• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

હિંસાની નિંદનીય ઘટના

ભાજપ અને ટીએમસી માટે અતિપ્રતિષ્ઠિત એવી બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં મતદાનના પ્રથમ તબક્કામાં હિંસક ઘટના બની હતી. ચૂંટણી ન હોય તોય બંગાળ માટે આ નવું નથી. સાંસ્કૃતિક, સાહિત્યિક વિરાસત ધરાવતી બંગ ભૂમિની આ પણ એક તાસીર છે. રાજકીય રીતે તૃણમૂલ કોંગ્રેસ અહીં સક્ષમ છે તે સાચું, પરંતુ તે સક્ષમપણાને લીધે હદ વળોટીને વર્તન કરાય નહીં, આજે ચૂંટણી દરમિયાન એવું બન્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સર્વેન્દુ સરકાર ઉપર જાહેરમાં હુમલો થયો છે. જેમણે તેઓને માર માર્યો તેઓ ટીએમસી સમર્થક હોવાનું ટીવી ચેનલ્સ- વિવિધ સમાચાર માધ્યમો કહી રહ્યા છે.  જો કોઈએ વીડિયો ઉપર આ દૃશ્યો જોયાં હોય તો ખ્યાલ આવે કે કેટલું ઝનૂન અને ખુન્નસ તે કાર્યકર્તાઓમાં હતા ! બોડીગાર્ડ સાથે હોવા છતાં સર્વેન્દુ સરકારને રોકવામાં આવ્યા. તેમને પહેલાં તો કેટલાક લોકોએ રોક્યા, ધમકાવ્યા. તેઓ ચાલતા હતા તો મારામારી શરૂ કરી. રાજકીય સ્પર્ધાની વાત અલગ છે. પ્રતિપક્ષના ઉમેદવારની વિરુદ્ધ પ્રચાર, તેમને હરાવવા માટેના પ્રયાસ જુદી અને સામાન્ય ઘટના છે, પરંતુ અહીં તો ચૂંટણીના ઉમેદવારને જાહેરમાં ઘેરી લેવાયા અને તેમને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો. આ એક દૃશ્ય બંગાળની ચૂંટણીનું અને સ્થિતિનું પ્રતાબિંબ છે. આ અગાઉ પણ ભાજપના કાર્યકર્તા, નેતાઓ ઉપર રેલી-સભામાં હુમલા થયા છે. કાર્યકર્તા અને ગુંડામાં થોડો તો ફેર હોવો જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના મુખિયા મમતાદીદી અને અન્ય મોવડીઓએ કાર્યકર્તાઓને વારવા જોઈએ. જો કે, ઈ.ડી.ના અધિકારીઓ સામે મોરચો ખોલવો, ન્યાયપાલિકાનો પણ વિરોધ કરવો તેવી ઘટના પણ બની હોય તો કાર્યકર્તાને શું કહેવું? તૃણમૂલ માટે બંગાળીઓને માન હોય તો તેનો તે અધિકાર છે. 4 મેએ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવી જ જશે કે, મતદારો શું ઈચ્છે છે. બિહારની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આ ગંગા હવે બંગાળ સુધી જશે. પ્રવાહ પહોંચે છે કે અટકે છે તે સમય કહેશે, પરંતુ ટીએમસી કાર્યકર ગણાતા લોકોએ જે આજે કર્યું છે તે નિંદાપાત્ર છે. ધારાસભાના ઉમેદવાર તો શું કોઈ ઉપર આવો હુમલો થવો જોઈએ નહીં, કાયદો વ્યવસ્થા ચૂંટણીના સમયે પણ કેટલી હદે પડકાર અનુભવી રહ્યા  છે તેનો આ પુરાવો છે. હજી બીજો તબક્કો બાકી છે. જો આજે પણ આ સ્થિતિ છે તો પરિણામના દિવસે શું થશે? દરમ્યાન તામિલનાડુમાં આમ તો ટક્કર દ્રમુક અને અન્ના દ્રમુક વચ્ચે છે અને સત્તાનાં સૂત્રો પણ આ બન્ને વચ્ચે હાથ બદલતા રહે છે. ભાજપ અહીં પણ બહારનો પક્ષ છે છતાં ધીમી ગતિએ બેઝ ઊભો કર્યો છે. તામિલ પ્રજા રાજકીય રીતે સક્રિય અને સુજાણ ગણાય છે અને દર પાંચ વર્ષે સત્તાનું હસ્તાંતરણ અહીં સામાન્ય છે, પણ આ વખતે શાસનવિરોધી લાગણી એટલી તીવ્ર નથી, કેમ કે ડીએમકેએ અસ્મિતા, ભાષા અને કલ્યાણકારી યોજનાઓના બળે મોરચો ટકાવ્યો છે. જો કે, આ વખતે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયનું પરિબળ મોટું છે અને આ રાજ્યના લોકોનો ફિલ્મ તથા ફિલ્મસ્ટાર માટેનો ક્રેઝ-પ્રેમ જોતાં વિજયનું આગમન નિર્ણાયક સાબિત થઈ શકે છે.  

Panchang

dd