ગાંધીધામ, તા. 20 : આદિપુર અને અંજાર તાલુકાના
મેઘપર બોરીચી વિસ્તારને જોડવા માટે કડીરૂપ લીલાશાહ ફાટક પાસે અન્ડરબ્રીજ
નિર્માણના પ્રકલ્પનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું
હતું. વર્ષો બાદ પણ આ સ્થળે કામ શરૂ ન થતાં વિપક્ષે પ્રજાનો અવાજ બની વિરોધ પ્રદર્શન
કર્યું હતું. લીલાશાહ ફાટક પાસે અન્ડબ્રીજ
નિર્માણનું કામ શરૂ કરવામાં વહીવટીતંત્ર દ્વારા
ઉદાસીનતા દાખવામાં આવતી હોવાના નાગરિકોના આક્ષેપો વચ્ચે ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા સવારના સમયે ફાટક
પાસે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપ્યો હતો. વિપક્ષી અગ્રણીઓએ આ સ્થળે અન્ડરબ્રીજનું
કામ શરૂ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.નોંધપાત્ર છે કે, વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત બાદ અંજાર અને
ગાંધીધામના ધારાસભ્ય દ્વારા આ પ્રકલ્પ શરૂ કરાવવા સાથે પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
અંદાજિત ત્રણ વખત ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ પણ આ સ્થળે કામ શરૂ થઈ શકયું નથી. માહિતગારોએ
ઉમેર્યું હતું કે, જમીન સંપાદનના મુદ્દે આ કામ ઘોંચમાં મુકાયું હોવાની વિગતો સાંપડી હતી. આ ફાટક
થોડા-થોડા સમયના અંતરમાં બંધ થાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે. મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતા અનેક લોકોને ફાટકનાં કારણે હાલાકી વેઠવી
પડી રહી છે. હોસ્પિટલ જવા, અન્ય આપતકાલિન સંજોગોમાં ફાટક બંધ
રહેતા લોકોની હાલત કફોડી બને છે. અગાઉ પણ ત્રસ્ત બનેલા લોકો દ્વારા આ મુદ્દે વિરોધ
પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હજારો પરિવારોને કનડતો આ
પ્રશ્ન કયારે ઉકેલાશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.