રાપર, તા. 16 : પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા છે, તેવા વિશ્વ ધરોહર
ધોળાવીરા ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલે મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે કચ્છની આ
વિશ્વ વિરાસતનો સારો વિકાસ થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો
હતો, તેમણે સ્થાનિક મુદ્દાઓ અંગે પણ માહિતી મેળવી હતી. સવારે
11 વાગ્યે આવી પહોંચેલા આનંદીબેન પટેલે રોડ ટુ હેવન, ધોળાવીરા સાઈટ અને
હડપ્પન મ્યુઝિયમને નિહાળ્યું હતું. તેમણે ધોળાવીરાના વિકાસ અને તેમાં ખૂટતી કડીઓ
બેન્ક, એટીએમ, વીજળી, પાણી, ખેતીવાડી, પશુપાલન,
ડેરી જેવી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી
નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસો થકી ધોળાવીરા પ્રવાસન સ્થળ તરીકે
વિશ્વભરમાં પ્રખ્યાત થઈ વિકસિત થયું હોવાનું કહ્યું હતું. તેમની સાથે પૂર્વ કચ્છ
એસપી સાગર બાગમાર, ડીવાયએસપી શ્રી રાવલ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, મામલતદાર
એમ.કે. રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ જીલુભા સોઢાએ સાથે રહી ધોળાવીરા
દર્શન કરાવ્યું હતું. આનંદીબેનના પુત્ર જયેશ પટેલ પણ જોડાયા હતા. આનંદીબેન પટેલની
ધોળાવીરાની આ બીજી મુલાકાત હોવાનું ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, 2015માં આનંદીબેન પટેલ ગુજરાતના
મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના હસ્તે ફતેહગઢ ખાતે નર્મદા કેનાલમાં નીર વહેતાં કરવામાં
આવ્યાં હતાં.