તેહરાન / વોશિંગ્ટન, તા. 25 : મધ્ય-પૂર્વમાં
અશાંતિનો અંત આણવા માટે પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટ સામે ફરી અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં
છે. વાટાઘાટના બીજા તબક્કા માટે ઈસ્લામાબાદ પહોંચનારા અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના
જ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સ્વદેશ પરત ફર્યા હતા. પોતાનાં રોકાણ દરમ્યાન તેઓ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, સૈન્યવડા આસીમ મુનીર અને અન્ય અધિકારીઓને મળ્યા હતા. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દૂતોને ઇસ્લામાબાદ જતા રોકી દીધા હતા અને સ્પષ્ટ જણાવી દીધું
હતું કે, જો ઇરાનને વાતચીત કરવી હોય તો તે જાતે અમેરિકાનો સંપર્ક
કરી શકે છે. અહેવાલો મુજબ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના
જમાઈ જેરેડ કુશનર આજે ઈસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ અરાઘચી
તેમને મળ્યા વિના જ રવાના થતાં શાંતિ વાટાઘાટનાં ભાવિ સામે સવાલ સર્જાયા છે. અરાઘચીએ
અમેરિકા સાથે સીધી વાતચીત નકારી પાકિસ્તાન મારફતે વાત કરવાનું જાહેર કર્યા બાદ ટ્રમ્પે
પણ પોતાના દૂતો વિટકોફ અને કુશનરની પાકિસ્તાન યાત્રાને રદ કરી હતી. એજન્સીના અહેવાલ
મુજબ અરાઘચીએ પાકિસ્તાનને ઈરાનની શરતો અને અમેરિકાની માંગ સામેના વાંધાઓ સોંપ્યા હતા.
ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાથી ઈન્કાર કર્યો હતો. આ અગાઉ, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની વાટાઘાટો ફરી એકવાર શરૂ થવાની આશા બંધાય
તેવા ઘટનાક્રમો રચાયા હતા. ત્રણ દેશની યાત્રાનાં પ્રથમ ચરણના ભાગરૂપે ઈરાનના વિદેશમંત્રી
અબ્બાસ અરાઘચીએ આજે ઈસ્લામાબાદમાં પાકિસ્તાની અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જો કે, ઈરાન તરફથી અમેરિકા
સાથે કોઈ સીધી મંત્રણા નકારી દેવામાં આવી હતી અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચે
તે પહેલાં જ ઈરાનના વિદેશમંત્રી ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતા. પાકિસ્તાન તરફથી બન્ને
પક્ષને સમજાવીને વાટાઘાટ માટે મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા હતા,
પણ ઈરાને આમાં તેને મોટો ઝટકો આપી દીધો છે. અમેરિકા અને ઈઝરાયલ સામે
લાંબા તનાવ અને ઘર્ષણ બાદ ઈરાને હવે એક મહત્ત્વનું પગલું ભરતાં કોમર્શિયલ વિમાન સેવાને
ફરીથી શરૂ કરી દીધી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં ખોમેની એરપોર્ટથી આજ બે માસ બાદ પહેલીવાર
ફ્લાઈટો સંચાલિત કરવામાં આવી હતી, જેના હિસાબે આને યુદ્ધ પછી
સ્થિતિ સામાન્ય બનવાના સંકેતો માનવામાં આવ્યા હતા. ટ્રમ્પે પાકિસ્તાન જનારા દૂતોનો
પ્રવાસ રદ કરવાનું કારણ આપતાં કહ્યું કે, તેમાં સમય બરબાદ થઇ
રહ્યો હતો. અમેરિકી દૂત શાંતિ વાટાઘાટનાં નવાં ચરણ માટે ઈસ્લામાબાદ જવા માટે રવાના
થયા પહેલાં વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઈરાનના
પ્રતિનિધિઓ સાથે આમને-સામને વાટાઘાટો કરવામાં આવશે. બીજીબાજુ ઈરાનનું પ્રતિનિધિમંડળ
શુક્રવારે રાતે ઈસ્લામાબાદ પહોંચી ગયું હતું. આમાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી,
ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદી, રાજદૂત રઝા અમીરી
મોઘદમ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ
અમેરિકા સાથે વાટાઘાટ માટે પાકિસ્તાન પહોંચ્યું હોવાની જાહેરાત કરવાનું ઈરાને ટાળ્યું
હતું. તેમ છતાં આજે તેઓ મધ્યસ્થતામાં મહત્ત્વની
ભૂમિકા નિભાવતા પાક.ના ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને મળ્યા હતા. જો કે, તેમના વચ્ચે ચર્ચાયેલા મુદ્દાની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નહોતી. વળી,
અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચે તે પહેલાં જ આ લોકો ઈસ્લામાબાદથી નીકળી
જતાં વાટાઘાટની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.