• બુધવાર, 11 માર્ચ, 2026

વિકાસમાં અબડાસાને અવ્વલ રાખવાની નેમ

નલિયા, તા. 10 : અબડાસા વિસ્તારના 450 ગામડાંના રસ્તાની કાયાપલટ ક્રમશ: થઇ રહી છે. લોકોએ સપને ન જોયલા રસ્તા બની રહ્યા છે. નવો બનતો લાખાણિયાનો મોટો પુલ એની શાખ પૂરે છે. ચોમાસામાં રસ્તાનાં કારણે કોઇ ગામ વિખૂટું ન પડે એવી નેમ વ્યક્ત કરાઇ હતી. સરકારના માર્ગ મકાન (પંચા.) વિભાગના અબડાસા તાલુકાના વમોટી નાની-મોટી રોડ પર નદી પરનાં નાળાં રૂા. 128.78 લાખ, તેરા એપ્રોચ રોડનું 34.72 લાખ, નરાનગર એપ્રોચ રોડનું 35.22 લાખ, માતાના મઢને જોડતો રામપર-ઐડા, જંગડિયા-ગોયલા રોડનું રૂા. 470.87 લાખ અને રામપર એપ્રોચ રોડના 42.36 લાખના ખર્ચે થનારા રસ્તાના વિવિધ વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભૌગોલિક દૃષ્ટિએ અબડાસાનો વિસ્તાર ઘણો મોટો છે. જેમ વિધાનસભા સીટ નં. એક છે તેમ વિકાસમાં નંબર વન થાય એવા પ્રયાસો સાથે કામ થઇ રહ્યાં છે. રામપર-ગોયલા રોડ બની જતાં આઠ ગામોને ફાયદો થશે. પશ્ચિમ કચ્છની દીકરીઓ માટે શિક્ષણની સુવિધામાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય ત્રણે તાલુકામાં નિર્માણ પામી રહી છે, તો મથલ પુલ જે ત્રણે તાલુકાને જોડતો સેતુ છે તે પણ કરોડોના ખર્ચે નિર્માણ થઇ રહ્યો છે. રામપર, ઐડા, જંગડિયા, ગોયલા, માતાના મઢને જોડતો જેનું ખાતમુહૂર્ત થયું છે. રસ્તાની જૂની માગણી હતી. આ રસ્તો બની જશે તો માતાના મઢ જતા યાત્રાળુઓ માટે સગવડતા થશે, તો નરાનગરનો એપ્રોચ રોડ પણ લોકોના યાતાયાત માટે ઉપયોગી બની રહેશે, તો વમોટીની પાપડી બની જશે, ત્યારે વધુ ઉપયોગી લોકો માટે બનશે. આમ અબડાસા વિસ્તાર ઘણો મોટો છે. વિકાસનાં કામો થાય છે ને વધુ વિકાસનાં કામો થાય એવા પ્રયત્ન કરવાની ખાતરી એમણે આપી હતી. જયદીપસિંહ જાડેજા, પરેશભાઇ ભાનુશાલી, મૂલજીભાઇ ભાનુશાલી, સૈયદ કાદરશા બાવા, પરેશસિંહ જાડેજા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. પરેશભાઈ ભાનુશાલી (મંત્રી કચ્છ ભાજપ), અબડાસા તા.પં.ના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન પુરસોત્તમભાઇ મારવાડા, શિવજીભાઇ મહેશ્વરી (ચેરમેન ન્યાય સમિતિ, અ.તા. પંચાયત), તા.ભા. પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જેઠાલાલ ભાનુશાલી, પરેશસિંહ જાડેજા, અલાનાભાઇ ભુંગર, સાગરભાઇ રબારી (સરપંચ રામપર), મૂળજીભાઇ ગઢવી, કાનજીભાઇ ગઢવી, અબ્બાસભાઇ માંજોઠી, મહેન્દ્રસિંહ જાડેજા (સરપંચ-વમોટી નાની), વિપુલભાઇ ભાનુશાલી, નરાનગરના મહેશાજી સોઢા, રાજુભા સોઢા, દિલુભા સોઢા, ભરતસિંહ જાડેજા (મોટી વમોટી સરપંચ) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન મહામંત્રી ગોપાલ ગઢવી, આભારવિધિ મૂલજીભાઇ ભાનુશાલીએ કરી હતી. 

Panchang

dd