• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

રાંધણગેસ સિલિન્ડરની માંગ દૈનિક 48 હજારે પહોંચી હતી

ભુજ, તા. 8 : અમેરિકા-ઇરાન યુદ્ધનાં પગલે કચ્છમાં રાંધણગેસની સર્જાયેલી થોડી અછતનાં પગલે કચ્છની ત્રણેય એલ.પી.જી. વેચાણ કરતી કંપનીઓ દ્વારા સિલિન્ડરના ડીલરો માટે આકરા નિયમો બનાવવામાં આવતાં ગ્રાહકો, કંપની વચ્ચે ક્યાંક ડીલરો પીસાતા હોવાની વિગતો બહાર આવી છે. ક્યાંક અછતનું સંકટ વધુ ઘેરું બને તેવા ભયના માહોલથી રાંધણગેસના જોડાણકારોએ બુકિંગનો મારો વધારી નાખ્યો છે ને એક જ દિવસનું બુકિંગ 48 હજારને પાર કરી ગયું હતું. કચ્છમાં આઇ.ઓ.સી., એચ.પી. અને ભારત ગેસની કંપનીઓ હસ્તક એલ.પી.જી. સિલિન્ડરના 38 વિતરક છે, પરંતુ યુદ્ધના માહોલ પહેલાં સિલિન્ડર આપવાની વ્યવસ્થા અંગે કોઇ સામાન્ય નિયમો નહીં હોવાથી ગ્રાહક બાટલો બુક કરાવે ને તેને ડિલિવરી આપવામાં આવતી હતી, ક્યાંય કોઇ વિતરક અને ગ્રાહકો વચ્ચે નોકઝોક થઇ નથી. કચ્છ એલ.પી.જી. ડિસ્ટ્રીબ્યૂટર એસો.ના મોવડીઓ મુકેશભાઇ કન્નર અને આશિષભાઇ મહેશ્વરી કહે છે કે, અગાઉ 15 દિવસે સિલિન્ડર બુકિંગ કરાવી શકાતાં હતાં અને વરસમાં ઓછામાં ઓછા 15 સિલિન્ડર લઇ શકે છે તેમ છતાં કોઇની વધારે માંગ હોય તોય અમે ઘરેલુ સિલિન્ડર આપતા હતા. પરંતુ માર્ચમાં યુદ્ધના માહોલ વચ્ચે દેશના પેટ્રોલિયમ વિભાગ દ્વારા ડબલ બોટલવાળાને 30 દિવસે અને ઉજ્જવલાવાળાને 45 દિવસે બુકિંગ કરાવવાની સૂચના આવી હતી. બુકિંગ કરાવ્યા પછી બે-ચાર દિવસે ડિલિવરી આપવામાં આવે છે. દરેક જોડાણધારકોના કે.વાય.સી. ફરજિયાત હોવાથી દરેક ડીલર પાસે ગ્રાહકના રજિસ્ટર્ડ થયેલા મોબાઇલ નંબર હોવા ફરજિયાત છે એમ તેઓએ જણાવ્યું હતું. અગાઉ ગ્રાહકો પોતાના મોબાઇલ નંબરથી મિસ્ડકોલ કરતા ને નોંધણી થઇ જતી હતી. અત્યારે કંપનીઓએ નોંધણી કરાવ્યા પછી ગ્રાહકને ડિલિવરી કોડ નંબર આપવાના અને તેના આધારે જ બુકિંગ કરવાનું હોવાથી  મોટાભાગના ગ્રાહકો પોતાના મોબાઇલમાં આવતા ડિલિવરી કોડના મેસેજ જોતા નથી એના કારણે વ્યવસ્થા ખોરવાઇ જાય છે ને કંપનીઓ કોડ પ્રમાણે જ ડિલિવરી કરવાનો આગ્રહ રાખતાં ગ્રાહકો અને વિતરકો વચ્ચે બબાલ થતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અગાઉ અમને સિલિન્ડર વેચાણના લક્ષ્યાંક અપાતા ને હવે અછત હોવાથી સંભાળીને આપવાનું કહેવામાં આવે છે. બીજીબાજુ ગ્રાહકો એમ સમજે છે કે, તંગી હોવાથી બોટલ નહીં મળે એટલે ફરિયાદો સ્વાભાવિકે વધી જાય છે. ખુદ ડીલરોએ પણ કબૂલ્યું હતું કે, થોડી તંગી છે એ વાત સાચી છે, પણ જો થોડી ધરપત રાખવામાં આવે તો પણ કચ્છમાં બધાને સિલિન્ડર મળતા રહેશે એમાં કોઇ બેમત નથી. આવી સ્થિતિમાં પણ પેટ્રોલિયમ વિભાગના નિયમોનું પાલન કરવું પડે છે. રાજકોટ કે અમદાવાદના ડેપોમાંથી ભરાઇ ગયેલી ગાડીઓ રાતના ભાગમાં ચલાવવાની મનાઇ હોવાથી માલ આવકમાં મોડું થાય છે અને ડીલરો પર કંપનીઓ દબાણ કરે છે કે ગ્રાહકોને શા માટે ડિલિવરી અપાતી નથી ? જાણે અમે કાળાબજાર કરીએ છીએ તેવી છાપ ઊપસે છે ત્યારે તેઓએ ખુલાસો કર્યો હતો કે, ખરેખર તકલીફ શું છે તે સમજવાની જરૂરત છે. આ અંગે ગેસ કંપનીના નોડેલ ઓફિસરનો સંપર્ક સાધતાં તેમણે ખુલાસો કર્યો કે, કંપની તરફથી દબાણ કરાતું હોવાની વાત ખોટી છે. ડિલિવરી કોડ વિના સિલિન્ડર નથી આપવાના આ નિયમ આખા દેશમાં એકસરખો છે. સિલિન્ડર સાચા ગ્રાહકને જ મળે, દુરુપયોગ અટકે એટલા માટે છે. લોકોમાં ખોટો ભય ફેલાયેલો છે. રાંધણગેસનો જથ્થો મર્યાદિત આવે છે, પણ તંગી નથી, બધાને મળશે કેમ કે કચ્છમાં 4.50 લાખ ગ્રાહકો છે. સામાન્ય સંજોગોમાં દૈનિક 12-13 હજારનું બુકિંગ થતું હતું તે માર્ચમાં 48 હજારે પહોંચ્યું હતું. અત્યારે તોય 20 હજાર રહે છે, જે વધારે છે. લોકા પોતાના ઘરમાં સ્ટોક કરી રાખવા માગે છે. તેમણે જોડાણધારકોને ધરપત રાખવાની અપીલ કરીને કહ્યું, બોટલ બધાને મળશે જ. 

Panchang

dd