દેશની નજર પશ્ચિમ બંગાળ સહિતની વિધાનસભા ચૂંટણી પર મંડાઇ છે
ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને
260 તાલુકા પંચાયતોની નવી બોડીની
પસંદગી કરવા 26મીએ મતદાન યોજાશે. સૂરજદેવતા આકરા ઉનાળાનો
અહેસાસ કરાવી રહ્યા છે, પરંતુ કચ્છ
સહિત ગુજરાતમાં વ્યાપક રીતે જોઇએ તો ચૂંટણી પ્રચારનો ગાળો પ્રમાણમાં નીરસ જોવા મળ્યો.
એના ચર્ચાતાં કારણોમાં ભીષણ ગરમી, લગ્નગાળો કહી શકાય. એકંદર પરિસ્થિતિ
એવી છે કે, ગુજરાત ભાજપનો ગઢ બની ચૂક્યું છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની
આ સેમિફાઇનલ જેવી કસોટી હોવા છતાં કોંગ્રેસમાં મતદારોને પોતાના તરફ પલોટવા માટેનો ઉત્સાહનો
અભાવ વર્તાયો. આમ આદમી પાર્ટીએ ત્રીજા પરિબળ તરીકે ઊપસવા માટે કમર કસી છે. આ લખાય છે
ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને ડોર ટુ ડોર સંપર્ક જારી છે. રાજ્યમાં 49,591 મતદાન મથક પર કુલ 4.19 કરોડ મતદારો મતાધિકારનો પ્રયોગ
કરવાના છે. કચ્છમાં જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત, એક (ગાંધીધામ) મહાનગરપાલિકા અને પાંચ
નગરપાલિકા માટે મતદાન યોજાશે. ગુજરાતમાં એક અરસાથી ભાજપનું એકચક્રી શાસન છે. આ વખતે
પણ પરિણામ કેસરિયા પક્ષ તરફે આવવાનો સત્તાધારી પક્ષને વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી પગદંડો
મજબૂત કરવા આશાવાન છે, તો કોંગ્રેસ એન્ટિ ઈન્કમ્બન્સી પરિબળ પક્ષ
માટે ફાયદાકારક નીવડવાની ઉમ્મીદ ધરાવે છે. પરિણામ શું આવશે એનો ફેંસલો મતદાર જ કરશે.કચ્છની
વાત કરીએ તો જિલ્લાના 15.49 લાખ મતદાર
ગાંધીધામ મહાપાલિકા ઉપરાંત જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની કુલ 422 બેઠક માટે મતદાન કરશે. આ માટે કુલ 1065 ઉમેદવાર મેદાનમાં છે. સ્થાનિક
સ્વરાજની ચૂંટણી લોકલ મુદ્દાઓ પર લડાતી હોય છે અને સ્થાનિક ગમા-અણગમા હાર-જીત માટે
નિર્ણાયક રહેતા હોવાથી ચૂંટણી ઉત્તેજનાસભર બનતી હોય છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક
યોજાય એ માટે તંત્રએ કમર કસી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સરેરાશ 60 ટકાની આસપાસ રહેતું હોય છે.
આ વખતે ભીષણ ગરમીનું સામ્રાજ્ય હોવા છતાં મતદાનની
ટકાવારી ઊંચી જાય તે જોવાની મતદારોની ફરજ છે. લોકતંત્રમાં મતદાન એ માત્ર અધિકાર નહીં, પરંતુ મહત્ત્વપૂર્ણ નાગરિક જવાબદારી છે. લોકશાહીને
મતદાન મજબૂતી આપે છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નગર, તાલુકા કે
જિલ્લા પંચાયતમાં કેવો વહીવટ રહ્યો? લોકોની સુખાકારીનાં કામ થયા
? જરૂરિયાત વખતે ચૂંટાયેલા પ્રતિનિધિએ પ્રતિસાદ આપ્યો હતો? ભ્રષ્ટાચારનું દૂષણ કેવુંક રહ્યું એ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનું ટાણું છે.
મતદારોએ આત્મમંથન કરીને યોગ્ય, સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી જોઈએ.
આપણે શું ? ચૂંટાઈને
આપણને શું ફાયદો કરાવશે ? એવી સંકુચિત વિચારસરણીને તિલાંજલિ આપીને
રવિવારે મતદાન કરવા સૌએ ઊમટી પડવું જોઈએ.