ભુજ, તા. 17 : ગુજરાત
રાજ્ય પંચાયત વિભાગ વર્ગ-3ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ. ડબલ્યુ., એમ.પી.એચ.એસ., એફ.એચ.એસ. તેમજ ટી.એમ.એચ.એસ., ટી.એચ.વી. અને જિલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈઓ-બહેનો ટેકનિકલ કેડરમાં
સમાવેશ કરવા અને તે અંગે ગ્રેડ-પે આપવા, ખાતાકીય પરીક્ષા રદ
કરવા સહિતની માગો સાથે આજથી અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઊતરી જતાં આરોગ્યલક્ષી
કામગીરી ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના
આદેશ અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ મલ્ટિપર્પસ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટિપર્પસ હેલ્થ સુપરવાઈઝર,
ફીમેલ હેલ્થ સુપરવાઈઝર-તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના આરોગ્યના
તમામ સ્ટાફના પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લાં બે વર્ષથી સરકાર
દ્વારા નિરાકરણ ન આવતાં નાછુટકે સોમવાર તા. 17મી માર્ચથી જિલ્લાના પંચાયત સેવા
હેઠળના આરોગ્યના તમામ કર્મચારીઓ આ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા હતા. આજે
સવારે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મહેશ ગાગલ, કન્વીનર ભાવનાબેન ભીલ,
મહામંત્રી સૂર્યકાંત પરીખ સહિતના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર,
જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય
અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. પ્રમુખ શ્રી ગાગલે જણાવ્યું કે, અમારી માગણી મુદ્દે અગાઉ પાંચમી માર્ચે માસ સીએલ, સાતમીએ
રિપોર્ટિંગ બંધ કરવું અને 10મી માર્ચે અંતિમ અલ્ટિમેટ અપાયા
બાદ આજે અચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ણય રાજ્ય લેવલે લેવામાં આવ્યો છે. આ હડતાળને
પગલે વેક્સિનેશન, સગર્ભા માતાઓની સેવા, વાહકજન્ય રોગ નિયંત્રણ,
સગર્ભા માતાને મળતા નમોશ્રી યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદનાના
લાભો, ડેંગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા, લેપ્રોસ્કોપી, ટીબી,
ડાયાબિટીસ, બીપીના દર્દીઓની સારવાર, પીવાનાં પાણીનું કલોરિનેશન તેમજ ઓનલાઈન થતી તમામ કામગીરી ઠપ થઈ જવાની
પૂરેપૂરી સંભાવના છે. દરમ્યાન આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીનો
સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ હડતાળમાં કેટલા અને કઈ
કેડરના કર્મચારીઓ જોડાયા છે તેની દરેક તાલુકા કક્ષાએથી વિગતો મગાવાઈ છે. જો કે,
આઉટસોર્સના કર્મચારીઓ હાજર હોવાથી કામગીરી અટકશે નહીં તેમ છતાં
રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.