અંજાર, તા. 22 : રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના
સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે સજ્જ છે. વિકાસકાર્યોમાં કોઈ પણ પ્રકારની અધૂરાશને
અવકાશ નથી તેવો સ્પષ્ટ મત ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી
અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ આજે
અંજાર ધારાસભ્ય કાર્યાલય મધ્યે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટમાં કચ્છ માટે
અનેક મહત્ત્વાકાંક્ષી જોગવાઈઓની માહિતી આપવા
યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. રાજ્ય સરકારે માત્ર શિક્ષણ માટે 63 હજાર કરોડથી વધુની માતબર રકમની
જોગવાઈ કરી છે. જે સરકારનો શિક્ષણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ દર્શાવે છે. કચ્છના ગઢશીશા
અને અંજાર ખાતે નવી સરકારી કોલેજોની ફાળવણી થતા શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે અને
સ્થાનિક વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની સગવડ પ્રાપ્ત થશે વધુમાં શ્રી છાંગાએ
જણાવ્યું હતું કે, અંજારની સરકારી વાણિજ્ય અને વિનયન
કોલેજને આગામી વર્ષમાં અપગ્રેડ કરી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે. અંજાર-વીડી રોડ પર નંદીશાળા પાસે
પોલીટેકનિક અને સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા
અંતિમ તબક્કે છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં
આવશે. કચ્છમાં ખેતી ક્ષેત્રે અનેક પ્રકારની વિપુલ તકો રહેલી ત્યારે અંજાર સિનોગ્રામાં કૃષિ કોલેજ (ડિગ્રી કોલેજ) શરૂ
થવાથી કૃષિ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને નોંધપાત્ર ફાયદો થશે. કૃષિ કોલેજ
માટે 55 એકર જેટલી જમીન ફાળવવામાં આવી
છે. જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ક્ષેત્રે વાસ્તવિક પ્રયોગ હાથ ધરી અને અવનવા પ્રયોગો હાથ
ધરવામાં આવશે. શિક્ષકોની ઘટ અંગે તેમણે જણાવ્યું કે,
મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે અને ખાસ ભરતી માટે પણ રાજ્ય સરકાર પાસેથી
મંજૂરી મેળવવામાં આવી છે. વહીવટી સરળતા માટે અંજારમાં આગામી સમયમાં નવી ડી.આઈ.એલ.આર.
કચેરી અને માહિતી ખાતાની કચેરી શરૂ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અંજાર વિસ્તારમાં
થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામોની વિગતો આપતા શ્રી છાંગાએ જણાવ્યુ હતું કે,
પૂર્વ કચ્છ માટે અલગ કચેરી (જીજે-39), રૂા. 111 કરોડના ખર્ચે નાગલપર-સાપેડા
બાયપાસ, રૂા. 43 કરોડના ખર્ચે ચાર માર્ગીય આઇકોનિક
રોડ, રૂા. 25 કરોડના ખર્ચે અદ્યતન સબ ડિસ્ટ્રીક્ટ
હોસ્પિટલ, રૂા. 10 કરોડના ખર્ચે વરસામેડી અંડરબ્રિજ, રૂા. 26 કરોડના ખર્ચે નવી ગટર લાઇન, રૂા. 9 કરોડના ખર્ચે નવી મામલતદાર કચેરી, તોલમાપ કચેરી અને શ્રમ કચેરી, ગોવર્ધન પર્વતના વિકાસ માટે રૂા. 19 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી અંજાર પંથકનો સર્વાંગી વિકાસ થશે અને સ્થાનિક રોજગારીને મજબૂત બળ મળશે. આઝાદી
બાદ અપૂરતી રોજગારી કારણે કચ્છના 50થી વધુ ગામો ઉજ્જડ બન્યા હતા,
તે આજે વર્તમાન રાજ્ય સરકારના `ગ્રામ્ય વિકાસ'ના વિશેષ આયોજનને કારણે વિકાસથી ધમધમી રહ્યા
છે. 64 વર્ષ બાદ અંજારને પ્રથમ સરકારી
કેલેજ ફાળવવામાં આવતાં અંજાર શહેર અને આજુબાજુના
64થી વધુ ગામડાઓના છાત્રોને સ્થાનિકે જ ઉચ્ચ
અને ગુણવત્તાસભર શિક્ષણને લાભ મળશે તેવી વિગતો
પણ અપાઈ હતી. અંજારમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં કાર્યરત સરકારી વાણિજ્ય અને વિનયન
કોલેજના રૂમોના નવીનીકરણ માટે ધારાસભ્ય દ્વારા
પોતાની ગ્રાન્ટમાંથી મદદ કરવામાં આવી હતી.
તદુપરાંત કંડલા ટિમ્બર એસોસીએશન, રત્નામણિ
પ્રા.લિ., ભારત વિકાસ પરિષદ સહિતની વિવિધ સંસ્થાઓએ લોકભાગીદારી અંતર્ગત આર્થિક સહયોગ આપ્યો હતો,
જે બદલ પણ આજે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદમાં સુધરાઈ
પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક,
શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી ક્રિપાલસિંહ
રાણા, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહીર, રૂપાભાઈ રબારી, જિલ્લા પંચાયતના સભ્ય મ્યાઝરભાઈ છાંગા,
અંજાર ખરીદ-વેચાણ સંઘના ચેરમેન
દુદાભાઈ બરાડિયા, સુધરાઈના કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા,
શાસકપક્ષના નેતા નીલેશ ગોસ્વામી, પૂર્વ શહેર પ્રમુખ
ડેની શાહ, પાલિકાના નગરસેવકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.