ભુજ, તા. 16 : એરપોર્ટ
રિંગરોડ પર તાજેતરમાં ભારે વાહન થકી બે અકસ્માતમાં બે યુવાનનાં મોત બાદ ચક્કાજામ
થતાં તંત્રે કાર્યવાહી આદરી હતી. આ વચ્ચે આજે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી
દ્વારા મહિલા આશ્રમ પાસે ચક્કાજામનું આહ્વાન કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને
તેઓની રજૂઆત સાંભળી હતી. પિડિત પરિવારના સભ્યો સાથે આજે મુસ્લિમ યુવા કોર કમિટીના
મોહસીન હિંગોરજા, હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, મહમદ લાખા, મામદ ખલીફા, ઇમરાન રાઠોડ, સહિતનાઓ
આક્રોશ સાથે ઉપસ્થિત તંત્ર અને પ્રેસ મીડિયા સામે જણાવ્યું હતું કે ભુજમાં
ટ્રાફિકની સમસ્યા શિરદર્દ છે. ટ્રાન્સપોર્ટ પ્લાનની જગ્યા નથી, શહેરના અંદર અને બહાર આડેધડ રીતે પાર્ક કરવામાં આવતાં વાહનો પર કોઇ અંકુશ
નથી, ઝુંબેશનાં નામે માત્ર ટુ વ્હીલર ચાલકોને દંડવામાં આવે
છે. એક પણ રસ્તો વનવે નથી, એક પણ માર્ગની એન્ટ્રી જાહેર
કરવામાં આવેલ નથી. પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. બજારથી કરી અને બહારના રોડ તથા
રિંગરોડ સહિતના વિસ્તારોમાં અને મોટામોટા કોમ્પ્લેક્ષો, હોસ્પિટલો
જ્યાં બની રહી છે ત્યાં પણ પાર્કિંગ માટેની જગ્યા ઉપલબ્ધ કરવામાં આવતી નથી.
પરિણામે બહાર રોડ ઉપર પાર્કિંગ કરાય છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાય છે,
આ મુદ્દો માત્ર ટ્રાફિક પોલીસ પૂરતો ન હોઈ વાહનોની અવરજવર અને
જરૂરિયાત મુજબના માર્ગો તથા તાત્કાલિક અસરથી બાયપાસનું કામ ઝડપથી પૂરું થાય અને
શહેરમાં આવતા ભારે માલવાહક વાહનો માટે કાયમી પ્રવેશબંધી કરવામાં આવે તેવી રજૂઆત
ઉપસ્થિત બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર અને જિલ્લા ટ્રાફિક વડા સમક્ષ કરવામાં આવી
હતી. જેમાં ખાસ ભુજોડીથી મિરજાપર બાયપાસ તાત્કાલિક મંજૂર કરવામાં આવે અને સમયમર્યાદા
નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે. માધાપરથી આશ્રમ ચોકડી અને હિલગાર્ડન રોડ પર
હાઇવે સાથે સર્વિસરોડ પણ બનાવવામાં આવે, તમામ ચાર રસ્તાઓ પર
જરૂરિયાત પ્રમાણે બમ્પ બનાવવામાં આવે. ફૂટપાથ અને ડિવાઇડરના બિનજરૂરી તમામ
ગેરકાયદેસર કટ બંદ કરવામાં આવે. જરૂરિયાત પ્રમાણે દિશાસૂચક નોટિસ બોર્ડ, વ્હાઇટ કલર, ઝિબ્રા, ક્રોસિંગ
સહિત રોડના કામ તાત્કાલિક પૂરા કરવામાં આવે, ડમ્પરચાલકોની
સાથે ડમ્પર માલિકો અને કંપનીઓને પણ તાકીદ કરવામાં આવે કે, તેઓ
પણ ડમ્પર ચાલકોને સૂચનો કરે. ડમ્પરના ડ્રાઇવરો પૈકી 40 ટકા
દારૂ સહિતના નશામાં હોય છે,
જેથી અકસ્માતનું જોખમ વધી જાય છે. આથી દર અઠયાડિયે તપાસ કરવામાં આવે
અને ડ્રાઇવરો પાસેથી માલિકો 24 કલાક અને તેથી પણ વધુ ડ્રાઇવિંગ
કરાવે છે. તેને પણ બંધ કરીને ડ્રાઇવિંગ માટે પણ સમયમર્યાદા નક્કી કરવામાં આવે.
આજના આ આંદોલનનાં આહ્વાનમાં વિવિધ સામાજિક,
રાજકીય આગેવાનો અને મૃતક છોકરાના પિતા રફીકભાઇ નોડે, હયાતભાઇ નોડે, સિકંદર સમેજા, ફકીરમામદ
કુંભાર, ઇમરાન નોડે, રમજુભા રાયમા,
અકરમ ગગડા, હારૂન ત્રાયા, સુલેમાન કુંભાર, ઇસ્માઇલ ઘાંચી, રફીક કુંભાર, સબીર નોડે, અકરમ
મારા, જકરિયાભાઇ સહિતના સ્થાનિકો જોડાયા હોવાનું કમિટીની
યાદીમાં જણાવાયું છે.