ભુજ, તા. 13 : વિશ્વભરના રક્તદાતાઓ પ્રત્યે
આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશથી ગત વર્ષથી આરંભાયેલા મેગા રક્તદાન કેમ્પનો એક વધુ મણકો
આગામી તા. 16/3 રવિવારના ભુજમાં યોજાશે. એલ.એન.એમ.
લાયન્સ ન્યૂ રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે સવારના 9થી 1 દરમ્યાન યોજાનારા
આ રક્તદાન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન તથા કચ્છનાં લોકપ્રિય દૈનિક કચ્છમિત્રના
સંયુક્ત ઉપક્રમે કરાયું છે, જેમાં જી.કે.
જનરલ હોસ્પિટલ-ભુજ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા,
કચ્છ પ્રાદેશિક સમિતિ કચ્છ, કચ્છ યુવા પ્રાદેશિક
સમિતિ, કચ્છ ચાઈનાક્લે એસોસિયેશન તથા મા ઇન્સ્યોરન્સનો સહયોગ
મળ્યો છે. આ કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાને અકસ્માતમાં ઘાયલ થવાથી કાયમી કે અંશત:
અપંગતા આવે કે મૃત્યુ થાય તો તેમના પરિવારને મુશ્કેલીના સમયમાં આર્થિક સહાયતારૂપે રૂા.
એક લાખની નાણાકીય સહાય મળી રહે તે માટે રૂા. એક લાખની વીમા પોલિસી આપવામાં આવશે,
જે રક્તદાતાનાં રક્તદાન કર્યા પછી તુરત જ આપવામાં આવશે. રક્તદાન કરનારા
રક્તદાતાને પોતાની સાથે આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ સામેલ
રાખવા જણાવવામાં આવ્યું છે. આ વીમા પોલિસીની મુદ્દત એક વર્ષની રહેશે એવું પ્રોજેક્ટ
કો-ઓર્ડિનેટર શક્તિસિંહ જાડેજા તથા વાડીલાલ ઠાકરાણીએ જણાવ્યું છે. રક્તદાન કરવા ઇચ્છુક
રક્તદાતાએ આ સાથે છપાયેલો ક્યુઆર કોડ સ્કેન કરી પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવવાનું
રહેશે. રક્તદાનનો મહિમા વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને નવા રક્તદાતાઓને પ્રેરણા મળે
એવા હેતુથી યોજાનારા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરાયો
છે. આથી પ્રવર્તમાન સમયમાં કચ્છમાં અનુભવાઇ રહેલી રક્તની ખોટને પહોંચી શકાય.