• મંગળવાર, 22 એપ્રિલ, 2025

ભૂકંપગ્રસ્તોના વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે સરકાર કટિબદ્ધ

ભુજ, તા. 20 : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા કચ્છના પ્રભારી પ્રફુલ્લભાઇ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભૂકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણ ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું શ્રી પાનસેરિયાએ જણાવ્યું હતું. વીરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ, તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરિયાત, લો-વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક તથા નાંદા રણમાં બનેલા રોડની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. માલતીબેન મહેશ્વરીએ દબાણ, પાર્કિંગ સહિતના પ્રશ્નો, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજાએ ગૌચર દબાણ, વાંઢિયાની પેટા કેનાલની અધૂરી કામગીરી, આધારકાર્ડમાં સુધારા દરમિયાન થતી સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કેશુભાઇ પટેલે ભારાસર 66 કે.વી સબસ્ટેશનના કામમાં થતો વિલંબ, ભુજ બાયપાસ રોડને સંલગ્ન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ત્રિકમભાઇ છાંગાએ ચેકડેમ, તળાવની સ્થિતિ, વયવંદના યોજના, તારની ફેન્સિંગ યોજના સહિતની માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને સંલગ્ન જરૂરી સૂચનાઓ આપી હતી. ટોલ પ્લાઝા, ચેકડેમ, ભારાપર-બળદિયા-કેરા માર્ગ, અંજાર બાયપાસ સંલગ્ન રજૂઆત સાથે અંજાર સ્ટેડીયમના રિનોવેશન તથા સુધારણાને લઇને રજૂઆત કરી હતી. પ્રદ્યુમનસિંહ જાડેજાએ વાહન પાસિંગમાં ખાનગી સેન્ટરોથી મુશ્કેલી, ઘરેલુ વીજ જોડાણ, સરગુઆરાની જર્જરિત આંગણવાડી તથા શાળા, જખૌની જર્જરિત શાળા, ખનિજચોરી, પંચાયતઘરના બાકી કામ, ઘોરાડ અભયારણ્યને સંલગ્ન પ્રશ્ન, આરોગ્ય, પાણી, રોડ સહિતના પ્રશ્નો મૂક્યા હતા. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરીએ લેન્ડ કમિટી, મફત પ્લોટ યોજના, વીજ કનેક્શન, સરકારી પડતર તથા ગૌચરમાં દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. કલેક્ટર આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડયા, નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો અને અગ્રણી જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd