નવી દિલ્હી, તા. 8 : દેશનાં વિકાસને
નવી રફ્તાર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કુલ 174207 કરોડ રૂપિયાનાં પાંચ મોટા પ્રોજેક્ટને
મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોમાં જયપુર મેટ્રો બીજો તબક્કો, કિસાનો માટે ખાતર સબસિડી, એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી અને અરુણાચલ પ્રદેશનાં બે મોટા હાઈડ્રો પ્રોજેક્ટ
પણ સામેલ છે. સરકારે જયપુર મેટ્રો બીજા તબક્કાને 13038 કરોડ રૂપિયાનાં ખર્ચે મંજૂરી
આપી છે. જ્યારે ખરીફ મોસમ-2026 માટે 41પ34 કરોડ રૂપિયાની પોષક તત્ત્વો આધારિત સબસિડીને મંજૂરી આપી છે.
આ સબસિડી ફોસ્ફેટિક અને પોટાશ ખાતર પર આપવામાં આવશે. જેમાં ડીએપી અને એનપીકે જેવા ખાતર
સામેલ છે. આનો હેતુ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવાનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં
ખાતરનાં ભાવમાં ઉતાર-ચઢાવને ધ્યાને રાખીને સરકારે આ પગલું ભર્યુ છે. આમાં કંપનીઓને
સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોને
નીચા ભાવે ખાતર મળશે. આ ઉપરાતં એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી દેશની સૌથી મોટી ઉર્જા પરિયોજના
છે અને તેનાં માટે ખર્ચ વધારીને 79459 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રાજસ્થાનનાં
બાલોતરા જિલ્લાનાં પચપદરામા બની રહ્યો છે અને ત્યાં પેટ્રોલ, ડીઝલ સહિત અનેક પેટ્રોકેમિકલનું ઉત્પાદન તૈયાર
કરાશે. આ સિવાય કમલા હાઈડ્રો પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવશે અને તેની
ક્ષમતા 1720 મેગાવોટ હશે. તેનાં માટે 26070 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
આ યોજનાથી વીજળી ઉત્પાદન સાથે પૂર નિયંત્રણ અને રાષ્ટ્રીય ગ્રિડને સંતુલિત કરવામાં
મદદ મળશે જ્યારે કલાઈ-2 હાઈડ્રો અરુણાચલ
પ્રદેશનાં અંજા જિલ્લામાં બનાવવામાં આવશે. તેની ક્ષમતા 1200 મેગાવોટ હશે. તેનાં માટે 14106 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.