• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ભારતને વિકસિત બનાવવા જ્ઞાન અને ટેક્નોલોજીનો સમન્વય જરૂરી

ગાંધીધામ, તા. 16 : શિક્ષણનગરી આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે  તાજેતરમાં વિકસિત ભારત-2047માં લાઈફ સાયન્સની ભૂમિકા વિષય ઉપર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે દિવસ દરમ્યાન વિવિધ પાસાઓ ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં લાઈફ સાયન્સની નવ અલગ-અલગ થીમ ઉપર વિવિધ વિષયો માટે ગુજરાત, ભારત અને વિશ્વના અન્ય દેશોમાંથી રિસર્ચ પેપરને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નોલેજ કોન્સોર્શિયમ ગુજરાત અને  રાજ્ય સરકારના સહયોગથી આયોજન થયું હતું. રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. ઉદઘાટન સત્રમાં કચ્છ યુનિવર્સિટી કુલપતિ ડો. મોહન પટેલે આ પ્રકારના કાર્યક્રમના આયોજનની જરૂરિયાત અને તેના દ્વારા ભારતના સંભવિત વિકાસ ઉપર પ્રકાશ પાડયો હતો. ઇફકોના જનરલ મેનેજર અનિરુદ્ધ વિક્રમે ઈફ્કો દ્વારા એગ્રીકલ્ચર ક્ષેત્રે થતા કાર્યક્રમોની નિમકોટેડ યુરિયા તથા નેનો-યુરિયાના ઉલ્લેખ સાથે માહિતી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના તેજાભાઈ કાનગડે વિકસિત ભારત માટે ગ્રીન ટેક્નોલોજી અને ક્લીન ટેક્નોલોજી તથા શિક્ષણ, રિસર્ચ અને ઇન્ડસ્ટ્રીના સમન્વયની જરૂરિયાતની અગત્યતા જણાવી હતી. બોટનીકલ એડવાન્સ એસોસીએશન ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર પટેલે કોન્ફરન્સના આયોજન અને તેની જરૂરિયાત વિશેની વાત કરી હતી. પ્રથમ દિવસે રશિયાથી સધર ફેડરલ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક અને ઇન્ટરનેશનલ લેબ ઓફ નેનો બાયોટેક્નોલોજીના હેડ ડો. વિષ્ણુ રાજપૂતે માઈક્રોબિયર કોન્ફોર્શિયમ, રાઈઝોસ ફેરિક બેક્ટેરિયા, બાયો એન્જિનીયારિંગ, નેનો મટીરીયલ, બાયોચાર અને ઓમીક ટેક્નોલોજી અને નેનો બાયોટેક્નોલોજીના પ્રદૂષણમુક્ત પર્યાવરણ મિત્ર વિશે માહિતી આપી હતી. ઓછી કિંમતે મળનાર બાયો ચાર અને તેમાં થતા સંશોધનો અને તેની કૃષિ ક્ષેત્રે અગત્યતા અંગે જાણકારી આપી હતી. બીજા સત્રમાં રિસોર્સ પર્સન ડો. ભૂપેન્દ્રાસિંહ જાડેજાએ લાઈફ સાયન્સના વિવિધ ક્ષેત્રમાં થતા સંશોધનો તેની અગત્યતા પર પ્રકાશ પાડયો હતો. 650 જેટલી પ્રતિભાઓએ સંશોધન કાર્ય ઓરલ અને પોસ્ટર દ્વારા રજૂ કર્યું હતું. આઈક્યુએસી ડિરેક્ટર ડો. કલ્પેશ ડી. સોરઠિયાએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકોને નવા દિશાસૂચન મળ્યા છે. આ વ્યાખ્યાનથી યુવા સંશોધકોને વર્ષ 2047માં ભારતને વિકસિત દેશ બનાવવા પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયની જરૂર છે અને નેનો નોમેડિસિન, નેનો યુરિયા તથા અન્ય નેનો ફર્ટિલાઇઝર્સ અને લાઇફ સાયન્સિસ ક્ષેત્રે આંતરવિષયક અને ટકાઉ સંશોધન માટે પ્રેરણા મળી  હોવાનું કહ્યું હતું. આયોજનમાં  ડો. રિતેશ ટંડેલ, પ્રો. ઉદય ભાનુશાળી, પ્રો. વિદ્યા મહેશ્વરી, ડો. પ્રતીક અંબાસણા, ડો. ગાવિંદ ખેર, ડો. હરેશ રામ, ડો. રિઝવાન ઘૂમરા, ડો. મિતેષ પટેલ, ડો. દિનેશ કુંડારિયા, ડો. અપર્ણા સિંઘ, ડો. નીરજ પંડયા, પ્રો. સંદીપ જાની, ડો. પ્રો. રમેશ દેશમુખ, પ્રો. મહેશ ઓઝા, ડો. રિંકુ મોદિયાની, ડો. હિતૈશી ભટ્ટ તથા વિદ્યાર્થી સ્વયંસેવકો સહયોગી બન્યા હતા.

આયુર્વેદ અને ટેક્નોલોજી અંગે નિષ્ણાતોનું મંતવ્ય

ગાંધીધામ, તા. 16 : ડો. સૌગાતા ઘોષે ઇથનો મેડિસિનલ વનસ્પતિઓમાંથી  મેળવાતી નેનો મેડિસિન વિષયના પાસાઓ રજૂ કર્યા હતાં. ખાસ કરીને ડાયોસ્કોરિયા-વારાહી કંદ અને હળદર જેવી ઔષધોમાથી સોના, ચાંદી, તાંબાં, જિંક તેમજ વિવિધ મેટલ આયન ઓક્સાઇડનો ઉપયોગ કરીને નેનો પાર્ટિકલ્સની સંશ્લેષણ પ્રક્રિયા અને તેના બાયોમેડિકલ ઉપયોગો અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કર્ક્યુમિનના વિવિધ પ્રકારના કેન્સરમાં ઉપચારાત્મક ઉપયોગ સહિત નેનોકણોના આરોગ્યક્ષેત્રે પ્રભાવ વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવ્યું હતું. આયુર્વેદિક પરંપરાગત જ્ઞાન અને આધુનિક નાનોટેક્નોલોજી વચ્ચેનો સેતુ કેવી રીતે માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી બની શકે  તે અંગે માહિતી આપી હતી. ડો. ઘોષે નેનો પાર્ટિકલ્સના સુરક્ષિત ઉપયોગ અને મેટલ ટોક્સિસિટી અંગે પણ જવાબદાર અભિગમ રજૂ કર્યો હતો. વધુ માત્રામાં ઉપયોગથી થનારા જોખમો અંગે માર્ગદર્શન આપી તેમણે વૈજ્ઞાનિક નૈતિકતા અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

લાઈફ સાયન્સના વિશ્વનાં સંશોધનથી વિદ્યાર્થીઓ વાકેફ થયા

ગાંધીધામ, તા. 16 :  ભારત દેશને 2047માં લાઈફ સાયન્સના વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે દુનિયામાં નંબર વનનું સ્થાન આપી શકાય તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. સાયન્સના વિદ્યાર્થીઓ રિસર્ચ કોલરો, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા પ્રધ્યાપકો અને ઇન્ડસ્ટ્રી સાથેનો તાલમેલ તેમની વચ્ચે સંવાદ થયો હતો તથા વિદ્યાર્થીઓને નવીન શોધો માટે પ્રોત્સાહન મળે, દુનિયાભરમાં લાઈફ શૈક્ષણિક ક્ષેત્રે ચાલતી નવી સંશોધન ટેકનિકો, નવીન સંશોધનની જાણકારીઓ તથા લાઇફ સાયન્સના ક્ષેત્રમાં નવા ચાલુ કરવાના પ્રોત્સાહન અંગેની ચર્ચાઓ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ટોચના વૈજ્ઞાનિકોનો જ્ઞાનનો લાભ અહીં એક જ જગ્યાએ મળ્યો હતો.

Panchang

dd