ગાંધીધામ, તા. 25 : ઓનલાઈન ઈ-કોમર્સ માધ્યમ ઉપર
મગાવવામાં આવેલી વસ્તુ પરત મોકલવાના બહાના
તળે અજાણ્યા આરોપીએ શિણાયની મહિલા સાથે રૂા.
4,90,034 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો
હતો. ગાંધીધામના શિણાયમાં રહેતા અને ઘરકામ કરતા કોમલબા હરદેવસિંહ સરવૈયાએ અજાણ્યા મોબાઈલધારક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ સત્તાવાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ
એમેઝોનમાંથી ખરીદેલી વસ્તુને પરત મોકલવા
માટે ગૂગલના માધ્યમ ઉપરથી એમેઝોન કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો, જેમાં અજાણ્યા આરોપીએ પોતે કસ્ટમર
કેરમાંથી બોલાતો હોવાની વાત કરી ફરિયાદી સાથે વાત કરી હતી. ભેજાભાજે વોટ્સ-એપ
કોલ અને વીડિયો કોલ કરીને પણ ફરિયાદીના ડેબિટકાર્ડનો ફોટો માગ્યો હતો, જેનો ફરિયાદીએ આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ અજાણ્યા આરોપીએ ફરિયાદી પાસે મોબાઈલ નંબર પોર્ટનો મેસેજ કરાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીનો મોબાઈલ બંધ થયો
હતો. તહોમતદારે ગત તા. 14/4 બપોરે 13.30થી તા. 20/4ના બપોરે 1.30 વાગ્યા સુધીના અરસામાં ફરિયાદીના ગૂગલ પે એકાઉન્ટમાંથી જુદા-જુદા
પાંચ વ્યવહાર કરીને રૂા. 4,90,035 અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતના
આ મામલામાં વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ વિભાગે ઓનલાઈન માધ્યમ
ઉપરથી મેળવેલા નંબરની ખરાઈ કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરવો જોઈએ. કંપનીના નંબર
મેળવવા માટે જે-તે કંપનીની સત્તાવાર વેબસાઈટ ઉપર લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓનલાઈન છેતરપિંડીના
બનાવ અટકાવવા માટે જાગૃત બનવા નાગરિકોને અપીલ કરાઈ હતી.