ગાંધીધામ, તા. 25 : મેલેરિયા દિવસ અંતર્ગત મહાનગરપાલિકાના
તમામ આરોગ્ય સેન્ટર અને વિસ્તારમાં જનજાગૃતિનાં આયોજનમાં મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવા
રોગોને અટકાવવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરિયા
દ્વારા લોકો ઘરના, ઓફિસ સ્થળના
તમામ પાણીના પાત્રો, ટાંકી, માટલી વગેરે
વાસણો ઢાંકીને રાખે, ડબ્બા, પક્ષીકુંજ વગેરે
સાફ કરીને સૂર્યપ્રકાશમાં સૂકાવા દે, ઘરની આસપાસ કે છત પર ભરાયેલાં
પાણીનો નિકાલ કરવા અનુરોધ કરાયો હતો. ભંગાર, ડિસ્પોઝેબલ કપ,
નાળિયેરની કાચલી કે ટાયરમાં ભરાયેલાં પાણીમાં મચ્છરો ઉત્પન્ન થતા હોવાનું
કહી ફ્રીજની ટ્રે, ફૂલદાની, કૂલર વગેરે
પાત્રો નિયમિત સાફ કરવા અનુરોધ કરાયો હતો. દરેક વિભાગો અને લોકો પોતાના ધાબા પર ભરાયેલાં
પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને સફાઈ કરવા અપીલ કરાઈ છે. પાણી ઉકાળીને પીવા અથવા 20 લિટર પાણીમાં એક ક્લોરિનની ગોળી નાખી પાણી પીવા તાકીદ કરાઈ છે.
માખીનો ઉપદ્રવ વધી રહ્યો હોય, તો બહારના
વાસી અને ખુલ્લો રહેતો ખોરાક ખાવાનું ટાળવા, તાવ આવે એટલે તુરંત લોહીની તપાસ કરાવવા, વરસાદી નાળાંમાં
સાફ-સફાઈ કરી પાણી વહેતું કરવા, ડસ્ટિંગ કરવા, સ્વચ્છતા અભિયાન થાય તેમજ સંબંધિત વિભાગો પીવાના પાણીનું સુપર ક્લોરિનેશન કરે
તો રોગચાળાને અટકાવી શકાય તેવું તેમણે કહ્યું હતું. ડો. યાસિકા, ડો. ઉર્વશી, ડો. જય, ડો. સંકેત,
ડો. મયૂર, ડો. ખેતગર વગેરે દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.