બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 23 : કોમી એક્તા
અને ભાઈચારાની ભાવના માટે સરહદી જિલ્લો સમગ્ર દેશમાં જાણીતો છે. જિલ્લાના ખૂણે-ખૂણે
બિરાજતા અનેક પીર, ફકીર અને ઓલિયાનાં
સ્થાનકો પર કોમી એકતાના અખંડ ધૂણા આજે પણ ધખે છે. પાવરપટ્ટી પંથકમાં એકતાના ઓલિયા તરીકે
જાણીતા ફૂલપીરના મેળાની ઉજવણીની તૈયારીરૂપે એક માસ અગાઉ દરરોજ સાંજના પીરના સમાધિ સંકુલ
ખાતે ઢોલ વગાડવાની સદીઓ જૂની રસમ આજ સુધી અકબંધ રહી છે. મુસ્લિમગુરુ નોધીનશાવલી અને
હિન્દુ શિષ્ય ફૂલપીર રેલડિયા જાડેજાની અનેરી કહાની સાથે સંકળાયેલા પાવરપટ્ટીના મુખ્ય
મથક સમા આ ગામ સ્થિત આવેલું સમાધિ સંકુલ કોમી એકતાનું અનેરુ દૃષ્ટાંત પૂરું પાડે છે.
વિક્રમ સંવત 1550, મહાસુદ-બીજ
ને સોમવારના નિરોણા ગામે રેલડિયા ભોજદેવજી - માતા સૂરજકોરબાનાં ઘરે જન્મેલા ફૂલપીર
નાનપણથી `ફૂલ'નાં નામે જાણીતા હતા. ગૌસેવા સાથે જીવનની શરૂઆત કરનાર આ ક્ષત્રિય યુવાન બાળવયે
ગામની ભુરૂડ નદીના કાંઠે સિંધથી આવેલ સૂફી સંત સૈયદ નોધીનશા સાથે રહી વૈરાગ્ય ભક્તિરસમાં
લીન બન્યા હતા. વિરાણીના વલાકુળના અખેરાજજી સોઢા તથા દેવકોરબાના પુત્ર ફૂલકોરબા સાથે
ફૂલ જાડેજાનાં લગ્ન થયાં હતાં, પરંતુ ભક્તિમાં લીન ફૂલનું મન
તો પ્રભુ સ્મરણમાં રહ્યું હતું. આથી પાછળથી `ફૂલ'માંથી ફૂલપીર
તરીકે પૂજાયા. `ફૂલ' જાડેજાની સમાધિ બનાવવામાં આવી જ્યાં દર વર્ષે
વાર્ષિક મેળાનું આયોજન થાય છે. જ્યાં હિન્દુ-મુસ્લિમ ભાવિકો પ્રથમ ફૂલપીરની સમાધિએ
અને પછી નજીકમાં આવેલા ગુરુ નોધીનશાની દરગાહે માથું ટેકવે છે. દર વર્ષે મહામાસના પ્રથમ
સોમવારે અહીં ભાતીગળ લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. મેળાની પૂર્વ તૈયારી અને
તેની જાણકારી માટે એક માસ અગાઉ દરરોજ સાંજે બન્ને ઓલિયાની સમાધિ આગળ ઢોલ વગાડવાની પરંપરા
સદીઓથી ચાલે છે. ચાલુ સાલે ફૂલપીરદાદાના ત્રિદિવસીય લોકમેળાનું આયોજન થયું છે,
જે મુજબ તા. 25-1-2026 ને રવિવારના રાત્રે ચેતનસિંહ રાજપૂત અને રામભાઈ ગઢવીની ભજન મંડળી
સંતવાણી રજૂ કરશે. દ્વિતીય દિન તા. 26-1-2026 ને સોમવારના સવારે બન્ને ઓલિયાની સમાધિઓનું પુજન, ચાદરપોશી, પેડી,
પૂજા, ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદ બાદ લોકમેળો
ખુલ્લો મુકાશે. સાંજે પીરનું સામૈયું નીકળશે. મેળાના સમાપને તા. 27-1-2026 ને મંગળવારના સવારે ફૂલપીરદાદાના
રહેણાક વિસ્તાર રેલડિયા ફળિયામાં કસૂંબો, આરાધીવાણી અને પ્રસાદ સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.