• મંગળવાર, 14 એપ્રિલ, 2026

રાપર-ભચાઉને અનામત સીટ ન અપાતાં અનુ. જાતિ સમાજમાં નારાજગી

ચોબારી, તા. 13 :   સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને વાજતેગાજતે ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યાં છે, પરંતુ ઘણી જગ્યાએ જૂના કાર્યકરોમાં ટિકિટ નહીં મળતાં કચવાટ જોવા મળ્યો છે. વર્ષોથી અનુ. જાતિની જિલ્લાની અનામત સીટ ભુજ, નખત્રાણા, માંડવી કે અન્ય વિસ્તારોમાં અપાય છે, પરંતુ આઝાદીના સાડા સાત દાયકાનો સમય વીતી ગયો છે, હજુ સુધી રાપર-ભચાઉનો વારો આવ્યો નથી તેવો સવાલ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. રાપર- ભચાઉ બંને તાલુકા અને જાતિની મોટી વસ્તી ધરાવે છે, પરંતુ ભુજ નજીક રહેતા આગેવાનો અનામત સીટનો વારો વાગડ વિસ્તારમાં આપતો જ નથી તેવી રાવ ઊઠી છે. રોટેશન કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે સ્પષ્ટતા કરવામાં આવે તો આ વિસ્તારને ન્યાય મળી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સુમરાસર સીટ અનુ. જાતિ માટે અપાતા જૂના કાર્યકરને ટિકિટ ન મળી. નારાજગી દર્શાવીને રાજીનામું ધરી દેતાં અનુ. જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડવાનાં એંધાણ દેખાય છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં હજારો એકર જમીનો વડગામના ધારાસભ્ય આવીને પછાત સમાજને સુપરત કરાવે છે, ત્યારે અહીં ખૂબ જ પછાતપણું હોવાનું સાબિત થાય છે. વાગડમાં જિલ્લા સ્તરનું કોઈ પ્રતિનિધિત્વ ન હોવાથી પછાત સમાજને અન્યાયનો સામનો કરવો પડતો હોવાનું પણ જાગૃતોએ  જણાવ્યું હતું. વિરોધ પક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વાગડ વિસ્તારને જમીનોના કબજા અપાવી શકે તો સત્તા પક્ષ કેમ ઊંઘમાં છે તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. ધીરુભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ હતા એ સમયે ભૂકંપના કપરા કાળમાં વાગડ વિસ્તારનું સરકારમાં વજન હતું, ત્યારબાદ આ વિસ્તારને સબળ નેતૃત્વની ખોટ પડી છે તેવી લાગણી વ્યક્ત થઇ હતી.

નબળી નેતાગીરી

સાંપ્રત સમયમાં સરકારમાં નેતાગીરી નબળી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સરકારમાં કોઈ રજૂઆત કરી શકતા નથી અને એક જાગૃતે જણાવ્યું હતું કે, વાગડના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા ત્રણ વર્ષ માટે ધારાસભ્ય રહ્યા, આ શું કામ થયું. હવે તે પણ જાણે સરકારને બદલે સોશિયલ મીડિયાનો સહારો લઈ નાગરિકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાગડ વિસ્તારમાં પણ અસંતોષનો માહોલ જોવા મળે છે. અનુ. જાતિના ચૂંટાયેલા હોદ્દેદારો પૂર્વ કચ્છના હોવા છતાં વાગડ વિસ્તારમાં ડોકાતા નથી, તેથી તેઓની જવાબદારી વધી જાય છે.

વાગડમાં ક્રાઇમનો ઊંચો રેશિયો

ચોબારી, તા. 13 :    વાગડ વિસ્તારમાં ક્રાઈમ રેસિયો પણ વધુ જોવા મળે છે. ખનિજચોરી બેફામ થાય છે, રણ વિસ્તારમાં અતિક્રમણ વધ્યું છે. કડોલ અને એકલ તેમજ નાના રણના દાખલાઓ સામે છે. કાયદો અને વ્યવસ્થા માટે જાણે કે તંત્ર પણ લાચાર હોય તેમ છાસવારે દારૂના મોટા જથ્થાઓ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાંથી ઘૂસાડવામાં આવે છે. ભૂતકાળમાં તો બેફામ બનેલા બુટલેગરોએ કુંજીસર પાસે પોલીસ પર ગાડી ચડાવી દેવાની ચકચારી ઘટના હજુ લોકો યાદ કરે છે.

Panchang

dd