• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

પ્રોજેક્ટ રોશની જેવાં આયોજનો તંદુરસ્ત સમાજ માટે મહત્ત્વના

ભુજ, તા. 22 : માનવસેવા એ જ પ્રભુ સેવા છે એવી ભાવના પ્રતિપાદિત કરતા દાતાઓના સહયોગથી તંદુરસ્ત-પ્રગતીશીલ સમાજ નિર્માણ માટે ન માત્ર કચ્છ પણ સમગ્ર ગુજરાત માટે સારા અને ઉત્તમ લેન્સ સાથેના પ્રોજેકટ રોશનીના ત્રેવીસમાં મણકામાં કચ્છમિત્ર અને કચ્છી લેવા પટેલ સમાજ આયોજિત સેવાપર્વની ઉજવણી  અંતર્ગત આયોજિત નેત્રયજ્ઞમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગાએ કેમ્પનો પ્રારંભ કરાવતાં પહેલું સુખ તે જાતે નર્યાનો સૂર વ્યક્ત કર્યો હતો. 2001થી અનેક સેવા કેમ્પ યોજી નિ:શુલ્ક સારવારમાં આહુતિ આપનાર ભુજની માતૃશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા રજત જયંતી ઉજવણીના ભાગરૂપે નેત્રરોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ કેમ્પ યોજાયો હતો. આ અવસરે રાજ્યમંત્રી શ્રી છાંગાએ તંદુરસ્ત સમાજ નિર્માણની ભાવના વ્યક્ત કરી હતી. વડીલો રાજી તેના પર કુદરત રાજી તેમ જણાવતાં તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખપદેથી 100 વર્ષથી મોટી ઉંમરના વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હોવાના સંસ્મરણો વાગોળ્યા હતા. લેવા પટેલ દ્વારા માત્ર માનવસેવા નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે સેવાકાર્યોમાં ઓતપ્રોત છે, જેની સાથે લોકોનો વિશ્વાસ વધ્યો છે તેમ તેમ અપેક્ષા  પણ વધી છે. જેટલી સેવા વધે તેટલી અપેક્ષા વધે તેમ જણાવી પશુઓના મોતિયા ઉતારવાના ઓપરેશન પણ આ રાજ્યમાં કરાઇ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. ત્રિકમભાઈએ 34 વર્ષ સંસ્થા સાથે કાર્ય કર્યું તેનો ગર્વ વ્યક્ત કર્યો હતો અને નિષ્ઠા, ચીવટ, કાળજી તેમજ મહેનત બધું ભેગું થાય ત્યારે આવા કાર્યો સફળ થાય છે. 100 ટકા સફળતા સાથે બધા જ ઓપરેશન સફળ થયાં છે, તેથી દર્દીઓ નિશ્ચિત હોય છે. `સર્વિસ ટુ મેન કાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ' આ સૂત્રને પ્રતિપાદિત કરાયું છે. ટ્રસ્ટીઓ, આગેવાનો, સ્વયંસેવકો, દાતાઓ, વ્યવસ્થાપકોના સહયોગને બિરદાવ્યો હતો. આ અવસરે કચ્છમાં ત્રણ નવી કોલેજ સાથે કચ્છના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ જાહેર કરવા બદલ 41 ગામની સહીવાળો આભારપત્ર શ્રી છાંગાને અર્પણ કરાયો હતો. ટ્રસ્ટી અરજણભાઇ પિંડોરિયા પ્રાસંગિક ઉદ્બોધનમાં 2001થી સેવાને વરેલી આ સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે જ્ઞાતિલક્ષી કાર્ય સાથેસાથે કચ્છના લોકોને મેડિકલ ક્ષેત્રે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આપેલ ફાળાની રૂપરેખા  જણાવી હતી. હોસ્પિટલમાં  ફુલફ્લેજ્ડ ફિઝિયોથેરાપી, ગાયનેક, આંખ, ડાયાલિસીસ, ઇમરજન્સી સહિતના 14 ડિપાર્ટમેન્ટની સેવાઓ અંગે માહિતી આપી હતી. આગામી સમયમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો. કચ્છમિત્રના મેનેજર મુકેશભાઇ ધોળકિયાએ આ પ્રસંગે કચ્છમિત્ર સમાજ સેવાકાર્યમાં દરેકની સાથે રહે છે તેમ જણાવતાં  રોશની પ્રોજેક્ટ સમાજ ઉપયોગી સેવાકાર્ય ફકત દર્દીને જ નહીં, પણ સમાજને પણ દૃષ્ટિ આપે છે તેમ જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલોમાં જે નેત્ર સર્જરી અંદાજિત 25 હજારમાં કરાય છે એ લેખે 2556 જેટલી શત્રક્રિયા 6 કરોડથી વધુની થઇ છે તે સામે દાતાઓ પાસે કેમ્પદીઠ પાંચ લાખ લેખે 23 કેમ્પના 1.15 કરોડ જેટલું દાન લેવાયું છે, જે ટ્રસ્ટનું દર્દીઓ પરત્વેનું ઔદાર્ય સૂચવે છે એવું ટ્રસ્ટના  સભ્ય વસંત પટેલે જણાવ્યું હતું. દાતા નાનજીભાઈ પિંડોરિયા પરિવાર - અવિરત સેવાઓની સરવાણી વહાવે છે. દર માસે યોજાતા કેમ્પમાં દાતા ન મળે તો નાનજીભાઈ દાતા બનવાની પહેલ કરતા હોય છે. દાતા પરિવારના નનિતાબેન ઈશ્વરભાઈ પિંડોરિયા, નીતાબેન કિશોરભાઈ પિંડોરિયા, હેમાક્ષીબેન પિંડોરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. નાનજીભાઈની દિલેરીને બિરદાવાઈ હતી. દર્દીઓને શ્રેષ્ઠ આપવાની નેમ સાથે સુપ્રાફોલ લેન્સ જેવા ઉત્તમ ઓપરેશન તદ્દન નિ:શુલ્ક કરી અપાય છે. આ પ્રસંગે ઉપસ્થિત ડો. સંજય પંડયા જેમનું કિડની બચાવો પુસ્તક કિડની જાગૃતિને આભરી છે તે બદલ સન્માન કરાયું હતું. લોહાણા સમાજ અગ્રણી ધીરજભાઈ ઠક્કરનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં લાલજીભાઈ હીરાણી, તારાબેન હીરાણી, ઈશ્વરભાઈ પિંડોરિયા, ધનસુખભાઈ સિયાણી, મંત્રી મનજીભાઈ, ગોપાલભાઈ વેકરિયા, વિજયભાઈ ગોરસિયા, કેશરાભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, ટ્રસ્ટી કિશોરભાઈ વેકરિયા, કિશોરભાઈ પિંડોરિયા, વિનોદભાઈ પિંડોરિયા, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા, કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ પ્રમુખ દેવેન્દ્ર વાઘજિયાણી, હરીશભાઈ ખેતાણી, મુક્તજીવન મહિલા કોલેજ ટ્રસ્ટી નરેન્દ્ર વાઘજિયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી લેવા પટેલ મેડિકલ અને એજ્યુ. ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયાના જન્મદિવસ નિમિત્તે અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ શુભેચ્છા પાઠવી હતી. 

Panchang

dd