• મંગળવાર, 22 એપ્રિલ, 2025

તેજસ્વી છાત્રોને પ્રોત્સાહનની જન્મભૂમિ જૂથની ઉમદા પહેલ

મુંબઈ, તા. 20 : વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ અને વર્તમાન જગતનું વાસ્તવિક જ્ઞાન તો મળે જ, સાથે તેઓ મનગમતાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે અને કાબેલ બને એ ઉદ્દેશથી રોટરી ક્લબ ઓફ બોમ્બે (આરસીબી) દ્વારા શિષ્યવૃત્તિની ઉમદા પહેલ ઉપરાંત ક્લેલેબ એજ્યુકેશન સાથે મળીને મેન્ટોરશિપ કાર્યક્રમ અમલી બનાવ્યો હતો. આ રોટરી સ્કોલરોને સન્માનવા માટે આરસીબીની સ્કોલરશિપ સમિતિ દ્વારા તાજેતરમાં અહીંના વાય. બી. ચૌહાણ સેન્ટર ખાતેના રંગસ્વર ઓડિટોરિયમમાં વિશેષ સમારોહનું આયોજન થયું હતું.  મેન્ટોરશિપ કાર્યક્રમની સફળતાની ઉજવણી સમાન આ સમારોહમાં વિદ્યાર્થીઓ, સ્કોલરો, તેમના માર્ગદર્શકો, સમિતિના સભ્યો, પ્રતિષ્ઠિત અગ્રણીઓ સહિત લગભગ 200 વ્યક્તિ ઉપસ્થિત રહી હતી. સાથે જ સમાજ પ્રત્યે નિસબત ધરાવતા જન્મભૂમિ પત્રોનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા તેર સફળ વિદ્યાર્થીને લેપટોપ અપાયાં હતાં. આરસીબી અને કલેલેબ એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે  આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વાસ્તવિક દુનિયાનાં માર્ગદર્શનથી   સશક્ત બનાવવા માટે આ મેન્ટોરશિપ પ્રોગ્રામની પહેલ કરાઇ હતી. આ સ્કોલરશિપ આરસીબીના વિદ્યાર્થીઓને તેમની અભ્યાસયાત્રા આગળ વધારવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓ તેમના પસંદનાં ક્ષેત્રમાં સફળ થયેલા વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ) સાથે જોડાઇને યોગ્ય  માર્ગદર્શન પણ મેળવી  શકે છે. શિષ્યવૃત્તિ સમિતિના સહઅધ્યક્ષ અને કલેલેબ એજ્યુકેશનના પૂર્વા, રોટેરિયન આલોક સેખસરિયાએ આ પહેલની કલ્પના કરી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને આરસીબીના પૂર્વ પ્રમુખ પ્રીતિ મહેતા અને ઉપરોક્ત સમિતિના અધ્યક્ષે  ઉષ્માભર્યા આવકાર સાથે આ એવોર્ડ સમારોહને વિધિવત ખુલ્લો મૂકયો હતો. પ્રીતિબેન મહેતાએ કાર્યક્રમના વિઝન પર પ્રકાશ પાડયો હતો અને તમામ માર્ગદર્શકો, દાતાઓ અને આયોજક ટીમનો તેમના સમર્પણ બદલ આભાર માન્યો હતો.  પ્રીતિબેન  મહેતા અને અન્ય માર્ગદર્શકોએ તેમના અનુભવો રજૂ કર્યા હતા તેમજ પ્રશિક્ષકોએ કેવી રીતે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પૂર્યો તેની વાત કરી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી ગૌતમભાઇ ત્રિવેદીએ છાત્રોને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે, આ ભેટ તેમને કારકિર્દી ઘડવામાં મદદરૂપ બનશે. લેપટોપનો પુરસ્કાર મેળવનારા દરેક વિદ્યાર્થીએ તેમના અનુભવે વર્ણવ્યા હતા. તેમના ચહેરા પર ઉમદા અને ઉપયોગી ભેટ પ્રાપ્ત થવાનો આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. આ કાર્યક્રમમાં લેપટોપના દાતાઓ પ્રીતિબેન મહેતા અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના તેમના સહ-ટ્રસ્ટીઓ રોટેરિયન ગૌતમભાઇ ત્રિવેદી અને સંજયભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સોમૈયા યુનિવર્સિટીના સમીર સોમૈયાએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. કલબના ચૂંટાયેલા પ્રમુખ બિમલ મહેતા અને આરસીબી શિષ્યવૃત્તિ દાતાઓ, રોટેરિયન તારા દેશપાંડે અને રોટેરિયન ગૌરવ નેવતિયા દ્વારા પુરસ્કારો અપાયા હતા. બિમલ મહેતાએ આવનારા કાર્યક્રમોમાં સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. રોટેરિયન અવન વાખારિયાએ સમારોહનું સંચાલન આકર્ષક રીતે પાર પાડયું હતું. પ્રીતિબેન મહેતાએ સમાપન ભાષણમાં ભવિષ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ વિદ્વાનો પ્રત્યે સમિતિની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને શિષ્યવૃત્તિ કાર્યક્રમના નવા અવતાર `છલાંગ'ની શરૂઆતની જાહેરાત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd