• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

વિશ્વમાં આઈ પરંપરા માત્ર ચારણોમાં વિદ્યમાન

કરસન ગઢવી દ્વારા : મોટા ભાડિયા (તા. માંડવી), તા. 23 : સમાજ એક વડલો છે, આ વડલાની શીતળતાની છાયા માનવને સાંત્વના, સંતુષ્ટી અને નવચેતના બક્ષનારી છે, તેથી સમાજે સૂચવેલ લક્ષ્મણ રેખારૂપી સંસ્કારોમાં રહી ચારણત્વને દીપાવવું જોઈએ અને તે પ્રત્યેક ચારણનો પ્રથમ કર્મ હોવાનો ભાવ માંડવી મુકામે અખિલ કચ્છ ચારણ સભા દ્વારા સામાજિક સુધારણાઓ અર્થે યોજાયેલી ચિંતન શિબિરને સંબોધતા રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમયને અનુરૂપ સુધારાઓ સમાજને નવતર શક્તિ પ્રદાન કરનારા બની રહેશે. આશીર્વાદ આપતા કમળા માતાજી મોટા ભાડિયાએ સમાજ દ્વારા સૂચનારા નવા સામાજિક સુધારાઓમાં સ્ત્રી શક્તિઓ સમર્પણના ભાવથી આગળ આવેપ તે સમયની માંગ છે. અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા પ્રમુખ દેવરાજભાઈ કરસનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સગપણ સમયે મર્યાદામાં રહી સોનાનું દાન આપવું સગપણ અને લગ્ન વિચ્છેદના બનાવો સમાજમાં ઓછા બને તે માટે અને સમાજમાં અમુક સુધારાઓ કરવા અનિવાર્ય  બન્યા છે, ત્યારે સમગ્ર કચ્છમાં વસતા ચારણોના તમામે તમામ ગામમાં જઈ `સામાજિક જાગૃતિ ચેતના અભિયાન' શરૂ કરવામાં આવશે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજભાઈ વાલજીભાઈ ગઢવીએ સુધારાઓની અમલવારીની બાબતમાં સમગ્ર સમાજના ભાઈઓ અને બહેનો એક થાય તેવા પ્રયાસો સમાજ દ્વારા આદરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હરિભાઈ સામરાભાઇ ગઢવી, માણેકભાઈ રામભાઈ ગઢવી, રાજેશભાઈ ગઢવી, લોક સાહિત્યકારો મોરારદાનભાઈ ગઢવી, જયેશદાનભાઈ ગઢવી, જિ.પં.ના માજી સદસ્યા કમશ્રીબેન ગઢવી, અદાણી ફાઉન્ડેશનના દેવલબેન ગઢવી, ચારણ સમાજના મહિલા અગ્રણી દમયંતીબેન બારોટ સહિતના વિવિધ વક્તાઓએ પોતાના મંતવ્યો સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. શિબિરના દ્વિતીય સત્રમાં રાજસ્થાનથી આવેલા પદ્મશ્રી ડો. સી. ડી. દેવલે જણાવ્યું હતું કે, વિશ્વમાં  વિશ્વની ધરોહર સમી શક્તિની ભક્તિ એવી આઈ પરંપરા માત્ર ચારણ સમાજ વિદ્યામાં છે. તેમણે ઉમેર્યું હતું કે, કાવ્ય રચનાના સંસ્કારો તો સમાજને ગળથૂથીમાં મળ્યા છે. કચ્છ સમાજની પ્રગતિથી અભિભૂત થયેલા તેમણે સમાજ મને આવળ મા, કરણી મા, સોનલ મા, હસબાઈ મા સહિતની તમામ દેવીઓના આશીર્વાદ હોવાનો ભાવ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો ભૂકંપ પછી ફિનિક્સ પંખી જેમ ઊભો થઈ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આ વિકાસમાં કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીના સહયોગની તેમણે સરાહના કરી હતી 3:30 પાળામાં વહેંચાયેલા ચારણો ફક્ત આયુમાની કૃપાથી ચારણ એક ધારણ ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા હોવાની લાગણી આ પદ્મશ્રી વિજેતા સાહિત્યકારે કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી સાહિત્યના માજી નિયામક ડો. અંબાદાનભાઈ રોહડિયાએ ચારણી સાહિત્યને જે ન્યાય મળવો જોઈએ તે ન મળવાનો અફસોસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ચારણોમાં કવિ કાગ, કવિ દાદ, હેમુભાઈ ગઢવી સહિતના અનેક કવિવરો પાક્યા છે. પુષ્પદાનભાઈ  ગઢવીએ ચારણી સાહિત્ય સમગ્ર સમાજને નવપલ્લવિત કરે છે, ત્યારે તેનો વ્યાપ વધારવાની બાબત પર ભાર મૂક્યો હતો. ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના રાજાભાઈ રૂડાચ, પ્રભુદાન ભાઈ બાટી, ચારણ સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ઘનશ્યામભાઈ મોડ, રવિદાનભાઈ મોડ, દિલીપદાનભાઈ ઝુલા, મનહરદાનભાઈ ઝીબા, પ્રવીણદાનભાઈ રોહડિયા, દીપકભાઈ રતનું, કેતનભાઇ ગઢવી સહિતના વક્તાઓએ  કચ્છ ચારણ સમાજને પ્રગતિ બક્ષનારા સ્વ.પચાણભાઈ ગઢવી ભીમશી બાપા, સમાજના તમામ પૂર્વ પ્રમુખોને યાદ કરી સમાજ વધુ પ્રગતિ કરે તેવી સદ્ભાવના વ્યક્ત કરી હતી. સમાજના ઉપપ્રમુખ અને ખીમકરણ દેવીદાન આલગા ચારણ કન્યા છાત્રાલયના સંચાલક દેવરાજભાઈ ગઢવીલક્ષ્મણરાગ ચારણ બોર્ડિંગ સંચાલન સમિતિના સંચાલક રાણસીભાઈ ગઢવીએ સામાજિક સંસ્થાઓના વિકાસ બાબતે પ્રકાશ પાડયો હતો. રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ ઠેકાણેથી પધારેલા મંચસ્થને અખિલ કરછ  ચારણ સભા અને હમીરદાનજી ગઢવી ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, મોમાયાભાઈ ગઢવી, ઝરપરાના અગ્રણીઓ વાલજીભાઈ ટાપરિયા, માણસીભાઈ રવિયા, સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી, માંડવીના આગેવાનો બચુભાઈ ગઢવી, ઇશ્વરભાઇ ગઢવી, શહેર ચારણ સમાજ પ્રમુખ મેઘરાજભાઈ ગઢવી, ખીમકરણભાઈ ગઢવી, હરિદાનભાઈ ગઢવી, જાણીતા એડવોકેટ દેવાયત બારોટ સહિત કચ્છના વિવિધ શહેરો અને ગામડાંઓમાંથી આવેલા વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી. ધનરાજભાઇ ગઢવી, ભારુભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, હરદાસભાઇ ગઢવી, દયાલભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી સહિત સોનલબીજ સમિતિ અને ગઢવી મિત્ર મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન વિશ્રામભાઇ ગઢવીએ કર્યું હતું. 

Panchang

dd