ભુજ, તા. 25 : કચ્છના આભમાંથી અંગારા વરસતા
હોય તેવી આકરી ગરમીએ જનજીવનને ત્રાહિમામ્ પોકારવા પર મજબૂર કરી દીધું છે. અંગ દઝાડતા
તાપ સાથે લૂ ઓકતા ઊની વાયરાએ કચ્છ માડુઓને આકુળવ્યાકુળ કર્યા હતા. ભુજમાં બે ડિગ્રીના
વધારા સાથે મહત્તમ પારો 43.3 ડિગ્રીએ પહોંચતાં
શહેરીજનોએ સિઝનનો સર્વાધિક તાપ અનુભવ્યો હતો. હવામાન વિભાગે બે દિવસ માટે હીટવેવની
ચેતવણી આપતું યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે મતદાનના દિવસે મહત્તમ પારો 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરતાં મતદાનની ટકાવારી
પર આકરો તાપ પ્રભાવ પડે તેવી ભીતિ સર્જાઈ છે. 43.3 ડિગ્રીએ ભુજ રાજ્યમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી બાદ રાજકોટની
સાથે સંયુક્ત રીતે ચોથું ગરમ મથક બન્યું હતું. સવારના 10 વાગ્યાથી જાણે કે આભમાંથી અગનજ્વાળા
વરસવાની શરૂ થઈ હોય તેવી આકરી ગરમી પડયાની શરૂ થઈ હતી. મધ્યાહ્ન કાળે ગરમીની સાથે લૂનું
સામ્રાજ્ય તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. અંજાર-ગાંધીધામ ક્ષેત્રને આવરી લેતા કંડલા
(એ.)માં મહત્તમ પારો દોઢ ડિગ્રી ઘટીને 40.6 ડિગ્રીએ પહોંચવા છતાં તાપમાં નામ માત્રની રાહત મળી નહોતી. નલિયામાં
36 અને કંડલા પોર્ટમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાતાં રાત્રિના સમયે શીતળતાના બદલે ઉકળાટ
અનુભવાયો હતો. હવામાન વિભાગે બે દિવસ મહત્તમ પારો 42થી 44 ડિગ્રી વચ્ચે
રહેવાની આગાહી કરી છે. હીટવેવની શક્યતાને લઈ આરોગ્ય વિભાગે હરકતમાં આવી હોસ્પિટલમાં
બેડ રિઝર્વ રાખવા સહિતની કામગીરી કરી છે. આ વખતે માર્ચમાં જ ઉનાળાએ પોતાનાં આગમનની
દસ્તક દીધી હતી, પણ એ પછી વારંવાર સર્જાયેલી
કમોસમી વરસાદની સ્થિતિનાં કારણે ગરમી પોતાની પકડ જમાવી શકી નહોતી. હવે વૈશાખ માસના
મધ્યાહ્ને આકરી ગરમીએ પોતાની તીવ્રતા બતાવવાનું શરૂ કર્યું છે. તાપના પ્રભાવથી બચવા
માટે લોકોએ ટોપી-ગોગલ્સ જેવા તાપરક્ષક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. લૂની આણથી બચવા
વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવા તબીબોએ સૂચન કર્યું છે.