કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 17 : મુંદરા તાલુકાના ભુજપુર ગામે સોની પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગે ચાંદલાની તમામ રકમ ભુજપુર પાંગળાપોળને અર્પણ કરી દેવાઈ હતી. આ નવી પહેલથી ગ્રામવાસીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. આ માહિતી આપતાં પાંગળાપોળના ટ્રસ્ટી જયેશભાઈ દેઢિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિકે રહેતા સોની બાબુલાલ દામજી ચાંપનેરિયાના પૌત્ર જીલનો લગ્ન સમારોહ યોજાયો હતો. ટ્રસ્ટીઓ સોની પરિવારને મળ્યા હતા અને શુભ પ્રસંગે મૂંગા જીવો માટે દાન આપવા ટહેલ નાખી હતી. એમણે એક દિવસના નીરણ માટે રૂા. એક લાખ 51 હજાર આપી દીધા હતા. એ પછી બાબુભાઈને નવો વિચાર આવ્યો અને કહ્યું કે, `અમને જે ચાંદલા પેટે રકમ આવશે એ તમામ સંસ્થાને આપીશું.' જે રકમ એમણે આપેલા ચેકની રકમ કરતાં વધુ થઈ હતી. ભુજપુર ગામમાં 151 વર્ષ જૂની પાંગળાપોળને શુભ પ્રસંગે દાન આપવાની પ્રથા છે, પણ લગ્ન પ્રસંગના ચાંદલાની રકમ દાનમાં આપી દીધાનો આ પ્રથમ બનાવ છે. જે ગ્રામજનોમાં સુખદ ચર્ચાનો વિષય બન્યો છે. દાતા પરિવારના પૌત્ર જીલ દીપકભાઈના લગ્ન અંજાર નિવાસી ચંદુલાલ પાટડિયાની પુત્ર વૃત્તિ સાથે થયાં છે. ભુજપુર પાંગળાપોળના પ્રમુખ ભરતભાઈ દેઢિયા છે તેમજ મુંબઈવાસી ટ્રસ્ટીઓમાં શૈલેશ દેઢિયા, નીલેશ દેઢિયા, મહેન્દ્રભાઈ દેઢિયા, ભરત ગોગરી, કુસુમબેન દેઢિયા અને કિશોર દેઢિયાનો સમાવેશ થાય છે.