• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સ્વાસ્થ્ય માટે અનેક પરિબળો સમસ્યા સર્જે છે

ભુજ, તા. 13 : કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના નલિયા ગામની નાની પ્રાથમિક શાળામાંથી શરૂઆત કરીને હાલે સુરત અને વડોદરા ખાતે ક્લિનિકો ધરાવનારા ઇન્ટરવેન્શનલ ન્યૂરો રેડિયોલોજિસ્ટ ડો. જિગર આઇયા ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં પણ સારવાર આપે છે. તેમના માતા ધનલક્ષ્મીબેનનું રક્તકેન્સરમાં ટૂંકી માંદગી બાદ અવસાન થતાં તેઓએ ભવિષ્યમાં કેન્સરના દર્દીની સેવા કરી માતાનું ઋણ ચૂકવવાની નેમ લીધી છે. હાલે સુરત, વડોદરા ઉપરાંત જયપુર, ભોપાલ સહિતના શહેરોમાં પણ તેઓ કાર્યરત છે.

મુંબઇની હોસ્પિટલમાં સેવા

નલિયાની હિમુબાઇ લધાભાઇ ખિયરાજ પ્રાથમિક શાળામાં ધો. દસ સુધી અભ્યાસ બાદ ધો. 12 સુધી ખીમજીભાઇ રામદાસ હાઇસ્કૂલ માંડવીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એમબીબીએસ અને રેડિયોલોજિસ્ટનો અભ્યાસ કૃષ્ણા હોસ્પિટલ આણંદ ખાતે કર્યો હતો. સુપર સ્પેશિયાલિટી માટે મુંબઇમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં અભ્યાસ બાદ મુંબઇની ટાટા કેન્સર હોસ્પિટલમાં પણ કેન્સરના દર્દીઓની સેવા કરી હતી, ત્યારબાદ સાઉથ કોરિયામાં ફેલોશિપ બાદ અમેરિકાના મિયામી સ્થિત કેન્સર હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ વિભાગમાં તાલીમ મેળવી હતી.

કાપકૂપ વગર સારવાર

કઇ સારવાર કરો છો, તેના જવાબમાં તેઓ કહે છે કે, આઇઆર ક્લિનિક હેઠળ ચાર નિષ્ણાત તબીબની ટીમ સાથે ઇન્ટરવેન્શનલ ન્યૂરો રેડિયોલોજીની વિવિધ સારવાર કરાય છે, જેમાં મગજની ધમનીમાં નુકસાન, લોહી ન પહોંચવું, લકવો, કરોડરજ્જુની ધમનીઓની સારવાર, શરીરમાં જ્યાં લોહી ન પહોંચતું હોય તે માટે નસોની સર્જરી, મોંમાં કેન્સરમાં લોહી નીકળવું, વેરિકોઝ વેઇન, ગેંગ્રિન, બાયોપ્સી તથા ડ્રેનેજ સહિતની વિવિધ સારવાર કાપકૂપ વગર કરાય છે. પિતા હરેશભાઇ આઇયાની ભલામણથી ગરીબ તથા મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે સારવાર અપાય છે. ધનલક્ષ્મીબેન આઇયા, સા. ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત આરોગ્ય સેવા કરું છું. અત્યાર સુધી આશરે 50,000થી વધુ દર્દીઓની સારવાર કરી છે, જેમાં ધૂમ્રપાન તથા ડાયાબિટીસથી ગેંગ્રિનના દર્દી, લકવાના દર્દીઓ, વેરિકોઝ વેઇન, ફાઇબ્રોઇડ-ગર્ભાશયની ગાંઠ વિ.ના દર્દીઓ મુખ્ય છે.

જોખમી પરિબળો

પૂરતી ઊંઘનો અભાવ, ફાસ્ટફૂડ, મિલાવટી ચીજવસ્તુઓ, કોવિડથી દર્દીને થયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ, તણાવ, નિક્રિયતા સહિત પરિબળો સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ સર્જે છે, એમ તેમણે જણાવ્યું હતું.

શું સૂચવ્યું ?

સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવાની સલાહ આપી કહ્યું કે, સમતોલ આહાર, મેડિટેશન, યોગા સહિતની કસરતોથી સ્વાસ્થ્યની જાળવણી કરવી જોઇએ. પોતાની જાતે સારવારને બદલે તબીબની સલાહ લેવી જોઇએ. 35થી 40 વર્ષ બાદ નિયમિત વર્ષમાં એકવાર હેલ્થ ચેકઅપ કરાવવું, જેથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે જાણકારી મળતાં વિવિધ રોગોની વહેલી તકે સારવાર શરૂ કરી શકાય છે. લકવાના દર્દીઓ માટે સમયનું ખૂબ જ મહત્ત્વ હોય છે, જેથી લક્ષણોને અવગણવાને બદલે જલ્દીથી તબીબનો સંપર્ક કરવો, છ કલાકની અંદર સંપર્ક કરવો હિતાવહ છે, જ્યારે લકવાના 24 કલાક સુધીમાં પણ દર્દીની સારવાર શક્ય છે.

Panchang

dd