ભુજ, તા. 8 : અગાઉ 200પની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
સમયે કચ્છમાં સર્જાયેલા એક ઐતિહાસિક ઘટનાક્રમે માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના રાજકારણમાં
ગરમાવો લાવી દીધો હતો. 200પની ચૂંટણીમાં
કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ મેન્ડેટ નિયત સમયમાં ન મળવાના કારણે રદ થતાં ભાજપે
ચૂંટણી પૂર્વે જ તા. પંચાયતમાં સત્તા હસ્તગત કરી હતી. કોઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારનાં
તમામ ફોર્મ રદ થયા હોય તેવો સંભવત ગુજરાતનો આ પ્રથમ ઘટનાક્રમ બન્યો હતો. - 10 બેઠક બિનહરીફ : મુંદરા તાલુકા પંચાયતની 1પ પૈકી ભાજપે 10 બેઠક બિનહરીફ મેળવી સત્તા કબજે
કરી હતી. તા. પંચાયતની 1પ પૈકીની
10 બેઠક બિનહરીફ થયા બાદ માત્ર
પાંચ બેઠક પર ઔપચારિક ગણી શકાય તેવી ચૂંટણી
પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચૂંટણી લડયા વગર જ કોંગ્રસ પક્ષનો આ ચૂંટણીમાં સફાયો થતાં
તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડયા હતા. તા. પંચાયતની 10 સાથે જિલ્લા પંચાયતની બે બેઠક
પણ ભાજપે બિનહરીફ મેળવી હતી. - મેન્ડેટનો
વિવાદ : કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મેન્ડેડ સમયસર
ન મળતાં વિવાદ વકર્યો હતો. અંતે તાલુકા પંચાયતના 1પ અને જિલ્લા પંચાયતના બે મળી કોંગ્રેસના 17 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા.
કોંગ્રેસ પક્ષે નિર્ણયને ઊપલા સ્તરે પડકાર્યો પણ હતો. - આગોતરો વિજયોત્સવ : ભાજપને ચૂંટણી લડયા વગર જ મુંદરા તાલુકા
પંચાયતમાં સત્તા મળતાં કેસરિયા પક્ષે આગોતરો વિજયોત્સવ મનાવ્યો હતો. મુંદરા તાલુકા
પંચાયતના પડઘા કચ્છની અન્ય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પડયા હતા અને ભાજપે 10 પૈકીની આઠ તાલુકા પંચાયતમાં
વિજય મેળવ્યો હતો. અબડાસા, ગાંધીધામ,
ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી હતી.