નલિયા, તા 22 : ગુજરાત રાજ્યના પોલીસવડા (ડીજીપી)
કે.એન.એલ. રાવે રવિવારે સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ
કર્યું હતું. રવિવારની વહેલી સવારે રાજ્યના પોલીસવડા અબડાસા તાલુકાના છેવાડે આવેલા
અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના એવા લુણા ટાપુ પર બોટ મારફતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની અસ્મિતાના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ
લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. લુણા ટાપુ પર રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પોલીસવડાએ
ત્યાં ઉપસ્થિત સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ
બેઠકમાં ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી રોકવા માટે
કોસ્ટલ સિક્યુરિટી (દરિયાઈ સુરક્ષા) બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉચ્ચસ્તરીય માટિંગમાં આઈજીપી ચિરાગ કોરડિયા, બીએસએફના સેકન્ડ
કમાન્ડન્ટ છત્રપતિ, સ્ક્વોડ્રન લીડર અભિષેક ગાંગુલી તેમજ કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કચ્છ પશ્ચિમના એસ.પી.
વિકાસ સુંડા ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે પોલીસવડાએ વિવિધ એજન્સીઓ
વચ્ચેનાં સંકલન અને સુરક્ષા સજ્જતા અંગે મંથન કર્યું હતું. ટાપુની મુલાકાત પૂર્ણ કર્યા
બાદ રાજ્યના પોલીસવડાએ જખૌ બંદર સ્થિત કોસ્ટગાર્ડ મથકની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ
નલિયા એરફોર્સ સ્ટેશન પહોંચીને સંરક્ષણ પાંખની કામગીરી અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા
કરી હતી. સત્તાવાર મુલાકાતો અને સુરક્ષા સમીક્ષાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મોડી
સાંજે તેમણે સહપરિવાર પિંગલેશ્વર મહાદેવ મંદિરે
પહોંચીને દર્શન કર્યાં હતાં. અહીં પોલીસવડાએ તેમના ધર્મપત્ની સાથે શિવાલિંગની
શાસ્ત્રોક્તવિધિ મુજબ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યના પોલીસવડાના આ
પ્રવાસ દરમિયાન સમગ્ર સમયગાળામાં ડીવાય.એસ.પી. બી.બી. ભગોરા, નલિયા પીઆઈ વી.એમ. ઝાલા, જખૌ મરીનના પીઆઈ એચ.એમ. વાઘેલા,
કોઠારાના પી.કે. રાડા સહિત એલસીબી અને એસઓજી પોલીસ સ્ટાફના જવાનો સુરક્ષા
વ્યવસ્થા અને સંચાલનમાં જોડાયા હતા. સુરક્ષાના દૃષ્ટિકોણથી રાજ્યના પોલીસવડાની આ સરહદી
મુલાકાત અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.