• બુધવાર, 01 એપ્રિલ, 2026

કચ્છીઓને રૂા. 970 કરોડનો જબ્બર ઝટકો !

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 31 :  યુદ્ધ ભલે અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે થતું હોય પણ તેની અગનજ્વાળાઓ કચ્છના રોકાણકારોની મૂડીને પણ ખાખ કરી રહી છે. મધ્ય-પૂર્વની લડાઇને લીધે અને ખાસ તો દુનિયાભરમાં સર્જાયેલા તેલસંકટને પગલે ભારતની શેરબજાર કડડડભૂસ થઇ ગઇ છે અને મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પણ જેમાં નોંધપાત્ર રોકાણ કરે છે એ મ્યુચ્યુઅલ ફંડના અલગ-અલગ ઇન્ડેકસમાં પણ સરેરાશ આઠથી દસ ટકાનો મોટો ઘટાડો થતાં એક મહિનામાં મ્યચ્યુઅલ ફંડમાં જ કચ્છીઓની લગભગ રૂા. 970 કરોડની  મૂડી સફાચટ થઇ ગઇ છે તો શેર બજારના ટ્રેડિંગ કરનારાઓને થયેલી નુકસાનીનો આંક તો તેનાથીય વધુ હોવાની શક્યતા છે. અલબત્ત, જેમની પાસે નાણાં છે તેમણે તો રોકાણની તક ઝડપી લઇને શેરો-મ્યુચ્યુઅલ ફંડમાં નીચી સપાટીએ સારું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી લીધું છે. - જાન્યુઆરી મહિના સુધી જ કચ્છમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ : અંડર મેનેજમેન્ટ (એયુએમ) એટલે કે કુલ્લ રોકાણ મૂલ્ય રૂા. 10200 કરોડને પાર કરી ગયું હતું. ફેબ્રુઆરીમાં ઓર વધારો થયો હતો, પણ 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતાં જ ભારતની શેરબજારમાં મંદીનું એવું માતમ સર્જાયું છે કે રોકાણકારો રાતેપાણીએ રડયા છે. શેરોમાં અને મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડમાં સપ્ટેમ્બર 2024 પૂર્વેની સપાટી આવી ગઇ છે અને લોકોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે, શેરબજારમાં ઇન્ટ્રા-ડેના સોદા અને ડબ્બા ટ્રેડિંગમાં પણ વિપરિત અસર જોવા મળી છે. જો કે, રોજિંદા સોદા કરનારાઓનો મોટો વર્ગ તેજી અને મંદી બને તરફ રમતો હોય છે એટલે સ્માર્ટ રોકાણકારોએ ફાયદો પણ મેળવ્યો હશે. - ચાંદીના ભાવ ઓર વધશે એમ માનીને ખરીદી કરનારા સલવાયા : દિવાળી બાદથી સોનાં-ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારે સૌને હતું કે, ભાવ ઓર ભડકશે, પણ થયું તેનાથી ઊલટું અને સોનાં-ચાંદીની કિંમતો ઘટવા લાગી, બેશક ડોલર મજબૂત થવાનું પણ એક કારણ હતું પણ ચાંદીની કિંમત ચાર લાખમાંથી ઘટીને ત્રણ લાખની આસપાસ હતી અને પછી યુદ્ધ શરૂ થયું ત્યારે  ઘણા લોકોએ ચાંદીના ભાવ વધશે એમ માનીને ખરીદી કરી હતી, પણ કિંમતો ઓર વધી જતાં સટ્ટાકીય ખરીદી કરનારા ઘણા લોકો ભીંસમાંય મુકાઈ ગયા હતા. ભુજમાં પણ 50 લાખથી બે કરોડ ચાંદીમાં રોક્યા બાદ કેટલાક લોકો અટવાઈ ગયાના કિસ્સા બન્યા છે. - મધ્યમવર્ગ પૈકી ઘણાએ એસ.આઈ.પી. બંધ કરી : કચ્છમાં પણ શેરો અને મ્યુચ્યુઅલ ફંડમાં ભયાનક કડાકાને પગલે રોકાણકારો પૈકી એક વર્ગ (જેમાં મોટે ભાગે મધ્યમવર્ગ સામેલ છે) એસ.આઈ.પી. પણ અટકાવી દીધી હતી. કચ્છમાં જાન્યુઆરી સુધી એસ.આઈ.પી.નો આંક લગભગ 93 કરોડ થઈ ગયો હતો પણ સતત મંદીને લીધે ડગમગી ગયેલા લોકોએ લમ્પસમ રોકાણ બંધ કર્યા હતા. તો એસઆઈપી પર પણ બ્રેક મારી હતી. ઘટાડાના શરૂઆતી દોરમાં ઈન્વેસ્ટમેન્ટના સલાહકારો નીચી સપાટીએ રોકાણની સલાહ આપતા હતા પણ દેશની શેરબજારની અવદશા સતત જારી રહેતાં અત્યારે બધા વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. હા, એસઆઈપી બંધ કરવી જોઈએ નહીં એવી સલાહ જરૂર નિષ્ણાતો આપી રહ્યા છે. ઘટાડાના સમયે બજારમાંથી નીકળી જવું એટલે વધુ નુકસાનનો સોદો. - કડાકાઓની કારમી કહાણી : ફેબ્રુઆરી સુધી દેશમાં લાર્જ કંપની માર્કેટ કેપ રૂા. 4.12 લાખ કરોડ, મિડકેપની રૂા. 4.63 લાખ કરોડ અને સ્મોલ કેપની રૂા. 3.63 લાખ કરોડ છે. તાજેતરના ઘટાડાના દોરમાં લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં એકંદરે 9.7 ટકાનો, લાર્જ કેપ એનએસઈ (નિફટી 100)માં 9.9 ટકાનો, બીએસઈ 100માં 9.8 ટકાનો, મિડકેપમાં 8.8 ટકાનો, નિફ્ટી મિડકેપમાં  9 ટકાનો, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં 7.9 ટકાનો, સ્મોલ કેપ નિફટીમાં 8 ટકાનો, બીએસઈ 500માં 9.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. સેન્સેકસ 27મી ફેબ્રુઆરીએ 82246 પોઈન્ટની આસપાસ હતો. હાલ લગભગ 71940ની આસપાસ છે. નિફટી 25476 હતો અત્યારે લગભગ 22330ની આસપાસ છે. મોંઘવારી વધવાના અને વ્યાજદરોની સાઈકલ ખોરવાઈ જવાના ભયે સરકારી બેન્કોના સૂચકાંક સૌથી વધુ 17 ટકા જેટલા તૂટયા છે. ફાર્મા કંપનીના ઈન્ડેક્સ વધુ તૂટયા નથી. 

Panchang

dd