ભુજ, તા. 22 : હિસાબી વર્ષનો અંતિમ મહિનો
હવે નજીક આવી રહ્યો છે, ત્યારે મોટાભાગનાં
તંત્રો બાકી લેણું વસૂલવા અને લક્ષ્યાંક પૂર્તિમાં ઓતપ્રોત જોવા મળી રહ્યા છે. પીજીવીસીએલ
ભુજ વર્તુળ કચેરી હેઠળ 68.65 કરોડનું બાકી
વીજલેણું વસૂલવા માટે વીજતંત્રે કડક બની ધોકો પછાડયો છે. બાકી વીજલેણાંધારકોનાં જોડાણ
કાપવા માટે ભુજ વર્તુળ કચેરી હેઠળની 20 પેટા વિભાગીય કચેરીમાં મેગા ડિસકનેક્શન ડ્રાઇવનું બુધવાર 25 ફેબ્રુઆરીનાં આયોજન કરાયું
છે. પીજીવીસીએલ પ્રશાસને ઉપભોક્તાઓને અપીલ કરી છે કે, તેઓ બાકી રહેતું વીજલેણું ભરી નાખે અન્યથા આ
ઝુંબેશમાં તેમનાં જોડાણ કાપી નાખવામાં આવશે.
આ મહાઝુંબેશમાં વાણિજ્ય, ઔદ્યોગિક, રહેણાક
અને ખેતીવાડી સહિતનાં વીજજોડાણને આવરી લેવામાં આવશે. વીજતંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર
પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વિગેરે
વીજજોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડિસકનેક્શન ડ્રાઈવમાં
આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજબિલનાં
લેણાં ધરાવતા વીજગ્રાહકોનાં જોડાણનો પુરવઠો સ્થળ પર જ કાપવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન
સ્થળ ઉપર કોઈ પણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી
ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100 ટકા લેણાંની રકમ ભરપાઈ કરવાની
રહેશે. સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રિ-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી રજૂ કરવાના
રહેશે. બાકી લેણાંની રકમમાં અધૂરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાંની
પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજજોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજાબિલનાં
બાકીનાં નાણાંની વસૂલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન
કરાયું છે. બાકી વીજાબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા અપલી કરાઈ છે કે, વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજબિલનાં
લેણાંની રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા
ભરપાઈ કરી દે.