઊભરી
આવવા સુધીની સફરને ખાસ ક્યુરેટ કરાયેલ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવવા સાથે સંસ્થાની
સફર અને હાંસલ કરેલા સીમાચિહ્નો દર્શાવતી એક સ્મરણિકા કોફી ટેબલ બુકનું પણ વિમોચન
કરવામાં આવ્યું હતું. 233 વિદ્યાર્થી અને 27 શિક્ષકના પ્રારંભિક
સમૂહથી લઈને 2300થી
વધુ વિદ્યાર્થીઓ અને 100થી વધુ શિક્ષક સમુદાય સાથે સમૃદ્ધ સંસ્થા બની
ચૂકેલી અદાણી પબ્લિક સ્કૂલ સર્વાંગી શિક્ષણ અને સમાનતામાં ગૌરવની તેની માન્યતાને
સમર્પિત છે. આ પ્રસંગે ડો. પ્રીતિ અદાણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ ઉજવણીની એક નિર્ણાયક ક્ષણ બની રહી
હતી.