ગાંધીધામ, તા. 25 : ગેરકાયદે રીતે નાણાં ખાતાંમાં હેરફેર કરીને જીએસટી ચાંઉ કરી સરકારી તિજોરીને નુકસાન
પહોંચાડવાના કેસમાં બે આરોપીની જામીન અરજી
ગાંધીધામની કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસની પૂર્વ વિગતો મુજબ ડીજીજીઆઈ ગાંધીધામ
દ્વારા તપાસ કરવામાં આવી હતી. એપેક્સિયો
સ્પાર્કસ, ડીજેડેક્સ,
જગન્નાથ એન્ટરપ્રાઈઝ, લા પીટુરા, ન્યૂ 3-જી સર્વિસ સહિતની કંપનીઓ ઓનલાઈન ગેમિંગમાં રોકાયેલા ખેલાડીઓ
પાસેથી પૈસા વસૂલતી હતી. આરોપીઓ દ્વારા બોગસ
કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને જાહેર કરાયેલી કોઈ પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવામાં
આવતી ન હતી. ખેલાડીઓ પાસેથી મેળવેલાં નાણાં વિવિધ કંપનીઓનાં બેન્ક ખાતાં દ્વારા રૂટ કરવામાં આવતાં હતાં અને ત્યાર બાદ મેસર્સ એપેક્સિયો
સ્પાર્કસ ટેક્નોલોજી કંપનીમાં ટ્રાન્સફર કરાતા
હતાં. આરોપીઓએ 1,06,61,40,451 જેટલી રકમ ટ્રાન્સફર કરી હોવાનું અને 29.85 કરોડની જીએસટી ચોરી કરી હોવાનું
બહાર આવ્યું હતું. ડીજીજીઆઈ ગાંધીધામ દ્વારા
જીએસટીના કાયદા અનુસાર આરોપી સુબ્રતકુમાર શાહુ અને ચિન્મય મિશ્રાની ધરપકડ કરવામાં
આવી હતી. ગત ફેબ્રુઆરી મહિનાથી બન્ને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બન્ને આરોપીએ
ગાંધીધામની કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ કેસ ગંભીર આર્થિક ગુના સાથે સંડોવાયેલો
છે અને અરજદાર દ્વારા જાણતા હોવા છતાં પણ બેન્ક
ખાતાંનું ઓનલાઈન ગેમિંગની પ્રવૃત્તિમાંથી ભંડોળ મેળવવા માટે મંજૂરી આપી હતી અને જીએસટી
જવાદારીમાંથી વાકેફ હોવા છતાં નાણાકીય લાભ મેળવવા વ્યવહાર ચાલુ રખાયા હોવાની દલીલ કરાઈ
હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી અધિક સેશન્સ જજ
એ.એમ. મેમણે બન્ને આરોપીની જામીન અરજી નકારી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી
વકીલ અલ્પેશ ગોસ્વામીએ હાજર રહી દલીલ કરી હતી.