• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

નાની ખાખર પૂર્ણ સોલાર ગામ બને છે

મુંદરા, તા. 23 : અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા નાની ખાખર ગામને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાના અભિયાનનું ખાતમુહૂર્ત કરાયું હતું. અદાણી ગ્રુપ દ્વારા અગાઉ કચ્છમાં જ ધ્રબ અને ભોપાવાંઢ (વાંઢ) ગામોને સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ સફળતા બાદ નાની ખાખર આ શ્રેણીમાં ત્રીજું ગામ બની રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામના તમામ ઘરોને અદ્યતન સોલાર ઊર્જા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવશે. આનાથી ગામને નોંધપાત્ર લાભ મળશે જેવા કે દરેક ઘરમાં માસિક 2000થી 3000 રૂપિયા સુધીની વીજળીની બચત થશે. આ કાર્યક્રમ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગામવાસીઓના સહયોગ અને સરકારી સમર્થનથી નાની ખાખરને મોડલ વિલેજ તરીકે વિકસાવવાનું મહત્ત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઊર્જાને મજબૂત બનાવશે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઇ શાહે જણાવ્યું કે, અમારી ટીમ સ્થાનિક લોકો સાથે મળીને આ પ્રોજેક્ટને સફળ બનાવશે અને એક પણ ઘર આ લાભથી વંચિત નહીં રહે. આવનારા સમયમાં અન્ય ગામોને પણ સોલાર વિલેજ બનાવવાની યોજના છે. કાર્યક્રમમાં સરપંચો, પંચાયતના સભ્યો, પીજીવીસીએલના અધિકારીઓ, ફાઉન્ડેશનની ટીમ, સતીશ પટેલ, ભાવિન પટેલ (ડેપ્યુટી એન્જિનીયર), શિક્ષકો, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd