ભુજ, તા. 31 : 2025-26ના નાણાંકીય વર્ષની હિસાબ કિતાબની
કામગીરીનો ધમધમાટ હવે પૂર્ણ થયો છે. ભુજ સ્થિત જિલ્લાની મુખ્ય અને 9 પેટા તિજોરી કચેરી દ્વારા આ નાણાકીય વર્ષ
દરમ્યાન 8951 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું
છે, જે ગયા વર્ષની સરખામણીએ 451 કરોડ વધુ છે. જિલ્લા તિજોરી
કચેરીમાં માર્ચ એન્ડિંગની કામગીરીને લઇ હિસાબી વર્ષના અંતિમ દિવસે હિસાબી કાર્યનો ધમધમાટ
મોડેક સુધી જારી જોવા મળ્યો હતો. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર મુખ્ય જિલ્લા તિજોરી કચેરી ખાતે 27995 અને 9 પેટા તિજોરી કચેરીમાં 15338 મળી 43,333 બિલ પેટે 8951 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું
છે. એકલા માર્ચ મહિનાની વાત કરીએ તો જિલ્લાની મુખ્ય અને પેટા તિજોરી કચેરીમાં 5936 બિલ પેટે 830 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું
છે. ગયા વર્ષે ચૂકવણા થયેલા બિલની સંખ્યા 44210 હતી. આ વખતે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ગત વર્ષે 8500 કરોડનું કુલ્લ ચૂકવણું કરાયું
તેમાં આ વર્ષે નોંધનીય ગણી શકાય તેવો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષથી ચૂકવણામાં
જોવા મળતો વધારાનો ક્રમ આ વર્ષેય જળવાયેલો જોવા મળ્યો હતો. જિલ્લાની મુખ્ય અને પેટા
તિજોરી કચેરી ઉપરાંત બેન્કો અને અન્ય સંલગ્ન સંસ્થાઓમાં હિસાબ-કિતાબની કામગીરીનો ધમધમાટ
હિસાબી વર્ષના અંતિમ દિવસે પરાકાષ્ટાએ પહોંચેલો જોવા મળ્યો હતો. તિજોરી કચેરી દ્વારા
કરાયેલા ચૂકવણામાં કચેરીમાં રજૂ થયેલાં બિલો ગ્રાન્ટ ચૂકવણી, ટીસી અને એલ.સી. સહિતના નાણાકીય વ્યવહારોને
આવરી લેવાયા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં પણ તિજોરી કચેરી તેમજ અન્ય સંલગ્ન કચેરીઓ
દ્વારા કરાયેલા ચૂકવણામાં ઇ-પેમેન્ટનું પ્રમાણ વધેલું જોવા મળ્યું હતું. છેલ્લા બે
વર્ષ દરમ્યાન કુલ્લ થયેલા ચૂકવણામાં 85થી 90 ટકા હિસ્સો
ઓનલાઇન ચૂકવણાનો હતો. વર્તમાન નાણકીય વર્ષમાં પણ ઓનલાઇન ચૂકવણાનો ભાગ 90 ટકા આસપાસ રહેવા પામ્યો હોવાનું
સત્તાવાર રીતે અપાયેલા આંકડામાં જણાવાયું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક સ્વરાજ્ય
ચૂંટણીની ગતિવિધિના કારણે ચૂકવણાના આંકમાં વધારો જોવા મળ્યાનો સૂર નિષ્ણાતો દ્વારા
વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાવીર જયંતીની રજા હોવા છતાં હિસાબી વર્ષના
અંતિમ દિવસના ઉપલક્ષમાં ખાસ કિસ્સામાં તિજોરી કચેરી અને સંબંધિત બેન્કોની કામગીરી ખાસ
કિસ્સામાં ચાલુ રાખવામાં આવી હતી.