ભુજ, તા. 21 : સમગ્ર ક્રિકેટ જગતમાં જેનું
આકર્ષણ ચરમસીમાએ રહેતું આવે છે તેવી ઈન્ડિયન પ્રીમિયર લીગ ર્સ્પધાને લઈને કચ્છના ક્રિકેટરસિકો
અને સટ્ટોડિયા તત્ત્વોમાં પરંપરાગત ઢબનો ઉત્સાહ સાથેનો માહોલ જોવા મળી રહ્યો છે. દરવખતની
જેમ સ્પર્ધાની આ સિઝનમાં પણ કરોડોના દાવ લાગે તે નક્કી જ છે, જે સ્થિતિને નજર સમક્ષ રાખીને પોલીસ સહિતના
જવાબદાર તંત્રો પણ સટ્ટા સામે સજ્જ બન્યા છે. વર્તમાન સમયનો આવો જુગાર ઓનલાઈન આઈ.ડી.
આધારિત મુખ્યત્વે બની ચૂકયો હોવાથી જાળ ભેદવા માટે સાયબર તજજ્ઞોની ભૂમિકા પણ મહત્ત્વની
બની રહેશે. ફટાફટ ક્રિકેટની ફાસ્ટ સ્પર્ધા તરીકે જાણીતી આઈ.પી.એલ.ની ચાલુ સિઝનની પ્રથમ
મેચ આવતીકાલે તા. 22, શનિવારના
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મેચ માટે 86 પૈસાના ભાવ સાથે કોલકાતા ફેવરિટ
ખૂલવા સાથે સ્પર્ધાને લઈને કપ સહિતના વિવિધ ભાવો ઓનલાઈન વિવિધ એપનાં માધ્યમથી વહેતા
થઈ ચૂકયા છે, તો ર્સ્પધા જીતવા માટે
ક્રમશ: સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને
સટ્ટાબજાર ફેવરિટ માની રહી છે. કચ્છમાં થોડા
દિવસો પહેલાં જ રાજ્ય સ્તરની એજન્સી એસ.એમ.સી. દ્વારા ક્રિકેટના સટ્ટાનો મોટાગજાનો
દરોડો પડાયા બાદ ઓનલાઈન આઈ.ડી.ના અમુક તાણાવાણા પણ ખોલી નાખતાં આ વખતની આઈ.પી.એલ.માં
સ્થાનિકના જવાબદારો જરાયે ગાફેલ રહેવા માગતા નથી. અત્યારના સમયનો સટ્ટો મુખ્યત્વે આઈ.ડી.
ઉપરનો થઈ ચૂકયો હોવાથી સાયબર તજજ્ઞોનું મહત્ત્વ પારખી તેમને પણ સાબદા બનાવાયા છે. હવે
જોવાનું એ રહે છે કે, તેમની કામગીરી કેવીક રહે છે. સંલગ્ન સૂત્રો
પાસેથી મળેલી જાણકારી અનુસાર કોલ ઉપર ગ્રાહકનો સોદો લેનારા બુકીઓની સંખ્યા હવે આઈ.ડી.ના
કારણે નહિવત બની છે. આવા કેટલાક બુકીઓ તેમના ફરફરતા સલામત સ્થળ પસંદ કરીને જરૂરી વ્યવસ્થા
ગોઠવી ચૂકયા છે, તો સંબંધિત સૌને સાચવી લઈને વ્યવસાય કરતા અમુક
બુકીઓ બિનધાસ્ત આઈ.ડી. લઈ જાઓ અને એની ટાઈમ કોલ, નો પ્રોબ્લેમની
બાંહેધરી પણ આપતા જોવા મળી રહ્યા છે. ચોક્કસ કારણોસર અત્યાર સુધી કયારેય ઝપટે ન ચડેલા
બુકીઓ પાસે રમવાનું સારા ગ્રાહકો પસંદ કરી રહ્યા હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે,
તો એક બિનસત્તાવાર મોજણી મુજબ એડવાન્સ રૂપિયા લઈને અપાતી આઈ.ડી.નાં માધ્યમથી
સમગ્ર કચ્છમાં સ્પર્ધાની પૂર્વ સંધ્યાએ લાખો રૂપિયા જે-તે બુકીઓ સુધી પંહોચી ચૂકયા
છે. દરમ્યાન આઈ.પી.એલ., વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી
મોટી સ્પર્ધાઓ સમયે ખાસ કરીને ચર્ચામાં આવતો ક્રિકેટ ઉપરના જુગારનો મુદ્દો કચ્છમાં
આમ તો બારેમાસ બની ચૂકયો છે. કચ્છના આ અંગેના તાણાવાણા રાજ્ય અને દેશના સીમાડા વટાવીને
આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સ્પષ્ટ થઈ ચૂકયા છે. જવાબદાર તંત્રો દ્વારા થતી આ સંબંધી
કામગીરીમાં નાની-નાની માછલીઓ જ સપડાતી આવતી હોવાનું અને મોટા તથા પહોંચેલા-પામેલા મગરમચ્છો
સલામત રહી જતા હોવાની છાપ પણ ઉપસી આવી છે. આ વખતે પણ આવું જ રહેશે કે કંઈક નવું થશે
તેવો સવાલ પણ અનુભવીઓ અને તજજ્ઞો ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે બુકીઓ સંબંધી વર્તુળોમાંથી
મળેલી આંકડાકીય વિગતો અનુસાર આઈ.પી.એલ. માટે સ્પર્ધા જીતવા કપના ભાવ આ મુજબ જાહેર થયા
છે. હૈદરાબાદ 4.30, મુંબઈ 4.70 અને ચેન્નાઈ પાંચ રૂપિયાના
ભાવ સાથે પ્રથમ ત્રણ ફેવરિટ ટીમ છે, તો કે.કે.આર., ગુજરાત અને આર.સી.બી. 10 રૂપિયાના ભાવ સાથે દ્વિતીય
હરોળમાં છે, જ્યારે લખનઉ, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી 12થી 13 રૂપિયાના ભાવ સાથે તળિયામાં રહેલી છે.