• રવિવાર, 26 એપ્રિલ, 2026

ગાંધીધામમાં ટ્રાફિક નિયમન માટેનાં સિગ્નલો પાછળ માતબર રકમના ખર્ચ બાદ ઝબૂક્યાં નહીં

ગાંધીધામ, તા. 25 : કચ્છના આર્થિક પાટનગર તરીકે  જાણીતા ગાંધીધામ સંકુલના વિવિધ માર્ગો ઉપર સુવ્યસ્થિત  ટ્રાફિક નિયમન માટે જુદી-જુદી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ મુકાયાં છે. આ સિગ્નલ કાર્યરત રહે તે માટે સમયાંતરે  માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતાં સિગ્નલ  ઝબૂકતાં નથી, જેના કારણે ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓને ભારે વ્યાયામ આદરવો પડે છે. ગાંધીધામના ઓસ્લો સર્કલ  પાસે  ભુતકાળમાં લાયન્સ ક્લબના સહકારથી  ટ્રાફિક સિગ્નલ મુકાયાં હતાં. થોડા સમય સુધી  સિગ્નલો નિયમિત ચાલ્યાં પણ હતાં. અલબત્ત થોડા દિવસોમાં આ સિગ્નલો બંધ થયાં હતાં. જે તે વખત આ સિગ્નલોની જાળવણી કોણ કરે  તે મુદ્દે પોલીસ તંત્ર કે  નગરપાલિકા વચ્ચે પ્રશ્ન ઉદભવ્યો હતો ત્યારબાદ  શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા જ સિગ્નલોની મરંમત અને જાળવણી કરાશે તેવું નક્કી કરાશે. ભુતકાળના સમયમાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજિત 18 -20 લાખના ખર્ચે ટાગોર રોડ ઉપર આવેલાં તમામ સિગ્નલોનું સમારકામ, રંગરોગાન કરાયુ હતું તેમજ ટાગોર રોડ  ઉપર ડીપીએ મેદાન પાસે વધારાનાં સિગ્નલ પણ મુકાયાં હતાં. આ ખર્ચ બાદ થોડા સમય સુધી તમામ જગ્યાએ સિગ્નલો દિશા સૂચન આપતાં હતાં. ત્યારબાદ કોઈ કારણોસર  ફરી પાછા સિગ્નલો બંધ થયાં હતાં. હાલમાં ટ્રાફિક વ્યવસ્થાના સુનિયોજન માટે મુકાયેલાં તમામ સિગ્નલો બંધ હાલતમાં પડયાં છે. સંબંધિત તંત્ર દ્વારા બંધ પડેલાં સિગ્નલો શરૂ કરવાની દિશામાં ઉડીને આંખે વળગે તે પ્રકારે પ્રયાસ કરવામાં આવતા નથી. તેવી ચાડી હાલના સંજોગો ખાઈ રહ્યા છે. શહેરનાં જુદાં-જુદાં સ્થળોએ ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમન માટે વ્યાયામ કરતા નજરે પડે છે, પરંતુ સિગ્નલના આ અભાવે આ જવાનોને  મુશ્કેલી ઊભી થાય છે તેમજ લોકોને પણ  કેટલીક ટ્રાફિકજામની સમસ્યાનો  સામનો કરવાનો વારો આવે છે. શહેરમાં હાલમાં પાયાની જરૂરિયાત ઊભી કરવા માટે મિશન તળે કામો ચાલી રહ્યાં છે, ત્યારે  પાયાની સુવિધા મુદ્દે આ દિશામાં પણ કાર્ય હાથ ધરાય તે જરૂરી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યુ હતું.      

Panchang

dd