નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટમાં
શનિવારે કેન્દ્ર સરકારે મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, યુક્રેન સામે યુદ્ધમાં રશિયાની સેના તરફથી લડતાં
10 ભારતીયનાં મોત થઇ ચૂકયાં છે. અરજીઓમાં મોટાભાગના લોકોને નોકરીની લાલચ
આપીને રૂસ લઇ જઇ બળજબરીથી યુદ્ધમાં ધકેલવાનો આરોપ લગાવાયો હતો. કેન્દ્ર સરકારે અચરજ
પમાડે તેવી સ્પષ્ટતા કરતાં કોર્ટને કહ્યું હતું કે,
મોટાભાગના લોકો પોતાની મરજીથી ગયા હતા. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે,
રૂસી સેનામાં સામેલ ભારતીય યુવાનોની 25-26 વર્ષની પત્નીઓ વિધવા થઇ ગઇ
છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, રૂસ-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ઘણા ભારતીયોએ પોતાની મરજીથી આવા કરાર કર્યા હતા. રૂસ-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા
26 ભારતીય પુરુષના પરિવારોએ કરેલી
અરજીના જવાબમાં સરકારે આવી વાત કરી હતી. અરજીઓમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી
અને જીવ ખોનારા ભારતીયોના મૃતદેહ ભારત લાવવાની માંગ કરાઇ હતી. સરકારે કહ્યું હતું કે, લોકોને સેનામાં ન જવાની સલાહ અપાઇ રહી છે.