• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પ. બંગાળ-તામિલનાડુમાં મતદારોનો મિજાજ શું કહે છે ?

પશ્ચિમ બંગાળ અને દક્ષિણમાં તામિલનાડુ આ બે એવા ગઢ છે, જેને સર કરવામાં ભારતીય જનતા પક્ષને સફળતા મળી નથી. તૃણમૂલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ્ આ બે સ્થાનિક પક્ષોને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ મચક આપી શક્યો નથી. બંગાળમાં મમતા બેનરજી ચોથા કાર્યકાળ માટે લડી રહ્યાં છે, તો ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, તો તામિલનાડુમાં ભાષા, ક્ષેત્રીય અસ્મિતા અને વિકાસ મુખ્ય મુદ્દા છે. જો કે, વિચારધારા, શાસનવિરોધી પરિબળ અને મતોનું ધ્રુવીકરણ બન્ને જગ્યાએ કેન્દ્રમાં છે. આ સાથે જ ભાષાવાદ, રાજ્ય-કેન્દ્ર સંબંધો અને ચૂંટણીપંચની ભૂમિકા પણ મુખ્ય ચર્ચાનો વિષય છે, તેમાં છેલ્લે મહિલા અનામતનો ઉમેરો થયો છે. ગુરુવારે આ બંને રાજ્યની ચૂંટણી યોજાતાં વિક્રમી ભારે મતદાન થયું છે. તામિલનાડુમાં 234 બેઠકવાળી વિધાનસભા માટે 85 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, તો પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 152 બેઠક પર ચૂંટણી યોજાતાં 91.46 ટકા મતદાન નોંધાયું છે. મતદાનની ઊંચી ટકાવારીનું વિશ્લેષણ કરીને મનગમતા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. મોદી અને ભાજપ હરખમાં છે અને મમતા બેનરજીની વિદાયના દાવા થઇ રહ્યા છે. એસઆઇઆરને લીધે આ વખતે કોઇ અટકળો છાતી ઠોકીને કરી શકે તેમ નથી. મમતા બેનરજીએ ડાબેરીઓનાં પાંત્રીસ વર્ષના શાસનનો અંત લાવ્યા બાદ દોઢ દાયકાથી એકહથ્થુ સત્તા ચલાવી છે અને છેલ્લા એકાદ દાયકાથી ભાજપ સામે ઝીંક ઝીલી રહ્યાં છે. જો કે, 2021માં ભાજપે 77 બેઠકો સાથે બંગાળમાં મોટાપાયે પગપેસારો કર્યો છે. અહીં ટીએમસી બંગાળી અસ્મિતાને આગળ કરી રહ્યું છે, તો ભાજપ હિન્દુત્વને હુકમનો એક્કો બનાવ્યો છે. ભાજપે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રાહિંગ્યાઓનો મુદ્દો બનાવ્યો છે તથા હિન્દુ મતોના ધ્રુવીકરણ માટેના તેમના પ્રયાસ છે. જો કે, પંદર વર્ષના કાર્યકાળને કારણે મમતાદીદી પ્રત્યે અસંતોષ છે, કેમ કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખંડણી જેવાં દૂષણો પારાવાર છે અને તેને ચમકાવવાનો ભાજપનો સતત પ્રયાસ રહ્યો છે. સુવેન્દુ અધિકારીના રૂપમાં ભાજપને એવા નેતા મળ્યા છે, જે મમતાને હંફાવી શકે છે. જો કે, ભાજપે મુખ્ય પ્રધાનપદ માટે નામ જાહેર કર્યું નથી. વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા આસામ અને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાનો હેમંતા સરમા બિસ્વા અને યોગી આદિત્યનાથે સભાઓ ગજવી છે. અહીં મહિલા મતદારોનું પ્રમાણ 53 ટકા જેટલું હોવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓ અને મહિલા અનામતનો મુદ્દો મહત્ત્વનો છે. ટીએમસીએ તમામ પડકારો છતાં ઇન્ડિ મોરચાના સાથ વિના એકલા હાથે લડવાનો નિર્ધાર કર્યો છે અને ચૂંટણીપંચે ચલાવેલી ઝુંબેશ અને તેનાં કારણે મતદારયાદીમાંથી બાકાત થયેલાં નામના મુદ્દાને હથિયાર બનાવ્યો છે.  

Panchang

dd