• રવિવાર, 26 એપ્રિલ, 2026

422 પ્રતિનિધિને ચૂંટવા આજે ઊજવાશે લોકશાહીનું પર્વ

ભુજ, તા. 25 : કચ્છના 15.49 લાખ શહેરી અને ગ્રામ્ય મતદાર 422 જનપ્રતિનિધિ ચૂંટવા માટે લોકશાહીનાં મહાપર્વમાં મતરૂપી આહુતિ આપશે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 26 બેઠક બિનહરીફ થતાં 422 બેઠક પર પોતાનું ભાગ્ય અજમાવી રહેલા ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષના 1065 ઉમેદવારનાં ભાવિ ઇવીએમમાં કેદ થશે. ઇવીએમમાં કેદ થયેલું આ તમામ મતદારોનું ભાવિ 28મી તારીખ બહાર આવશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ચૂંટણીની કામગીરીની જેમને ફરજ સોંપવામાં આવી છે એ પોલિંગ સ્ટાફ ઇવીએમ તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી સાથે ફાળવાયેલ બૂથ પર અલગ- અલગ 234 રૂટ મારફત એસ.ટી. બસ અને અન્ય વાહનો મારફત રવાના થયો હતો. જિલ્લામાં તાલુકા કક્ષાએ નિર્ધારિત કરાયેલા ડિસ્પેચિંગ-રિસીવિંગ સેન્ટર પરથી સ્ટાફ એસ.ટી. બસ અને અન્ય ખાનગી વાહનો મારફત રવાના થયો હતો. જિલ્લામાં ગાંધીધામ મનપા અને નખત્રાણા સુધરાઇની ચૂંટણી પ્રથમવાર યોજાઇ રહી છે. ગાંધીધામ મનપા, ભુજ, અંજાર, માંડવી, મુંદરા-બારોઇ અને નખત્રાણા નગરપાલિકાના શહેરી વિસ્તારમાં 4.61 લાખ તો ગ્રામ્ય વિસ્તારને આવરી લેતા  જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણી જંગ માટે 9.91 લાખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. - તંત્રે તૈયારીને આપ્યો આખરી ઓપ : લોકશાહીના યજ્ઞને સુપેરે પાર પાડવા તંત્રે તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા 15 નોડેલ અધિકારી, 37 ચૂંટણી અને 44 મદદનીશ અધિકારીની નિયુક્તિ કરાઇ હતી. 1866 મતદાન મથક ઊભાં કરાયાં છે. ચૂંટણી કામગીરી માટે 8954 પોલિંગ સ્ટાફ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી હેતુ 5361 પોલિંગ સ્ટાફને નિયુક્તિ આપવામાં આવી છે, તો 234 જેટલા ઝોનલ અધિકારી મળી 14,549નો સ્ટાફ ફરજ બજાવશે. તાલુકા પંચાયત માટે 1653, જિ. પંચાયત માટે 1528, ગાંધીધામ મનપા માટે 352 અને નગરપાલિકા માટે 509 મળી 4042 જેટલા ઇવીએમના કન્ટ્રોલ યુનિટ તો 3811 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. - સ્ટાફ રવાના : આજે સવારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલો સ્ટાફ ફાળવાયેલ બૂથ પર રવાના થયો હતો. ભુજમાં સરકારી એન્જિનીયરિંગ કોલેજ ખાતે પ્રાંત અધિકારી અનિલ જાધવ, ટીડીઓ દીક્ષિત ઠક્કર, મામલતદાર શ્રી શર્મા સહિતનાં માર્ગદર્શનમાં આ કામગીરી હાથ ધરાઇ હતી. આકરા તાપ વચ્ચે ડિસ્પેચિંગ સેન્ટર પર ખાસ શમિયાણો ટૂંકો પડતાં સ્ટાફે છાંયડો શોધવા માટે વૃક્ષોનો સહારો લીધો હતો. એસ.ટી. અને અન્ય વાહનોની સાથે કેટલાક કર્મચારીઓ પોતાનાં ખાનગી વાહનો મારફત રવાના થયા હતા. - સવારે 7થી મતદાનનો આરંભ : સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થવા પૂર્વે મોકપોલ કરી ઇવીએમ સહિતની સજ્જતાની આખરી ચકાસણી કરવામાં આવશે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર મતદાન મથકથી નિયત કરાયેલાં અંતરે મંડપ બાંધવામાં આવશે. ગરમીની સ્થિતિને ધ્યાને લઇ આરોગ્ય વિભાગનાં સંકલનમાં રહી આવશ્યક કામગીરી કરવામાં આવી છે. - ગાંધીધામ મહાપાલિકા : 234  બૂથ ઉપર સ્ટાફ રવાના : મહાનગરપાલિકાની રવિવારે યોજાનારી ચૂંટણી માટે આજે  આદિપુર મૈત્રી સ્કૂલ સ્થિત રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર ખાતે  સવારથી મતદાન મથકોએ સ્ટાફને મોકલવા માટેનો ધમધમાટ જણાયો હતો. સવારે 9 વાગ્યાથી તમામ સ્ટાફને મતદાન  મથકે સાહિત્ય સાથે મોકલવામાં આવ્યા હતા. ગાંધીધામ મહાપાલિકાના 234 બૂથ ઉપર 1200 જેટલા સ્ટાફને એસ. ટી. બસ  મારફત મોકલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા  તમામ બૂથ ઉપર ફર્સ્ટએઈડ કિટ આપવામાં આવી છે તેમજ સેન્ટર ખાતે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ડો. જીનલ સોની, ડો. ઈરમા, ડો. મેહુલ ખાંટ, અનિલ ભઠ્ઠર, જ્યોત્સના પરમાર, ડો. કાજલ તન્ના વગેરે સેવાઓ આપશે. રાપરમાં તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં 199 મતદાન મથકે પહોંચવા હરિયાણા શૈક્ષણિક સંકુલથી ટીમો રવાના થઈ હતી. પાંચ જિલ્લા પંચાયતની અને 24 તાલુકા પંચાયતની બેઠક માટે કુલ 199 બૂથ પર 398 ઈવીએમ મશીન સાથે 880 જેટલો પોલિંગ સ્ટાફ અને ડીવાયએસપીનાં માર્ગદર્શન હેઠળ છ પીઆઈ, 12 પીએસઆઈ, 191 પોલીસ જવાન, 259 ગૃહ અને ગ્રામ રક્ષક દળના જવાનો સહિત 469 જેટલા સુરક્ષા જવાન આ ચૂંટણી બંદોબસ્તમાં ગોઠવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.  

Panchang

dd