ભુજ, તા. 8 : સ્થાનિક સ્વજરાજ્યની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે
બન્ને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષમાં ચૂંટણી જંગમાં ઊતરવા ટિકિટો મેળવવાનો
વ્યાયામ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. 11 વોર્ડની 44 બેઠકો માટે
પક્ષ મોવડીઓ પણ અનામત સીટો મુજબ ગોઠવણીનો વ્યાયામ કરી રહ્યા છે. જો કે, હવેની ચૂંટણીઓનો રંગ પહેલાની તુલનાએ બદલાઈ ગયો
છે ત્યારે ભુજ નગરપાલિકાના ઈતિહાસમાં અનેક રસપ્રદ વાતો ઊભરીને સામે આવી છે. ભુજ નગરપાલિકાની
ચૂંટણી માટે ભાજપમાં 252, જ્યારે કોંગ્રેસમાં
88 ઈચ્છુકોએ નગરસેવકની ટિકિટ માટે
માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. સંભવત: આવતીકાલે એટલે કે તા. 9/4ના બન્ને પક્ષ 11 વોર્ડ માટે પોતાના ઉમેદવારો
જાહેર કરી દેશે અને તેની સાથે જ ચૂંટણી જંગ જીતવાના પ્રયાસો તેજ બની જશે. ભૂતકાળની
થોડી વાતો કરીએ તો નગરપાલિકાનો દરજ્જો મળ્યો તે પહેલાં બરો નગરપાલિકા તરીકે ઓળખાતી
વર્ષ 1950માં નગરપાલિકાનો દરજ્જો મળ્યો.
વર્ષ 1971-72 પછી પક્ષોની સ્થાપના થઈ. શરૂઆતે
કોંગ્રેસની સરકાર હોવાથી તેના ઉમેદવારોનો દબદબો રહ્યો હતો. જો કે, વર્ષ 1985માં ભાજપે વંટોળરૂપે સત્તા
કબજે કરી. જો કે આ સમયગાળા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ સામે નાગરિક સમિતિ નામે એક ગ્રુપ
સક્રિય થયું અને ત્રણેક વોર્ડમાંથી ચૂંટણી પણ લડયા. ભાજપના શાસનની શરૂઆત બાદ લાંબા સમય સુધી
વોર્ડ 1,2,3 કોંગ્રેસના લેખાતા ગઢનો તોડવો
ભાજપ માટે મુશ્કેલ કાર્ય હતું પરંતુ વર્ષ 2015માં ભાજપે મજબૂત ઉમેદવાર કાસમભા (ધાલાભા) કુંભારને ચૂંટણી જંગમાં
ઉતાર્યા પરંતુ તેને પણ હારનો સામનો કરવો પડયો. જો કે, વર્ષ 2017માં વોર્ડ નં. 2ના ઉમેદવાર સુલેમાન હિંગોરજાએ રાજીનામું
આપ્યું અને પેટા ચૂંટણી યોજાઈ, ભાજપે
ફરી કાસમભાઈ પર વિશ્વાસ મૂક્યો અને તેમને ટિકિટ આપી. આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાયો જેમાં ભાજપને જીત મળવા સાથે
કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું. ત્યારબાદ તો ભાજપના વિકાસના નારાથી ઊઠેલા વંટોળે વર્ષ
2003માં વોર્ડ નંબર 3ની ચારેચાર બેઠક ભાજપે આંચકી લીધી અને કાસમભાઈ
સાથે કિરણ ગોરી, રીટાબેન ભાંડેલ,
શેરબાનુબેન સમા નગરસેવક વિજેતા જાહેર થયા.વર્ષ 2021માં વોર્ડ નં.2માં પણ ભાજપે કોંગ્રેસનો એક કાંગરો ખેરવી એક બેઠક કબજે કરી. જો કે, કોંગ્રેસે પણ વોર્ડ નં.10માં ભાજપને મહાત આપી એક બેઠક પર પંજો લહેરાવ્યો.
આમ ભાજપના શાસન અને વિકાસના નારા વચ્ચે પણ વર્ષ 2021ની ચૂંટણીમાં વોર્ડ નં.1માં ચાર બેઠક, વોર્ડ નં.2માં ત્રણ
બેઠક અને વોર્ડ નં. 10માં એક બેઠક
પર પંજાનું આધિપત્ય રહ્યું. હવે, આગામી
દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસ પોતાની પકડ કેટલી મજબૂત રાખી
શકે છે તેના પર મીટ મંડાઈ છે.