ભુજ, તા. 17 : યુગપ્રધાન
આચાર્ય મહાશ્રમણજીએ મર્યાદા મહોત્સવના સમયગાળાના દીર્ઘ પ્રવાસને પૂર્ણ કરીને ભુજથી
મંગલ વિહાર કર્યો હતો. ભુજની ધરા પર આધ્યાત્મિક ગંગા વહાવી, હવે આચાર્ય ગાંધીધામ તરફ
ગતિમાન થયા છે. 6 કિ.મી.નો વિહાર કરીને તેઓ હરિપર, દેવરાજ ફાર્મ ખાતે
પહોંચ્યા હતા, જ્યાં આચાર્ય મહાશ્રમણ ઇન્ટરનેશનલ સ્કૂલના
ઉદયોત્સવ સમારોહ યોજાયો હતો. જૈન શ્વેતાંબર તેરાપંથ મહાસભા દ્વારા સંચાલિત આ
શાળાની શૃંખલા અંતર્ગત ભુજમાં પ્રથમ શાળા શરૂ થવાની છે. આ વિશિષ્ટ સમારંભને કારણે
ગુરુદેવનો આ પ્રવાસ ભુજવાસીઓ માટે વધુ સ્મરણીય અને ઐતિહાસિક બન્યો હતો. મંગલ
પ્રવચનમાં આચાર્યજીએ કહ્યું કે, `વ્યક્તિના જીવનમાં જ્ઞાનનું ખૂબ
મહત્ત્વ છે. જ્ઞાનપૂર્વકનું આચરણ જરૂરી છે. આધ્યાત્મિક જ્ઞાન આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ અને
ગ્રંથોમાંથી પ્રાપ્ત થઈ શકે છે.' આચાર્યે ઉદયોત્સવ સમારંભના
સંદર્ભમાં આગળ કહ્યું કે, 2024માં વાસી મર્યાદા મહોત્સવ બાદ `તેરાપંથ
વિશ્વભારતી'ની
સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજમાં 2025 મર્યાદા મહોત્સવ યોજાયો અને હવે
અહીં શૈક્ષણિક કાર્યક્રમ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ઊભી થઈ છે. જૈન શ્વેતાંબર તેરાપંથ
મહાસભા અને લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.
આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજી `જીવન વિજ્ઞાન'ની વાત કરતા હતા. શિક્ષણ
સાથે સંસ્કાર પણ આવવું જોઈએ. વિદ્યાર્થીઓમાં સજ્જનતા અને સંયમ સંસ્કારનો વિકાસ થવો
જોઈએ. મહાસભાએ શાળાઓ સ્થાપવાની યોજના બનાવી છે અને હવે તે કાર્યનો પ્રારંભ થઈ
રહ્યો છે. મુખ્યમુનિનો દીક્ષા દિવસ છે.
તેમણે અમારા ધર્મસંઘમાં `શ્રેષ્ઠ શ્રુતરાધક'ની ઉપાધિ પ્રાપ્ત છે. આજે
તેમની દીક્ષાને 24મું વર્ષ શરૂ થયું છે.
સાધ્વીવર્ય સબંધ્યશાજીની પણ આજના દિવસે સમણી દીક્ષા થઈ હતી. આ દીક્ષા આચાર્ય
મહાપ્રજ્ઞજી અને મારી ઉપસ્થિતિમાં પ્રાપ્ત થઈ હતી. તેઓ ડોક્ટરેટની ઉપાધિ ધરાવે છે.
આ પ્રસંગે તેરાપંથ મહાસભાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મંગલાચારણ ગીત ગાયું
હતું. મહેન્દ્ર નાહટા (પ્રધાન ટ્રસ્ટી,
જૈન શ્વેતાંબર તેરાપંથ મહાસભા), સંજય દેસાઈ,
કીર્તિભાઈ સંઘવી, દીપક પારેખ, રાજેશ મનોત, ભરતભાઈ મહેતા હાજર રહ્યા હતા.
કીર્તિભાઈએ પ્રવચનમાં ભૂમિકા સમજાવી હતી. સંજય દેસાઈએ લાયન્સ-તેરાપંથનો ઉમદા કાર્ય
માટે સંબંધ કઈ રીતે સ્થાપ્યો તેની વિગત આપી હતી. સાધુ-સાધ્વી તથા સમણી ભગવંતોની
ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ,
યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના
સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તેવું
યાદીમાં પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.