કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું
હતું કે, ભારતમાં માર્ગ સલામતીનો મુદ્દો ગંભીર ચિંતાનો
વિષય છે. દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં 1 લાખ 80 હજાર જેટલા
નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. આઘાતની વાત એ છે કે,
એમાંના 60 ટકા 18થી 34 વર્ષના વયજૂથના હોય છે. નીતિન ગડકરી દેશના જાગૃત અને સંવેદનશીલ
મંત્રી છે. દર વર્ષે માર્ગ સુરક્ષા અને નિયમન માટે અબજો રૂપિયાનું બજેટ રાજ્ય અને કેન્દ્ર
સ્તરે ખર્ચ કરવામાં આવે છે. અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જ જાય છે.
આ બાબત દરેક ઘરને, વ્યક્તિને,
સમાજને સ્પર્શે છે. કેમ કે, હસતી-રમતી ઊર્જાથી
છલકતી કોઇ વ્યક્તિ અકસ્માતમાં જીવન ગુમાવી દે એ ન માત્ર તેમના પરિવારજનો માટે બલ્કે
સમાજ અને દેશ માટે ફટકારૂપ છે. કચ્છમાં ઔદ્યોગિક વિકાસ અપાર થયો, ગામડાં-શહેરોમાં રસ્તાનો પથારો વિસ્તર્યો એ સાથે અકસ્માતોમાં ખૂબ ઉછાળો આવ્યો
છે. રોજેરોજ કચ્છના માર્ગો રક્તરંજીત બને છે. વીતેલાં વર્ષમાં પૂર્વ કચ્છમાં માર્ગ
અકસ્માતને લીધે 193 જણ અને પશ્ચિમ
કચ્છનાં 140થી વધુ લોકોનો જીવનદીપ બૂઝાઇ
ગયો હતો. કચ્છમાં અકસ્માતના બનતા બનાવો માટે મહદઅંશે ટ્રાફિકના નિયમોની અનદેખી, ફાસ્ટ ડ્રાઇવિંગ જવાબદાર હોય છે, પણ રસ્તાની બિસમાર સ્થિતિ, ઓવરલોડિંગ, ખાડા અકસ્માત નોતરવાનું મોટું કારણ છે. નખત્રાણા હાઇવે હોય, ભુજ-મુંદરા રોડ હોય, ભુજ-અંજાર માર્ગ હોય, રુદ્રમાતાથી ખાવડા તરફનો રસ્તો હોય કે અબડાસા, લખપત કે
માંડવી તરફના રસ્તા હોય મેઇન્ટેનન્સ તરફ ભાગ્યે કજ ધ્યાન દેવાતું હોય છે. મોટાં વાહનો
એ ખાડા બચાવવા માટે કાવો મારે અને તેમાં નાનાં વાહનો હડફેટે આવી જતા હોય છે. આ ખાડા
કે બિસમાર સ્થિતિ માટે ભ્રષ્ટાચાર પણ એક મોટું કારણ છે. રસ્તા માટે નાણાંની કરોડોમાં
થતી ફાળવણીના આંકડા જેટલા રૂપાળા લાગે છે એટલી સારી સ્થિતિ રસ્તા બન્યા પછી હોતી નથી...
ટૂંક સમયમાં જ નવું કામ ખખડી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતના સિલસિલાએ અરેરાટી
જગાવી છે. ભુજમાં સ્મૃતિવન પાસે ટ્રકે બાઇકસવારને ઉડાડતાં એક તેજસ્વી યુવાનનું જીવન
સમાપ્ત થયું... એના આગલા દિવસે માધાપર રોડ પર શિક્ષિકાનું ટ્રેઇલરની હડફેટે મોત નીપજ્યું...
એ અરસામાં દેવપર-ગઢ પાસે ધો. 10ની પરીક્ષા આપવા જતા બે છાત્રની બાઇક હાર્વેસ્ટર સાથે અથડાતાં
એકનાં જીવન પર પડદો પડી ગયો... ગયા મહિનાના આખરમાં મુંદરામાં બે બાઇકસવાર યુવાન કાળનો
કોળિયો બની ગયા... નખત્રાણામાંય આવા બનાવ બનતા રહ્યા છે.રોજેરોજ સર્જાતા અકસ્માતોની
વિગત કઠણ કાળજાવાળાનું હૈયું વલોવી દે છે. કચ્છ વિકાસની અતિ મોંઘી કિંમત ચૂકવી રહ્યું
છે. માનવજીવનથી વધુ કશું જ મૂલ્યવાન નથી. કોઇના કંધોતર, ભાઇ, પતિ, પિતા કે ઘરનો આધાર એવી મહિલા, માતા-પિતાની આંખનું રતન
એવું સંતાન અણધાર્યું વિદાય લઇ જાય એનું દુ:ખ, ફટકો અસહ્ય હોય
છે. નીતિન ગડકરીએ કહ્યું છે તેમ આ સમસ્યાનો
હંમેશ માટે અંત આવે એ શક્ય જ નથી, પણ સરકાર, તંત્ર અને સમાજ સજાગતાથી પ્રયાસ કરે તો અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય,
ઘણા જીવન બચાવી શકાય. ભુજ-માધાપર માર્ગેથી પસાર થતા ભારેખમ વાહનોને શહેરમાં
પ્રવેશબંધી શા માટે નથી કરાતી ? ફૂટપાથ પરના કે રોડ સાઇડનાં દબાણ
દૂર કરવામાં કેમ રસ નથી લેવાતો ? ક્યારેક દબાણહટાવ કામગીરી થાય
ને થોડા દિવસોમાં બધું પૂર્વવત... પરિણામલક્ષી કામગીરી થવી જરૂરી છે. આપણે નાગરિકોએ
પણ વાહન સંયમિત રીતે અને સુરક્ષિત રીતે ચલાવવું જોઇએ. સીટ બેલ્ટ, હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરવું આપણા જ હિતમાં છે. તંત્ર માટે એ યાદ રહે
કે, વિકાસ જનકલ્યાણની યોજના પૂરતો જ સીમિત ન હોઇ શકે. લોકોના
રોજબરોજનાં જીવનમાં પડતી મુશ્કેલી દૂર કરવી એ પણ વિકાસ પ્રક્રિયાનો જ ભાગ છે. ભૂકંપ
પછી કચ્છમાં ફોરલેન, સિક્સલેન માર્ગ બન્યા, રિંગરોડ થયા, પણ યોગ્ય માવજતના અભાવે રસ્તા ઘણાખરા ભંગાર
બની ગયા છે. સમારકામ માટે સરકારે વહીવટી મંજૂરીની જાહેરાત કરી છે. તેનો અમલ વેળાસર
થવો જોઇએ. ગયા ચોમાસામાં ધોવાઇ ગયેલા કચ્છના રસ્તાઓ હજુ ઠેકાણે નથી પડયા. ભુજમાં છઠ્ઠીબારી,
ઘનશ્યામનગર, ભીડ વિસ્તાર તંત્રની નિષ્કાળજીના સાદર
દૃષ્ટાંત છે. રાહ શેની જોવાય છે ? રસ્તે તરફડતી મહામૂલી જિંદગી
બચાવવાની સૌની ફરજ છે. વાહનચાલકોની સાથે સુધરાઇ, સરકારી તંત્ર,
માર્ગ-વાહન વ્યવહાર વિભાગ અને પોલીસનું પણ ઉત્તરદાયિત્વ બને છે. લોકોની
ધીરજની કસોટી ન થવી જોઇએ.