ભુજ, તા. 8 : કેરળના ચૂંટણી પ્રચાર દરમ્યાન
રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો અભણ હોવાથી
ત્યાં ભાજપને મત મળે છે, પરંતુ કેરળના
લોકો ભણેલા-હોશિયાર હોવાનું જણાવતાં આના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ભાજપ દ્વારા તેનો
ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતના ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ
છાંગાએ આ અંગે આજે જણાવ્યું હતું કે, બરોડાની એક યુનિવર્સિટીમાં
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ 42 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે
છે એટલે ગુજરાતમાં અશિક્ષિત-અભણ લોકો હોય અને અવ્યવસ્થા હોય તો બહારના દેશના છાત્રો
અહીં કેમ અભ્યાસ કરવા આવે તેવું માર્મિક રીતે હસતાં-હસતાં જણાવી ગુજરાતીઓ અભણ-અશિક્ષિત
હોવની વાત તદ્દન વાહિયાત હોવાનું જણાવી ગુજરાતમાં શિક્ષણ અને આર્થિકની સાથે-સાથે સાર્વત્રિક
પરિસ્થિતિ પણ સારી હોવાનું જણાવી કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની માનસિકતા અંગેના ઉદાહરણો ત્રિકમભાઇ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત
સહપ્રવકતા કચ્છી એવા મનજીભાઇ આહીર અને જિલ્લા
ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે પત્રકાર પરિષદમાં ટાંકયા હતા. આ પૂર્વે કચ્છ ભાજપ દ્વારા
ખડગેનાં નિવેદન અંગે વિરોધ પ્રદર્શન અર્થે
જયુબિલી સર્કલ પાસે ધરણાં યોજ્યાં હતાં.જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇએ પણ ગુજરાતમાં
આ મુદ્દે આક્રોશ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે,
વર્ષોથી મૂળ કોંગ્રેસના ગોત્રમાં જ ગુજરાતી પ્ર્રત્યેની નફરત અને દ્વેષભાવ
છે, સરદાર વલ્લભભાઇ પટેલને જે સન્માન મળવું જોઇએ એ પણ તેમણે આપ્યું
નથી. વર્ષોથી નર્મદા બંધ કામ અટકાવવા, ગુજરાતના વિકાસની વાત હોય
તે અટકાવાનું કામ જે-તે વખતની કોંગ્રેસ સરકારે કર્યું છે. ગુજરાતના લોકો સાલસ,
સંસ્કારી સમગ્ર ભારત ઉપરાંત આખી દુનિયામાં વસે છે. તેના સંસ્કારની વાત
ગૌરવની બાબત છે ત્યારે કોંગ્રેસના સર્વોચ્ય પદાધિકારી દ્વારા ગુજરાતના લોકો માટે આવા
છીછરા શબ્દો વાપરી કોંગ્રેસે તેની હંમેશ મુજબની માનસિકતા છતી કરી છે. વિશ્વભરમાં જેમનું
નામ છે, આખા વિશ્વની સુખ અને શાંતિ માટે સમર્પણ કર્યું છે એવા
આ ગુજરાતના સંતાનોને અજ્ઞાની અને મૂર્ખ કહ્યા છે એ અત્યંત શરમજનક છે. આ કોંગ્રેસ પક્ષના
અધ્યક્ષ જ બોલી શકે બીજું કોઈ જ ન બોલી શકે, આ કોંગ્રેસ પક્ષમાં
દેશનો આત્મા જ નથી તેવું ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સહપ્રવકતા મનજીભાઈ આહીરે જણાવ્યું
હતું. ભાજપની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપરોક્ત અગ્રણીઓ ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી
હિતેશ ખંડોર, જિ. ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી,
સહઈન્ચાર્જ ચેતન કતિરા, સંજયભાઈ મહેશ્વરી ઉપસ્થિત
રહ્યા હતા, જ્યારે ધરણાં પ્રદર્શનમાં જિલ્લા ભાજપના વિવિધ પાંખના
હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.