• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

આશ્ચર્યમ્... : ભુજમાં રહેણાક માટે સરકારી જમીનનો ભાવ ચો.મી.ના રૂા. 1.05 લાખ

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 16 : ધરતીકંપ બાદ ભુજ શહેરમાં ખાસ કરીને ભૂકંપગ્રસ્તોને નવેસરથી વસાવવા નવી રિલોકેશન સાઈટોનો વિકાસ થયો એટલે સ્વભાવિકે વિસ્તારમાં વધારો થયો, પરંતુ હવે તો વિકાસ એટલો થતો જાય છે કે, સામાન્ય પરિવારને પોતાનું ઘરનું ઘર બનાવવા સો ચોરસમીટર પ્લોટ લેવામાંય નાકે દમ આવી જાય છે, હદ તો હવે ત્યાં થઈ ગઈ કે, સરકારી જમીનના ભાવ એટલી હદે વધી ગયા છે કે, સરકારી રહેણાક પ્લોટનો ભાવ પ્રતિ ચો.મી. 1.05 લાખ પહોંચ્યા છે. એનો અર્થ એ થયો કે, 100 ચો.મી.નો પ્લોટ સરકારી ભાવ મુજબ 1 કરોડથી વધુ થયો. ભુજમાં રિયલ એસ્ટેટમા રોકાણ કરવું હોય તો જાણકારો એમ કહે છે કે, વિસ્તાર પ્રમાણે ભાવ બોલાય છે ને એ વાત હકીકત છે કેમ કે દરેક વિસ્તારના ખાનગી પ્લોટના ભાવ પ્રતિવાર પ્રમાણે જ્યારે સરકારી ભૂમિ પ્રતિ ચોરસમીટર પ્રમાણે બોલાય છે. ધરતીકંપ પહેલાં શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન એટલે વચ્ચેનો વિસ્તાર ગણાતો, પણ હવે જ્યુબિલી ગ્રાઉન્ડ જાણે ભુજનો મધ્યભાગ હોય એ રીતે કોઈ પણ વિસ્તારના ભાવ મુકરર કરાય છે. કોઈ પણ ડેવલોપર્સ પોતાનો માલ વેચે તો જ્યુબિલી ગ્રાઉન્ડથી દૂરી કેટલી છે એ જણાવતા હોય છે. આમ તો કોઈને સરકારી જમીન ખરીદવી હોય તો અરજી -માગણી કર્યા પછી તેનો એક ટકો રકમ ભર્યા પછી જે-તે વિસ્તારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન કરવાની જવાબદારી નગરરચના અધિકારી, નગર નિયોજકની કચેરી દ્વારા કરવામાં આવે છે.

નગર નિયોજકની કચેરી

`કચ્છમિત્ર'ની ટીમ આજે બહુમાળી ભવનમાં નગર નિયોજનની કચેરીમાં પહોંચતાં નગર નિયોજક મુકેશ સુથાર સાથે મુલાકાત કરી હતી. વાતચીતમાં તેમણે જણાવ્યું કે પોતાની કામગીરી આખા કચ્છમાં ફેલાયેલી છે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કેમ કે આ વિષયના જાણકારો સિવાય કોઈને જાણકારી હોતી નથી.

50 અરજીઓ

નગરપાલિકાના ચોપડે  56 કિ.મી.માં પથરાયેલા ભુજનો વિકાસ દિન-પ્રતિદિન થતો જાય છે અને સરકારી જમીન ખરીદવાની માગણીઓ પણ વધતી જાય છે. અત્યારે દર મહિને અંદાજે 50 જેટલી અરજીઓ આવતી હોય છે.

મૂલ્યાંકન કરવાનું

શ્રી સુથારે કહ્યું કે, અરજી આવ્યા પછી દર મહિને કલેકટરના અધ્યક્ષસ્થાને ડી.ડી.ઓ., નગર નિયોજક, અધિક કલેકટરની ટીમ સાથે જમીન મૂલ્યાંકન સમિતિની બેઠક મળે છે તેમાં માપણીવાળા અરજદાર માટે જમીનનું મૂલ્યાંકન એટલે કે તેના પ્રતિ ચોરસમીટરના ભાવ નક્કી કરવાનું જણાવવવામાં આવે છે.

ભાવ કેમ નક્કી થાય

મૂલ્યાંકન સમિતિ નગર નિયોજકને માગણીવાળી જમીનનું ક્ષેત્રફળ અને તેની કિંમત નક્કી કરવા નગર નિયોજકને જણાવે છે. અમારી ટીમ દ્વારા જે-તે વિસ્તારના 1થી 10 કિ.મી. સુધીની ત્રિજ્યા પ્રમાણે ચાલતા બજાર ભાવ તપાસે છે. કયા આધારે તપાસો છો આ સવાલ સામે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં થયેલા દસ્તાવેજની વિગતો અમને ઓનલાઈન મળતી હોય છે, જેમાં કયાં કેટલા ભાવે દસ્તાવેજ બન્યા છે એવા સરકારના પ્રોગ્રામ પ્રમાણે બજાર કિંમત નક્કી થતી હોય છે.

ઊંચા ભાવ આવ્યા

શહેરમાં મુંદરા રોડ, એરપોર્ટ રોડ, આર.ટી.ઓ. રિલો. સાઈટ વિસ્તાર, મિરજાપર રોડ આમ દરેક વિસ્તારમાં જમીન ભાવ અલગ-અલગ હોય છે. તેમાંય કોમર્શિયલ અને રહેણાકમાં પણ મોટો તફાવત જોવા મળે છે, ત્યારે સરકારી ભાવ કયાંના ઊંચા આવ્યા છે ? અધિકારીએ જ્યારે માહિતી આપી ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઈ જાય તેમ છે. તેમણે કહ્યું કે, અત્યારે લેવા પટેલ  હોસ્પિટલ સામે ટેકરા ઉપર સરકારી કર્મચારીઓ માટે જમીન ફાળવવા પ્રતિ ચોરસમીટરના ભાવ 1 લાખ 5 હજાર નક્કી થયા છે. સો ચો.મીટર જો પ્લોટ ફાળવાય તો કિંમત એક કરોડને આંબી જાય, પરંતુ સરકારી કર્મચારીઓ પાસેથી 25 ટકા રકમ ભરપાઈ કરવાનો નિયમ હોવાથી તોય 25 લાખ થઈ જાય તેમ છે તેવી માહિતી મળી હતી. એવી જ રીતે શહેરના એરપોર્ટ રોડ પર ખાનગી કોમર્શિયલ હેતુ માટેના પ્રતિ ચોરસમીટર સરકારી જમીનના રૂા. 55 હજાર દર્શાવવામાં આવ્યા છે. અત્યારે આખી કચેરી આર.ઈ. પાર્કની વીજલાઈનો પસાર કરવા, 750 કે.વી.ના કોરીડોર બનાવવા, વીજ ટાવર નાખવા માટે જમીન ફાળવવા 100 વધુ કંપનીઓની અરજીઓ આવી હોવાથી મોટા પાયે મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. અચાનક મૂલ્યાંકનનું કામ વધતાં અંજાર અને ભુજ સત્તા મંડળના સર્વેયરોની ટીમ બોલાવવાની ફરજ પડી છે.

Panchang

dd