• રવિવાર, 26 એપ્રિલ, 2026

વૈભવની શાનદાર સદી છતાં રાજસ્થાનની હાર

જયપુર, તા. 25 : ટચુકડા વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક સદી છતાં શનિવારે રાજસ્થાન રોયલ્સને હાર ખમવી પડી હતી. ઈશાન કિશન (74), અભિષેક શર્મા (57)ની અર્ધ સદીઓની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે જીત મેળવી હતી. હૈદરાબાદે 229નું લક્ષ્ય નવ દડા બાકી હતા, ત્યારે જ આંબી લીધું હતું. લક્ષ્યવેધ માટે મેદાન પર ઊતરેલી સનરાઈઝર્સે માત્ર સાત રને પહેલી જ ઓવરમાં ટ્રેવિસ હેડ (6)ના રૂપમાં પહેલી વિકેટ ખોઈ દીધી હતી. જો કે, ત્યાર બાદ જામી ગયેલા ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડીએ સ્કોરબોર્ડને ગતિ આપી હતી.  ઈશાને 31 દડામાં 11 ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 74 અને અભિષેકે 29 દડામાં 11 ચોગ્ગા, એક છગ્ગા સાથે 57 રન ફટકારી દીધા હતા. નીતીશકુમાર રેડ્ડીએ પણ દાવના અંતિમ તબક્કામાં 18 રનમાં બે ચોગ્ગા, ત્રણ છગ્ગા, સાથે 36 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. મેચમાં બોલરો બેઅસર રહ્યા હતા. અગાઉ, હૈદરાબાદે ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. મેચમાં રાજસ્થાને વૈભવ સૂર્યવંશીની સદીની મદદથી 229 રનનું લક્ષ્ય હૈદરાબાદ સામે રાખ્યું હતું.  રાજસ્થાનની ઈનિંગનો પ્રારંભ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે કર્યો હતો. વૈભવે પહેલી જ ઓવરમાં 4 છગ્ગા ફટકારી દીધા હતા અને ઈરાદો સાફ કર્યો હતો. જો કે, ત્રીજી ઓવરમાં જયસ્વાલની વિકેટ પડી હતી. બીજી તરફ વૈભવે 15 બોલમાં અર્ધસદી કરી હતી. આ દરમિયાન ધ્રુવ જુરેલે પણ અર્ધસદી કરી હતી અને વૈભવ સાથે સદીની ભાગીદારી કરી હતી. 13મી ઓવરમાં જુરેલ આઉટ થયો હતો, પણ વૈભવ ડગ્યો નહોતો અને 36 બોલમાં સદી પૂરી કરી હતી. બાદના બોલે વૈભવની વિકેટ પડી હતી. કેપ્ટન રિયાન પરાગ 8 બોલમાં સાત રન કરીને અને ડોનોવન ફરેરા 33 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. હેટમાયરનું પણ બેટ ચાલ્યું નહોતું અને 11 રન કરી શક્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં 103 રન કર્યા હતા, જેમાં 12 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. 

Panchang

dd